તાજેતરમાં નેપાળમાં આવેલા ભીષણ પૂરે ભારત માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. માનવ જાતે જે રીતે વિશ્વના પર્યાવરણનું ધનોત પનોત કાઢ્યું છે તેના કારણે ભારતનું પવિત્ર ધામ, કુદરતી સરહદ અને કરોડો લોકોના જીવનનો આધાર ગણાતો ભવ્ય હિમાલય હવે દેશ માટે ગંભીર અસ્તિત્વના સંકટમાં ધકેલાઇ રહ્યો છે. આશરે 2,500 કિલોમીટરથી વધુ વિસ્તારમાં પથરાયેલી આ સંવેદનશીલ ઈકોસિસ્ટમને પૃથ્વીનો ત્રીજો ધ્રુવ અને એશિયાનો વોટર ટાવર માનવામાં આવે છે. તે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓને સતત જીવંત રાખતા બરફના ભંડારોને સાચવે છે. છતાં ક્લાઈમેટ ચેન્જ અને અવિચારી સ્થાનિક વિકાસને કારણે પર્વતમાળાની ઇકોસિસ્ટમનું ઝડપથી પતન થઈ રહ્યું છે. હિમાલયનું આ સંકટ હવે માત્ર પર્યાવરણીય મુદ્દો નથી રહ્યો પરંતુ ભારત માટે તાકીદનું સામાજિક-આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ બની ગયું છે.
આ સંકટનું મુખ્ય કારણ હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં વધતું તાપમાન છે. હિંદુકુશ હિમાલય પ્રદેશ વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે જેના પરિણામે ગ્લેશિયરો અભૂતપૂર્વ ઝડપે પીગળી રહ્યા છે. આ વિશાળ હિમચાદરો ઓગળવાથી પથ્થરોના કાટમાળ પાછળ હજારો ખતરનાક ગ્લેશિયર સરોવરો ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે. તાજેતરના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 2021ની ઉત્તરાખંડની ચમોલી દુર્ઘટના અને વર્ષ 2023માં દક્ષિણ લહોનાક સરોવર ફાટવાને કારણે તીસ્તા થ્રી ડેમ તૂટતાં સિક્કિમમાં ભયાનક પૂર આવ્યું હતું. હિમાલયની ગોદમાં બેઠેલા નેપાળ અને તિબેટ જેવા પડોશી દેશોમાં થતા ગ્લેશિયરના પતનથી લાખો ક્યુબિક મીટર બરફ અને કાટમાળ ભારતીય નદીઓમાં તણાઈ આવે છે. આ કુદરતી હોનારતોમાં માનવસર્જિત દબાણ બળતામાં ઘી હોમે છે. હાઇવેના આડેધડ વિસ્તરણ માટે થતા બ્લાસ્ટિંગ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સના અવિજ્ઞાનિક નિર્માણે પહાડોના ઢોળાવોને અસ્થિર કર્યા છે.
હિમાલયના પતનનો પ્રભાવ માત્ર ઉત્તરાખંડ, હિમાચલ કે સિક્કિમ જેવા પહાડી રાજ્યો પૂરતો સીમિત નથી પરંતુ તેની અસર સમગ્ર દેશના પાયાને હચમચાવી રહી છે. હિમાલયની નદીઓ ઉત્તર ભારતના ફળદ્રુપ મેદાનોમાં વસતા 50 કરોડથી વધુ લોકોનું પાલનપોષણ કરે છે. ટૂંકા ગાળે ઝડપથી ઓગળતો બરફ પૂર લાવે છે પરંતુ લાંબા ગાળે પીક વોટરનો તબક્કો વટાવ્યા પછી નદીઓનો પ્રવાહ ઘટી જશે, જે દેશના અન્નભંડાર સમાન વિસ્તારોની સિંચાઈ વ્યવસ્થા ઠપ કરી દેશે. પહાડી પ્રદેશોમાં જળવિદ્યુત ક્ષેત્રે કરાયેલું કરોડો રૂપિયાનું રોકાણ કાદવ-કાંપ જમા થવા અને અકાળે આવતા પૂરને કારણે સતત જોખમમાં રહે છે. જોશીમઠ જેવા શહેરોમાં જમીન ધસી જવાની ઘટનાઓ અને ચોમાસાના પૂરને કારણે હજારો લોકો સ્થાળાંતર કરવા મજબૂર બન્યા છે. ભારત આર્થિક વિકાસની સરખામણીએ પહાડોના સંરક્ષણ સામે આંખ આડા કાન કરી શકે તેમ નથી. આ વિનાશને અટકાવવા કડક પગલાં ભરવાં અત્યંત આવશ્યક બની ગયાં છે. સંવેદનશીલ વિસ્તારોમાં માળખાકીય વિકાસ માત્ર ભૌગોલિક સ્થિરતાના આધારે જ થવો જોઈએ. ઊંચાઈ પર આવેલા ગ્લેશિયર સરોવરો પર સેટેલાઇટ રડાર દ્વારા રીઅલ-ટાઇમ દેખરેખ રાખવી અને ઓટોમેટેડ વોર્નિંગ નેટવર્ક ઊભું કરવું પડશે. જળવાયુ, ભૂકંપ અને હવામાન સંબંધિત માહિતીની આપ-લે માટે ભારતે પ્રાદેશિક સ્તરે આગેવાની લેવી પડશે.
હિમાલયે સદીઓથી ભારતીય ઉપખંડનું રક્ષણ કર્યું છે. આજે આ પહાડો પોતાના રક્ષણ માટે પોકારી રહ્યા છે.
