પર્યુષણ પર્વ એટલે વેરની વિદાય અને પ્રેમના વાવેતર

-જ્યોત્સના શાહ Wednesday 02nd September 2026 09:23 EDT
 
 

શ્રાવણ વદ બારસ, ૮ સપ્ટેમ્બરથી શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વનો શુભારંભ થશે. ૧૫ સપ્ટેમ્બર, ભાદરવા સુદ ચોથે સંવત્સરી પર્વ - પર્યુષણનો છેલ્લો દિવસ. આઠ દિવસના આ પર્વમાં ધર્મની આરાધના દેશ-વિદેશમાં વસતા જૈનો તપ-જપ- ભક્તિભેર કરે છે. દિગમ્બર જૈનો એને દશ લક્ષણી પર્વ કહે છે જે દશ દિવસ ચાલે છે. પર્યુષણને પર્વાધિરાજ એટલે કે બધા જ પર્વોમાં મહાન કહ્યા છે. પર્યુષણ પર્વના આગમનને વધાવવા જૈનો ઉત્સુક બને છે. પૂર્વ તૈયારીઓ શરૂ કરી દે છે. જેઓ આઠથી વધુ દિવસના ઉપવાસ કરવાના હોય તેઓ એનો આરંભ અગાઉથી કરી દે છે.
અન્ય તહેવારોમાં અનોખી ભાત પાડતા આ તહેવારમાં તન-મન-ધનની શુધ્ધિ પર ભાર મૂકાયો છે. આત્માની શુધ્ધિ, સંયમ અને તપનો મહિમા ગવાયો છે. ભોગ વૃત્તિને ત્યાગવાની વાત છે. તપના કારણે કાયા કૃશ થવાથી એ ઇન્દ્રીયોના વ્યાપારને સંયમિત કરે છે. આત્માનું શુધ્ધિકરણ થવાથી સંચિત કર્મોની નિર્જરા થાય છે. ઇચ્છાઓ પર અંકુશ આવે છે. ઇચ્છાઓ બે પ્રકારની હોય છે. એક સારા કર્મ કરવાની જે જીવનને ઉર્ધ્વ ગતિ તરફ લઇ જાય છે જ્યારે બીજી ભૌતિક સુખની લાલસા કે વેરવૃત્તિની ભાવના અધોગતિના માર્ગે દોરી જાય છે. સારા-નરસાની વિવેકબુધ્ધિ જીવનને સુધારી દે છે.
ઉપવાસ કરવાથી ખાવા-પીવામાં બચતો સમયનો સદુપયોગ ધર્મની આરાધના કરવામાં થઇ શકે છે. ભગવાનની સેવા-પૂજા ને અધ્યયન શાંતિપૂર્વક થઇ શકે છે. ભૂખ્યા, દીન -દુ:ખીયાની પરિસ્થિતિનો અંદાજ આવે છે. જેથી અનુકંપાનો ભાવ જાગે છે.
પર્યુષણ પર્વના આઠ દિવસો દરમિયાન
સંસારના મૂલાધાર સમા કષાયો
ક્રોધ, માન, માયા, લોભ જેવા દુર્ગુણોને દૂર કરી મન શુધ્ધિ, વચન શુધ્ધિ, કાયા શુધ્ધિ કરવાનો અવસર. જેનાથી મૈત્રીના મંડાણ થાય. કેવી સરસ ભાવના? એનું ચિંતન કરી આત્મ શુધ્ધિ કરવાની દિશામાં પગરણ માંડીએ તો જીવન જીવવા યોગ્ય બનશે. મન પરનો બોજ હળવો બની જશે.
પર્યુષણ દરમિયાન જૈનોના મહાન ગ્રંથ કલ્પસૂત્રના વાંચનનો મહિમા છે. જેમાં ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરના ૨૭ ભવોનું વર્ણન, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓએ આચરવાના નિયમો, કર્મની ગતિ તેમજ સમગ્ર વિશ્વમાં મૈત્રીભાવનો વ્યાપની વિગતો આવે છે. અઢી અક્ષરના શબ્દ પ્રેમની વ્યાખ્યા સમજી જાણતા-અજાણતાં થયેલ મનદુ:ખથી મુક્ત બની હળવાશ અનુભવવાની પ્રતિક્રિયામાં પરોવાની આ પરંપરા જીવનને ભર્યું ભર્યું બનાવી દે છે.
