જનતાને રાહત વિનાનું, વિકાસના દીવાસ્વપ્ન બતાવતું બજેટ

Wednesday 04th February 2026 05:40 EST
 

ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને ઐતિહાસિક રીતે 1 ફેબ્રુઆરીના રવિવારના રોજ વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કર્યું. નિર્મલાના બજેટે મધ્યમવર્ગને કોઇ રાહત આપી નથી જ્યારે તરંગી હવાલા આપીને આગામી 25 વર્ષના વિકાસના દીવાસ્વપ્ન બતાવવાનો પ્રયાસ કર્યો છે. નિર્મલા સીતારમનના બજેટને વાસ્તવિકતા અને કલ્પનાઓ વચ્ચે હિચકોલા ખાતું બજેટ અવશ્ય ગણી શકાય. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારના આ બજેટને અપાર અવસરોનો રાજમાર્ગ ગણાવ્યું પરંતુ તે સામાન્ય જનતાના વર્તમાન સ્વપ્ન સાકાર કરે તેવી આશા બજેટમાં આપવામાં આવી નથી.
મધ્યમવર્ગ અને નોકરીયાતોને આવકવેરામાં વધુ રાહતની અપેક્ષા હતી પરંતુ તે પોકળ જ પૂરવાર થઇ છે. ગયા વર્ષના બજેટમાં ટેક્સ ફ્રી ઇનકમ રૂપિયા 7 લાખથી વધારીને 12 લાખ કરાઇ હતી. તેથી આ વર્ષે પણ કરદાતાઓને વધુ રાહતની અપેક્ષા હતી. નોકરીયાત વર્ગ ઇચ્છતો હતો કે સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂપિયા 75,000 હજારથી વધારીને રૂપિયા 1 લાખ કરી દેવાય જેથી કાળઝાળ મોંઘવારીમાં તેના ખિસ્સાને રાહત મળી રહે પરંતુ નિર્મલાના બજેટમાં આ આશા ઠગારી નીવડી છે.
મોદી સરકારે આ વખતના બજેટમાં કરદાતાઓને રાહત આપવાના સ્થાને આધુનિક યુગની વૈશ્વિક પ્રતિસ્પર્ધાઓમાં ટકી રહેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ લાગી રહ્યું છે. આર્ટિફિશિયસ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર, સેમી કન્ડક્ટર, રેર અર્થ મિનરલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના સેક્ટરો પર નાણાપ્રધાને વધુ ભાર મૂક્યો છે. સીતારમને તેમના બજેટમાં જાહેર રોકાણ માટેનો ખર્ચ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કર્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ 9 ટકાનો વધારો પરિવહન, લોજિસ્ટિક્સ, શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વધુ વેગ આપશે તેમ મનાય છે. મુંબઈ-પુણે, હૈદરાબાદ-બેંગલુરુ, ચેન્નાઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી જેવા મુખ્ય શહેરી અને ઔદ્યોગિક કેન્દ્રોને જોડતા સાત હાઇ-સ્પીડ રેલવે કોરિડોર, 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગ ઘરેલુ વેપારને વેગ આપશે પરંતુ આ પ્રોજેક્ટ સમસયસર પૂરા થાય તો જ તેના લાભ અર્થતંત્રને મળી શકે.
એ વાતમાં કોઇ શંકા નથી કે મોદી સરકાર 3.0નું આ બીજું બજેટ ઉચ્ચ ટેકનોલોજી સેક્ટરોને વધુ મહત્વ આપી રહ્યું છે. ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન 2.0, બાયોફાર્મા શક્તિ મિશન ભારતને ઉચ્ચ ટેકનોલોજીમાં વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો પ્રયાસ માની શકાય. મોદી સરકાર આયાત નિર્ભરતા ઘટાડવા પર વિશેષ ધ્યાન આપી રહી હોવાનું આ બજેટ પરથી પ્રતીત થાય છે.
ઓપરેશન સિંદૂર અને સતત બદલાતી જતી વૈશ્વિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સરકારે સંરક્ષણ બજેટમાં 15 ટકા જેટલો ધરખમ વધારો કર્યો છે. જે દર્શાવે છે કે ભારત સરકાર દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માગે છે. ખાસ કરીને જ્યારે મોટાભાગના પાડોશી દેશો ભારત વિરોધી વલણ અપનાવી રહ્યાં હોય ત્યારે દેશને લશ્કરી રીતે મજબૂત કરવો અતિઆવશ્યક બની જાય છે અને સરકારે આ બજેટમાં એ જ દિશામાં આગળ વધવા નક્કી કર્યું છે.
આમ ભારત સરકારનું વર્ષ 2026-27નું બજેટ મિશ્ર પ્રતિસાદોનું બજેટ ગણાવી શકાય. સરકારે સામાન્ય જનતા અને મધ્યમવર્ગને રાહત આપવાના સ્થાને નાણાકીય વ્યવસ્થાપન, જાહેર રોકાણો, વ્યૂહાત્મક સેક્ટરલ સુધારા પર વધુ ધ્યાન આપ્યું છે. સરકારનું બજેટ પરિવારોને કોઇ કર રાહત આપી રહ્યું નથી તો બીજીતરફ ભારતની મધ્યમગાળાના વિકાસગાથા અને મહત્વાકાંક્ષાઓ બજેટમાં રેખાંકિત કરવામાં આવી છે. સરેરાશ નિર્મલા સીતારમનનું બજેટ બોરિંગ કહી શકાય...


comments powered by Disqus