તમારા ખરા દુશ્મનને ઓળખોઃ અખાતી દેશોના શાસકોને એક થવા ખામેનઇની અપીલ

Wednesday 02nd September 2026 07:12 EDT
 
 

નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ મોજતબા ખામેનેઇએ રવિવારે અખાતી દેશોના શાસકોને તેમના ‘અસલી દુશ્મન’ને ઓળખવા, તેની યોજનાઓ સમજવા અને તેનો સામનો કરવા અપીલ કરી હતી. ખામેનેઇએ અખાતના દેશોના શાસકોને એકતા જાળવવા તથા એકબીજાના રક્ષણ માટે પરસ્પર સહયોગ કરવાની પણ અપીલ કરી હતી. તેમના ટેલિગ્રામ એકાઉન્ટ પર પ્રકાશિત લેખિત સંદેશમાં આ વાત કહેવામાં આવી હતી.
ઇસ્લામના પયગંબર હઝરત મોહંમદના જન્મદિવસ નિમિત્તે જાહેર કરાયેલા આ સંદેશમાં વિશ્વભરના મુસ્લિમોમાં એકતા, સંરક્ષણ અને સહયોગની હાકલ કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનાથી ખામેનેઇ જાહેરમાં જોવા મળ્યા નથી. છ મહિના પહેલાં અમેરિકા અને ઈઝરાયલના હવાઈ હુમલામાં તેઓ ઘાયલ થયા હતા. આ હુમલાઓ બાદ યુદ્ધ શરૂ થયું હતું, જેમાં તેમના પિતા અને ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇનું મોત થયું હતું.
તાજેતરના મહિનાઓમાં મોજતબા ખામેનેઇના સ્વાસ્થ્ય અને તેમના ઠેકાણા અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા વીડિયોમાં મોજતબા ખામેનેઇને ધર્મગુરુઓ સાથેની ધાર્મિક શૈક્ષણિક ચર્ચામાં ભાગ લેતા દર્શાવાયા હતા. જો કે આ વીડિયો જૂનાં દૃશ્યોનો હોવાનું જણાવાયું હતું.
ઈરાનની સમાચાર એજન્સી આઇએસએનએ અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ખામેનેઇના સ્વાસ્થ્ય અંગેની અટકળોને ફગાવી દીધી હતી. તેમણે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, ખામેનેઇ સંપૂર્ણ સ્વસ્થ છે. મોજતબા ખામેનેઇનો આ સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા સાથેના યુદ્ધ અને વોશિંગ્ટન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે ઈરાનને ગંભીર આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના મોખરાના સૈન્ય અધિકારીઓએ તેમને ચેતવણી આપી છે કે, ઇરાનમાં તેમનું યુદ્ધ અસહ્ય બની રહ્યું છે અને તે અન્ય સ્થળોએ તેમજ દેશની અંદર પોતાના રક્ષણની અમેરિકાની ક્ષમતાને ક્ષીણ કરી રહ્યું છે. ‘સેક્રેટરી ઓફ ડિફેન્સ ઓર્ડર્સ બુક’ નામના રિપોર્ટમાં આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ અને ટોચના કમાન્ડરો દ્વારા તૈયાર કરાયેલા મૂલ્યાંકનનો અહેવાલ પ્રકાશિત કર્યો છે.


comments powered by Disqus