પાંચમા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરના જન્મનું વાંચન આવે છે એ દિવસે મહાવીર જન્મની ઉજવણી ભક્તિભેર થાય છે. ભગવાનના જન્મ પહેલાનું વાંચન - એ સમયના વાતાવરણની રજુઆત એ મંગળ ઘડીના એંધાણથી હકારાત્મક ઓરા ને ઉર્જાથી જીવનમાં નિજાનંદની અનુભૂતિ થાય છે. આત્માને પરમાત્મા બનવાના ભાવ જાગે છે.
“અહિંસા પરમો ધર્મ’ એ જૈન ધર્મનું મુખ્ય સૂત્ર છે. જેમાં દરેક જીવના રક્ષણની, એની સુખાકારીનો વિચાર કરવાની દ્રષ્ટિ રહેલ છે. ‘જીવો અને જીવવા દો’નું સરળ વાક્ય સમાજમાં સમરસતા ઉભી કરે છે. આ દિવસો દરમિયાન સામયિક, પ્રતિક્રમણ જેવી ક્રિયાઓ જીવનભરના પાપોના પશ્ચાતાપ કરવાનો મોકો આપે છે. જીવદયા માટેનું ફંડ એકત્ર થાય છે. એની પાછળનો હેતુ પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણા દાખવવાનો છે. જે માનવતાના કાર્યો કરવા પ્રેરિત કરે છે.
આ દિવસોમાં ધર્મની આરાધના, સ્વાધ્યાય, વિદ્વાનોના વ્યાખ્યાન શ્રવણ કરી આત્મા પર લાગેલ પાપો ધોવાના છે. મનને નિર્મળ-પવિત્ર બનાવવાની દિશામાં પ્રયાણ કરવાના પ્રયાસોમાં જોતરાવાનું છે.
 ઉપવાસ, એકટાણાં, આયંબિલ વગેરે તપ કરી તનને શુધ્ધ બનાવવાનું છે. દરમિયાન ઉકાળેલું પાણી સૂર્યોદય થી સૂર્યાસ્તની વચમાં પીવાનું. આજે તો હવે વિજ્ઞાન પણ શરીરના અવયવોને આરામ આપવાનું, બિમારીથી બચવા ઉકાળેલું પાણી પીવાનું સૂચવે છે. સૂર્યાસ્ત પહેલા જમી લેવાનું કહે છે.
લાંબા કલાકોના ઉપવાસ-ઇન્ટરમીટેન્ટ (૧૨ થી ૧૬ કલાક ભૂખ્યા રહેવાનું) કરવાવાળાનો અને વહેલી સાંજે જમી લેનારાઓનો આંકડો વધતો જાય છે.
દરેકને પોતાનું આરોગ્ય સુધારવાની ખેવના હોય છે. એ પ્રત્યેની જાગ્રતતા વધી રહી છે. ધર્મ-વિજ્ઞાનનો સમન્વય એટલે જ જૈન ધર્મ.
 આ પર્વ જીવનમાંથી હતાશા અને સ્ટ્રેસ જેવા નકારાત્મક પરિબળોને નાથવાના જાત અનુભવની અણમોલ તક આપે છે. સદીઓ પૂર્વેનો ભગવાન મહાવીરનો ઉપદેશ એ સમય કરતા આજે સમજવાની અને એ અમલમાં મૂકવાની જરૂરિયાત વધુ હોય એવું લાગે છે.
પર્વાધિરાજના સાર સ્વરૂપ આઠમો દિવસ એટલે સંવત્સરી. મૈત્રીના મંગલનાદનો આ મહાન દિવસ. “મને માફ કરો’ એવું કહેવા નમ્રતા જોઇએ અને બીજાને માફ કરવા ઉદારતા જોઇએ. અહંકારને જાકારો આપ્યા વિના ખરા દિલથી બીજાની માફી માગી શકાતી કે આપી શકાતી નથી. સંવત્સરીનો પ્રાણ છે ક્ષમાપના.
