આણંદ ઓવરસીસ બ્રધરહુડ યુ.કે.નો આનંદ મિલન સમારોહ યોજાયો

- કોકિલા પટેલ Tuesday 01st September 2026 09:52 EDT
 
 

આણંદ ઓવરસીસ બ્રધરહુડ (AOB) યુ.કે. દ્વારા તા.૨૩ ઓગષ્ટ, રવિવારના રોજ વાર્ષિક આનંદ મિલન સમારંભનું આયોજન કરવામામ આવ્યું હતું જેમાં મૂળ આણંદના ભાઇ બહેનો તથા આણંદની દિકરીઓ સહિત ૩૦૦ આમંત્રિતોએ ભાગ લીધો હતો. હેરોવિલ્ડ ખાતે બ્લુ રૂમના વિશાળ હોલમાં આયોજીત આનંદ મિલન સમારોહનો શુભારંભ પરંપરાગત દીપ પ્રાગટ્યથી થયો હતો. પૂર્વ પ્રેસિડેન્ટ કોકિલા પટેલના હસ્તે ગણેશજી તથા શ્રી રાધાકૃષ્ણ સમક્ષ દીપ પ્રદટાવ્યા બાદ ગણેશ વંદનાથી થયો. (AOB)ના પ્રેસિડેન્ટ તારકભાઇ પટેલ તથા સેક્રેટરી કિન્નરી પટેલે સૌનું અભિવાદન કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. સમારંભમાં ઉપસ્થિત શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ (યુરોપ)ના પ્રેસિડેન્ટ જયેન્દ્રભાઇ પટેલ તથા વાઇસ પ્રેસિડેન્ટ મુકેશભાઇ પટેલ તેમજ ‘ગુજરાત સમાચાર Asian Voiceના તંત્રીશ્રી સી.બી.પટેલ તથા એમના બહેન કલ્પનાબેન પટેલ તથા બનેવી સુભાષભાઇ પટેલ તથા સત્તાવીશ ગામ પાટીદાર સમાજના સભ્ય ગામોના પ્રેસિડેન્ટ, સેક્રેટરીઓનું અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો.
(AOB)ના સેક્રેટરી કિન્નરી પટેલે સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આપણે દર વર્ષે દિવાળી નિમિત્તે સ્નેહ સમારોહ યોજીએ છીએ પણ નવેમ્બરમાં ઠંડીને કારણે ઘણા આપણા વડીલો આવી શકતા નથી અને કેટલાક ગુજરાત વતન જતા રહેતા હોય છે જેથી આ વર્ષે દરેક ગામોએ ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વાર્ષિક સમારંભોનું આયોજન કર્યું છે અને ટૂંકાગાળાની નોટીસમાં પણ આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ આભાર. પ્રેસિડેન્ટ તારકભાઇ પટેલે છેલ્લા ચાર વર્ષ દરમિયાન આણંદની આ સંસ્થાને સતત પ્રવૃત્તશીલ રાખી કુશળતાપૂર્વક સંચાલન કરનાર પ્રેસિડેન્ટ કોકિલા પટેલ અને એમની સક્રિય મહિલા કમિટીની મુક્તમને સરાહના કરી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતાં કોકિલા પટેલે જણાવ્યું કે, (AOB) દ્વારા ઘણા વર્ષોથી સમર હોલીડેનું આયોજન કરવામાં આવે છે પરંતુ છેલ્લા ચારેક વર્ષથી યોજાતી સમર હોલીડેમાં લગભગ ૧૬૦ જેટલા ભાઇ બહેનો તથા વડીલો જોડાય છે. આ હોલીડેનું આયોજન કરવામાં સહયોગ આપનાર હેરોસ્થિત A J Travelના અજયભાઇ પટેલ તથા નિલેશભાઇનો આણંદના સભ્યો તરફથી આભાર વ્યક્ત કર્યો હતો. ગત વર્ષની જેમ આ વર્ષે (AOB) સંસ્થાને £1000 ડોનેશન આપવા બદલ અજયભાઇ પટેલનો સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત જયેન્દ્રભાઇ તથા મુકેશભાઇએ પણ આણંદને સક્રિય રાખતા કાર્યકરોની મુક્તમને સરાહના કરી હતી.


comments powered by Disqus