લાહોરનું ઐતિહાસિક લૌહ મંદિર ફરી ભાવિકો માટે ખૂલ્યું

Wednesday 04th February 2026 06:22 EST
 
 

લાહોર: ભગવાન રામના ભક્તો માટે પાકિસ્તાનથી એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. પાકિસ્તાનને પંજાબ પ્રાંતમાં લાહોર કિલ્લામાં સ્થિત ઐતિહાસિક લૌહ મંદિના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હવે આ મંદિરને સામાન્ય જનતા તથા ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ભગવાન રામના પુત્ર લવ ને સમર્પિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, રાજકુમાર લવના નામ પરથી જ આ શહેરનું નામ લાહોર પડયુ હતું. આ મંદિર લાહોરના ઈતિહાસ અને હિન્દુ ધર્મની અતૂટ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે.
વૉલ્ડ સિટી લાહોર ઓથોરિટી' (WCLA) એ મંગળવારે માહિતી આપી હતી કે લૌહ મંદિરની સાથે સાથે શીખ યુગના હમ્મામ અને મહારાજા રણજીત સિંહના અઠદારા પેવેલિયનનું પણ સંરક્ષણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ઓથોરિટીના પ્રવકતા તાનિયા કુરેશીએ જણાવ્યું કે, આ અભિયાનનો મુખ્ય હેતુ લાહોર કિલ્લાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દુનિયા સામે લાવવાનો છે, જેમાં હિન્દુ મંદિરો, શીખ સ્મારકો અને મોગલ સ્થાપત્યનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં એક સંશોધન દરમિયાન લાહોર કિલ્લામાં શીખ યુગના લગભગ 100 જેટલા સ્મારકોની ઓળખ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને, WCLA એ અમેરિકા સ્થિત શીખ સંશોધક ડો. તરુણજીત સિંહબુટાલિયાને એક ગાઈડબુક લખવાની જવાબદારી સોંપી છે. જેનું શીર્ષક 'શીખ સામ્રાજ્ય દરમિયાન લાહોર કિલ્લો' રાખવામાં આવ્યું છે.
ડો. બુટાલિયાએ જણાવ્યું હતું કે, લાહોર કિલ્લો શીખ સામ્રાજ્યની સત્તાનું કેન્દ્ર હતો અને તે લોકોની ભાવનાઓ સાથે જોડાયેલું સ્મારક છે. લોહ મંદિર ખુલવાને કારણે હવે પ્રવાસીઓઅને શ્રદ્ધાળુઓ લાહોરના પ્રાચીન ઈતિહાસને વધુ નજીકથી જાણી શકશે.


comments powered by Disqus