અંધકાર મીટાવવા જેમ જ્યોત જલાવીએ તો જ પ્રકાશ રેલાય તેમ દુશ્મનાવટની દિવાલ તોડવા દિલને પ્રેમસભર બનાવવું પડે.
પ્રભુ મહાવીરની વાણી,
 “સામો થાય આગ તો તું થજે પાણી,
ક્રોધ દુ:ખનો દરિયો છે, ક્ષમા સુખનો સાગર,
વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં ..’ ને જીવનમાં આત્મસાત્ કરીએ.
ક્ષમાપનાના માધ્યમથી વૈરનું વિસર્જન અને પ્રેમનું સર્જન કરવાનું છે.
ગુરૂદેવ પૂ.ચિત્રભાનુજીનું ગુજરાતી કાવ્ય જગતનું સર્વશ્રેષ્ઠ ગીત
“મેત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે..’’નો સંદેશ પ્રસારિત કરી સાચા અર્થમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધના થાય એવા ભાવ સહ સૌને
‘મિચ્છામિ દુક્કડમ્ ‘

પર્યુષણ પર્વ ૨૦૨૬ના કાર્યક્રમો:
તા.૮-૯-૨૬ થી તા.૧૫-૯-૨૬

• નવનાત વણિક એસોસિએશનના ઉપક્રમે યોજાનાર પર્યુષણ પર્વ માટે વિરાયતનના સાધ્વીજી સમપ્રજ્ઞાજી અને સાધ્વીજી રોહિણીજી પધારશે. પહેલી વખત પર્યુષણ પર્વની પરંપરાનો સંદેશનો સ્વાનુભવ, એમાં સામેલ થઇ આપણા રોજબરોજના જીવનમાં એના અમલના શિક્ષણ અપાશે, એનો લાભ લેવાનું ચૂકતાં નહિ. ભાવનાનો લાભ વિક્રમ નિઝામ અને એમનું ગૃપ આપશે. પર્યુષણ દરમિયાન ત્યાં ભોજન લેવા ઇચ્છતા હોય તો તેની સગવડ માટે અગાઉથી પાસ લઇ લેવા. પ્રતિક્રમણ ઓન લાઇન પણ થશે. મહાવીર જન્મ કલ્યાણક રવિવાર તા. ૧૩ સપ્ટેમ્બરે સવારના ૧૧ થી. વધુ વિગત માટે સંપર્ક: ૦૨૦ ૮૮૪૮ ૩૯૦૯ [email protected] ની વિઝીટ કરો.
• શ્રીમદ્ રાજચંદ્ર મિશને લંડનના સ્પીરીચ્યુઅલ સેન્ટર, Falconer Road, Bushey WD23 3AD ખાતે ૪ થી ૭, ૮ થી ૧૧ અને ૧૨ થી ૧૬ વર્ષના બાળકો માટે ૬ સપ્ટેમ્બરના સવારના ૧૦.૧૫ થી ૧૨.૩૦ વર્કશોપ્સનું આયોજન “ I Love Paryushan 2026’ વિષય ઉપર કરેલ છે. એ માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વધુ વિગત માટે 07405 196 782 / 07972 805 555
