અમેરિકા-ઇરાન અને યુક્રેન-રશિયા ઘમસાણ મધ્યે તાજેતરના સપ્તાહોમાં બે મહત્વના આયોજનો થઇ રહ્યાં છે. કિર્ગિઝસ્તાનની રાજધાની બિશકેક ખાતે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક સોમવારે શરૂ થઇ અને તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા પહોંચી ગયાં છે. એસસીઓની આ બેઠક બાદ 12 અને 13 સપ્ટેમ્બરના રોજનવી દિલ્હી ખાતે 18મી બ્રિક્સ સમિટનું આયોજન કરાયું છે. એસસીઓ અને બ્રિક્સની આ બેઠકોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ પણ સામેલ થઇ રહ્યાં હોવાથી સમગ્ર વિશ્વની નજર આ મંચો પર મંડાયેલી છે.
આજે વૈશ્વિક રાજકારણ તીવ્ર ધ્રુવીકરણ અને અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને બ્રિક્સ જેવા મહત્વપૂર્ણ બહુપક્ષીય મંચો પર ભારતની સક્રિય ભાગીદારી નવી દિલ્હીની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને મલ્ટી એલાઇનમેન્ટની નીતિની આકરી કસોટી કરી રહી છે. પશ્ચિમી દેશો સાથેના સંબંધોને મજબૂત રાખવાની સાથે સાથે પશ્ચિમ વિરોધી દેશો સાથે સંતુલન જાળવવું હાલમાં ભારત માટે સૌથી મોટો કૂટનીતિક પડકાર છે. એસસીઓ અને બ્રિક્સની બેઠકો પહેલાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરની રશિયા મુલાકાત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની ચીન મુલાકાતને આજ પરિપેક્ષ્યમાં જોવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં એસસીઓમાં ભારતનું વલણ ખાસ કરીને સરહદ પારના આતંકવાદ અને પ્રાદેશિક સુરક્ષા પર કેન્દ્રિત રહ્યું છે. રિજિયોનલ એન્ટી-ટેરરિસ્ટ સ્ટ્રક્ચર જેવા મંચો દ્વારા ભારત ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની હાજરી વચ્ચે પણ આતંકવાદ વિરુદ્ધ ઝીરો-ટોલરન્સની નીતિને દ્રઢતાપૂર્વક રેખાંકિત કરતો રહ્યો છે. કાશ્મીર મુદ્દે ચીન અને પાકિસ્તાનની નીતિઓ સાથેનો ભારતનો ટકરાવ એસસીઓમાં પણ છવાયેલો રહે છે અને ભારતીય કૂટનીતિ સામે પડકાર ઊભા કરતો રહે છે. એવું નથી કે શાંઘાઇ કોઓપરેશનથી ભારતને લાભ થઇ રહ્યો નથી. મધ્ય એશિયાના દેશો સાથે આર્થિક સંબંધો મજબૂત બનાવવા માટે એસસીઓ ભારત માટે એક મહત્વનો મંચ પૂરવાર થઇ રહ્યું છે.
બીજી તરફ બ્રિક્સના વિસ્તરણ બાદ ભારતે વૈશ્વિક આર્થિક માળખામાં સંતુલિત સુધારાઓ પર ભાર મૂક્યો છે. બ્રિક્સને માત્ર ડી-ડોલરાઈઝેશનના હથિયાર તરીકે વાપરવાના રશિયા અને ચીન સહિતના કેટલાક સભ્યોના ઉત્સાહ સામે ભારતે વ્યાવહારિક અભિગમ અપનાવ્યો છે. નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે તે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં વ્યાજબી સુધારાની પક્ષધર છે પરંતુ તે કોઈપણ પશ્ચિમ-વિરોધી મોરચાનો ભાગ બનવા માંગતી નથી. જોકે ભારત સ્થાનિક ચલણમાં વેપારનો હિમાયતી રહ્યો છે પરંતુ રૂપિયાની નબળાઇ અન્ય દેશોને ભારત સાથે રૂપિયામાં વેપાર કરતાં અટકાવી રહી છે. ભારત માટે એસસીઓ અને બ્રિક્સમાં પોતાની હાજરી અને પ્રભાવ જાળવી રાખવા માટે ત્રણ મુખ્ય પરિબળો મહત્વના છે. પહેલી બાબત અમેરિકા સાથે મજબૂત થતા રક્ષણાત્મક સંબંધો વચ્ચે એસસીઓ અને બ્રિક્સમાં ચીન તથા રશિયા સાથે કૂટનીતિક સંતુલન જાળવવું. બીજી મહત્વની બાબત એ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથેના મતભેદો અને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છતાં સંયુક્ત મંચ પર સકારાત્મક ભૂમિકા ભજવવી અને ત્રીજી મહત્વની બાબત એ છે કે વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે એક બ્રિજ બિલ્ડર તરીકે પોતાની છબી ઉપસાવવી.
