2026ના પ્રારંભે બ્રિટિશ વિદેશનીતિમાં ધરમૂળથી બદલાવ

Wednesday 04th February 2026 05:38 EST
 

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની બદલાતી નીતિઓ સામે યુકેના ભવિષ્યને સુરક્ષિત કરવા લેબર સરકારની વિદેશ નીતિમાં ધરમૂળથી બદલાવ જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર ટ્રમ્પની નારાજગી વહોરીને ચીનની મુલાકાતે પહોંચ્યા અને એશિયાના આ સુપર પાવર સાથે લાંબાગાળાની વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા 12 કરાર કરી આવ્યા.
એવું નથી કે ચીન સાથેની લાંબાગાળાની વ્યૂહાત્મક અને સિક્યુરિટી અંગેની ચિંતાઓ નથી. તેમ છતાં 2026ના પ્રારંભથી જ બ્રિટને તેની વિદેશનીતિમાં બદલાવ કરતાં ચીન સાથે વધુ વ્યવહારૂ સંબંધો બાંધવાનું પસંદ કર્યું છે. યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પના વિવાદિત વલણ, ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની મનશા અને નાટોનું ભાવિ અદ્ધરતાલ થતાં બ્રિટનને હવે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ચીન અને ભારત જેવી આર્થિક શક્તિઓ તરફ નજર દોડાવવાની ફરજ પડી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આડેધડ ટેરિફનો કોરડો વિંઝવાનું શરૂ કર્યા બાદ બ્રિટનને આર્થિક મોરચે પુનઃવિચાર કરવો પડ્યો છે. બ્રિટનને સમજાઇ ગયું છે કે સનકી ટ્રમ્પનો હવે વિશ્વાસ થઇ શકે તેમ નથી. એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકા બ્રિટનનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે પરંતુ વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાશક્તિ બની ચૂકેલો ચીન પણ બ્રિટિશ માલસામાન અને સર્વિસિઝનું મોટું બજાર છે. બ્રિટિશ કંપનીઓ, નિકાસો અને નોકરીઓ માટે ચીન સાથેના વેપાર સંબંધો વધુ મજબૂત બને તે બ્રિટનની જરૂરીયાત બની ચૂકી છે તે સરકારને સારી રીતે સમજાઇ ગયું છે.
તેથી જ બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સર્વિસિઝ કરાર અને હેલ્થકેર, ફાઇનાન્સિયલ તથા લીગલ સર્વિસિઝ, એજ્યુકેશન અને સ્કીલ્સ જેવા સેક્ટરોમાં મજબૂત સહકાર સાધવા સહમતિ સધાઇ છે. સ્ટાર્મર સરકાર નવી આંતરરાષ્ટ્રીય બિઝનેસ તકો ઝડપી લઇને બ્રિટનના ધીમા પડેલા આર્થિક વિકાસને વેગ આપવાની દિશામાં આગળ વધી ચૂકી છે. આ પહેલાં સ્ટાર્મર સરકાર ભારત સાથે પણ મુક્ત વેપાર કરાર કરવામાં સફળ રહી. અમેરિકાની નારાજગી છતાં સ્ટાર્મર સરકાર વિશ્વના બે સૌથી મોટા બજારોમાં બ્રિટિશ માલસામાનની ખપત માટેની દિશા કંડારી ચૂકી છે.
બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધો આશા અને શંકાઓ વચ્ચે ઝોલા ખાતાં રહ્યાં છે પરંતુ ટ્રમ્પની અંધાધૂંધ નીતિઓએ બ્રિટનને ચીન સાથે સંબંધો સુધારવા મજબૂર કર્યો છે. ટ્રમ્પના શાસનકાળમાં યુકે અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ વ્યાપી છે એટલે જ લંડનને તેના રાજદ્વારી અને આર્થિક સંબંધો અન્ય દિશામાં વળવા મજબૂર બનવું પડ્યું છે. યુરોપના ઘણા દેશો ચીન સાથેના સંબંધો મજબૂત બનાવી રહ્યાં છે જે પશ્ચિમના દેશો દ્વારા શરૂ કરાયેલી પુનઃગણતરીઓનું પ્રતિબિંબ છે.
ચીન સાથેના સંબંધો પર યુકેના જનમાનસમાં પણ શંકાઓ પ્રવર્તી રહી છે. ઘણા બ્રિટિશર ચીનને સંભવિત પડકારની સાથે સાથે આર્થિક ભાગીદાર તરીકે પણ જોઇ રહ્યાં છે. બ્રિટિશ જનમાનસમાં ચીની ઇરાદાઓ અંગે હંમેશા શંકાઓ રહી છે. ચીન દ્વારા કરાતી જાસૂસી સહિતના મુદ્દા બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધો મુદ્દે જનમાનસને વિભાજિત કરી રહ્યું છે. તેથી જ આ જટિલ પ્રકારના દ્વિપક્ષીય સંબંધોમાં સ્ટાર્મર સરકારે ફૂંકી ફૂંકીને છાશ પીવી પડશે. એટલું કહી શકાય કે બ્રિટનનો ચીન તરફી ઝૂકાવ આદર્શોના આધારે નહીં પરંતુ વ્યવહારૂ તોડ કાઢવા માટે જ જોવા મળી રહ્યો છે. સ્ટાર્મર સરકાર આર્થિક તકો અને સુરક્ષા અંગેના જોખમોની બેધારી તલવાર સાથે આગળ વધી રહી છે. હવે એ જોવું રહ્યું કે અમેરિકાને નારાજ કરીને બ્રિટન ચીન સાથેના તેના સંબંધો કેટલા મજબૂત બનાવી શકે છે.


comments powered by Disqus