• જૈન સમાજ યુરોપ, લેસ્ટર, ૩૨ ઓક્સફર્ડ સ્ટ્રીટ, LE1 5XU ખાતે પર્યુષણ પર્વની ઉજવણી દરમિયાન દરરોજ સવારના ૧૦.૧૫ થી ૧૧ આરતી-દીવો, ભક્તામર સૂત્રનું ગાન અને ૧૧ થી ૧ વાંચન, ૧ વાગ્યે ભોજન, એકાસણા (અગાઉથી પાસ લીધા હોય તેમના માટે), સાંજે ૬.૪૫ થી પ્રતિક્રમણ, અને ૮.૩૦ થી ૧૦ ભાવના. શનિવાર ૧૨ સપ્ટેમ્બરે મહાવીર જન્મ વાંચન અને જન્મોત્સવ, ૧૫ સપ્ટેમ્બરે સંવત્સરી પ્રતિક્રમણ શ્વેતામ્બરના સાંજે ૫.૧૫ થી અને સ્થાનકવાસીના સાંજે ૬.૧૫થી થશે. બુધવાર ૧૬ સપ્ટેમ્બરના તપસ્વીઓના પારણાં આરતી-મંગળ દીવો સવારના ૧૦.૩૦ અને પારણા ૧૧ વાગ્યે. અને દશલક્ષણી પર્વ તા. ૧૬ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર થશે. વધુ વિગત માટે સંપર્ક : પ્રમુખ શ્રી સતીષભાઇ શાહ : 07955 269279
• જૈન વિશ્વભારતી સેન્ટર, ૮ એલ્મ પાર્ક રોડ, પીનર, HA5 3LA ખાતે વિદ્વાન શ્રી વિજય ભૈયાજીની વ્યાખ્યાન શ્રેણી સવારના ૯ થી ૧૧ લાઇવ થશે અને ઝૂમ પર પણ સાંભળી શકાશે.. ઝૂમ મીટીંગ ID:820 108 1008 Pass code:1008। દરરોજ સવારના ૬.૩૦ થી ૭ મેડીટેશન અને ૭ થી ૮ ભક્તામર તથા ૮ થી ૯ સમણીજી જયંત પ્રજ્ઞાજીનું વ્યાખ્યાન. લંચ સવારના ૧૨.૩૦ થી ૧.૩૦ અને સાંજના ૫.૩૦ થી ૬.૩૦. પ્રતિક્રમણ સાંજના ૭.૧૦ થી ૮.૩૦. ૮.૩૦ થી ૧૦.૩૦ ભક્તિ. વધુ વિગત માટે સંપર્ક: રાજેશ જૈન 07796 134 301 અથવા જીત ધેલેરીયા 07802 890333
• જૈન નેટવર્ક, ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, કોલીન્ડલ ખાતે સવારના ૧૦ થી ૧૧.૩૦ વ્યાખ્યાન અને સાંજના ૭ થી પ્રતિક્રમણ અને ભાવના, ૧૦ સપ્ટેમ્બરે પાખ્ખી પ્રતિક્રમણ સાંજના ૬ વાગે, સંવત્સરી પ્રતિક્રમણ સાંજના ૪ વાગે થશે. વિધિકાર પંડિતવર્ય કુલદીપ સર મુંબઇથી પધારશે. ૧૯ સપ્ટેમ્બરે સ્વામિવાત્સલ્ય. સંપર્ક: ૦૭૭૧૯ ૫૬૯ ૨૧૯.
• મહાવીર ફાઉન્ડેશન તરફથી દરરોજ સવારના ૧૦ થી ૧૧.૩૦ ડો.સૌરવભાઇ શાહ ૫૫૫ કેન્ટન રોડ, HA3 9 RS ખાતે વ્યાખ્યાન આપશે.
સાંજના ૬.૩૦ થી પ્રતિક્રમણ અને ૮ વાગ્યાથી ભાવના હર્ષિત શાહ કરાવશે. તા. ૧૦ સપ્ટેમ્બરના પાખ્ખી પ્રતિક્રમણ સાંજના ૬ વાગ્યાથી. સ્થળ: JFS school, The Mall, HA3 9TE. શનિવાર તા.૧૨ સપ્ટેમ્બરના મહાવીર જન્મ વાચન બપોરના ૨ વાગ્યાથી જે.એફ.એસ સ્કુલમાં થશે.
તા.૧૫-૯-૨૬ના સંવત્સરી પ્રતિક્રમણ સાંજના ૪ વાગ્યાથી સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી ખાતે થશે. અને ૧૬ સપ્ટેમ્બરના સત્તાવીસ પાટીદાર સેન્ટરમાં તપસ્વીઓના પારણા અને સાંજી ૪ વાગ્યાથી. અને ૫.૩૦ થી સ્વામિ વાત્સલ્ય.


comments powered by Disqus