બલોચ અને પાકિસ્તાન આર્મીના જંગમાં 190નાં મોત

Wednesday 04th February 2026 06:22 EST
 
 

ઇસ્લામાબાદઃ બલોચ બળવાખોરો દ્વારા કરાયેલા શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ પાકિસ્તાનના લશ્કરે તેમને ખતમ કરવા પૂરી તાકાત લગાવી દીધી છે. બલોચિસ્તાનના બળવાખોરોને ભારત તરફથી સતત ઉશ્કેરણી કરાતી હોવાના પાકિસ્તાનના આરોપનું નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં ખંડન કર્યું હતું અને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. બલોચ બળવાખોરો અને પાકિસ્તાનની આર્મી વચ્ચે ચાલતા આ લોહિયાળ જંગમાં અત્યાર સુધી 190 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં સામાન્ય નાગરિકો, બળવાખોરો અને પાકિસ્તાન આર્મીના જવાનોનો પણ સમાવેશ થાય છે.
બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના બળવાખોરોએ બે દિવસ અગાઉ પાકિસ્તાનનાં પોલીસ મથકો, લશ્કરી મથકો અને સુરક્ષાદળોના જવાનોને નિશાન બનાવતાં શ્રેણીબદ્ધ 12 હુમલા કર્યા હતા. જેમાં સુરક્ષાદળોના 17 જવાનો અને 31 નાગરિકોનાં મોત થયાં હોવાનું બલુચિસ્તાનના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. આ જંગમાં બીએલએના 145 બળવાખોરો પણ માર્યા ગયા હતા. બલુચિસ્તાન પ્રાંતની અત્યંત વિસ્ફોટક સ્થિતિને ધ્યાનમાં લેતાં સમગ્ર પ્રાંતમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આંતરારાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ આ સ્થિતિના પગલે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને ટ્રેન સેવાઓ પણ ઠપ થઈ ગઈ હતી.
આ સ્થિતિના પગલે સ્થાનિકો ભારે ભયના માહોલ હેઠળ છે, જેઓ કહી રહ્યા છે કે સમગ્ર પ્રાંતમાં કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો તે સુરક્ષિત પરત ફરશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. વિસ્ફોટક સ્થિતિ અને આ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટના કારણે બલુચિસ્તાનના પાટનગર ક્વેટામાં સ્મશાનવત્ શાંતિ ફેલાઈ ગઈ છે. શહેરના તમામ રોડ ઉપર જાણે કર્ફ્યૂ લાદવામાં આવ્યો હોય એવી સ્થિતિ પ્રવર્તી હતી, કેમ કે તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી અને લોકોએ ભયના માર્યા ઘરોમાં જ પુરાઈ રહેવાનું યોગ્ય માન્યું હતું.
બીએલએનો પાક. સેના પરનો હુમલો એટલો ઘાતક હતો કે પાક. સેનાએ પોસ્ટ છોડીને ભાગી જવું પડ્યું હતું. આ હુમલામાં 20 સૈનિકોનાં મોત થયાં હતાં.


comments powered by Disqus