લેસ્ટર એટલે શ્રેષ્ઠ ભારતીય નર-નારીરત્નોની ખાણ

બાદલ રમેશચંદ્ર લખલાણી Wednesday 04th February 2026 06:21 EST
 
 

કાર્યક્રમનો શુભારંભ કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે સૌ પ્રેક્ષકોનું અભિવાદન કરતાં કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષમાં સોનેરી સંગતે બ્રિટિશ ગુજરાતી અને ભારતીયો માટે વિવિધ પ્રકારે અનુદાન આપ્યું છે, જેમાં વિવિધ સમાજને પણ મહત્ત્વનું સ્થાન અપાયું છે. બ્રિટનમાં લેસ્ટરનું આગવું મહત્ત્વ છે, જ્યાં અઢી લાખની વસ્તી ભારતીયની, જેમાં 50 હજારથી વધુ વસ્તી ગુજરાતીઓની છે. લેસ્ટરમાં ઘણા નર-નારીરત્નો છે, જેમાં રમણભાઈ બાર્બર પણ એક છે.
રમણભાઈ અંગે એક સુંદર પુસ્તક ‘લાઇફ સ્ટોરી ઓફ રમણભાઈ બાર્બર – એમબીઈ- ડીએલ’ બહાર પડાયું છે. ઉલ્લેખનીય છે કે, મહારાણી દ્વારા એમબીઈ-ડીએલનો ઇલકાબ રમણભાઈને અપાયો છે. આ સોનેરી સંગત કાર્યક્રમ દ્વારા આપણે રમણભાઈની આંખે-પાંખે લેસ્ટર જઈશું.
સી.બી. પટેલઃ આપ કયા વર્ષમાં લેસ્ટરમાં આવ્યા? લેસ્ટરમાં સનાતન મંદિરના સ્થાપક કહેવાઓ ખરા?
રમણભાઈઃ 1964માં હું લેસ્ટર આવ્યો અને સનાતન મંદિરના સ્થાપક પૈકી હું પણ એક છું. લેસ્ટરમાં સનાતન મંદિરની સ્થાપના 1970માં થઈ હતી, તે વખતે પરમપૂજ્ય શ્રીરામ ભક્ત સંત પુનિતના શિષ્ય અહીં પધાર્યા હતા અને અમારા વડીલ ધનજીભાઈના ઘરે ઉતારો લીધો હતો. અમે તેમના ભજનોના કાર્યક્રમ પણ રાખ્યા, ત્યારે તેમણે લેસ્ટરમાં આપણું ખુદનું એક મંદિર બનાવવાની પ્રેરણા આપી. તે સમયે લલ્લુભાઈ, સી.એલ. માસ્ટર અને રાધેશ્યામકાકા સહિતના ઘણા વડીલો હતા. સૌથી નાની ઉંમરનો અને અભ્યાસ કરતો એકમાત્ર હું જ હતો. હું આ ઉમદા કાર્ય માટે બનાવાયેલી કમિટીમાં જોડાઈ ગયો અને તેમણે મને જોડી પણ દીધો. સારું કામ થતું હતું અને દોડાદોડી માટે કમિટીમાં એક યુવાનની ખૂબ જરૂર હતી.
સી.બી. પટેલઃ ભારતીયો લેસ્ટરમાં મોટા પ્રમાણમાં આવ્યા તે અંગે જણાવો.
રમણભાઈઃ લેસ્ટર એક સાંસ્કૃતિક, કલાને સમર્પિત અને બહુ જૂનું શહેર છે. અહીં રિચર્ડ અને ડેવિડ એટનબોરોએ એક કલાકાર તરીકે લેસ્ટરને મોટું પ્રદાન કરેલું છે. આ સિવાય ટેક્સટાઇલ, હોઝિયરી અને શૂ ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ નામના ધરાવતી હતી. આ સિવાય પાસેના વિસ્તારમાં મહાત્મા ગાંધી અને જવાહલલાલ નહેરુએ અભ્યાસ પણ કર્યો છે. કેન્યાથી જ્યારે મારા પિતાએ મને મોકલ્યો ત્યારે તેમની પાસે યૂરોપિયન બાર્બર શોપ હતી. આ સમયે લોકો મારા પિતાને કહેતા કે, ‘મિસ્ટર બાર્બર... યોર સન ઇઝ ગોઇંગ ટુ લેસ્ટર. હી ઇઝ વેરી લકી, લેસ્ટર ઇઝ રિચેસ્ટ સિટી ઇન ઇંગ્લેન્ડ.’ હું 1964 લેસ્ટર આવ્યો. ઇસ્ટ આફ્રિકાથી લગભગ 68 ટકા લોકો યુકે ખાતે આવ્યા હતા, તે પહેલાં 50ના દશકથી જ લેસ્ટરમાં આપણા દક્ષિણ ગુજરાતના લોકો આવીને વસી ચૂક્યા હતા. આ લોકો ખૂબ મહેનતુ હતા અને નાની-નાની ફેક્ટરીમાં કામ કરતા. આપણા ગુજરાતીઓએ અહીં કાળી મજૂરી કરી છે અને એક નાના મકાનમાં ત્રણ-ત્રણ પરિવાર પણ રહ્યા હતા.
સી.બી. પટેલઃ લેસ્ટરમાં આપણી કઈ સંસ્થા ચાલે છે?
રમણભાઈઃ 1964માં જ્યારે લેસ્ટર આવ્યો ત્યારે કંઈ ખાસ હતું નહીં. જો કે ધીમેધીમે આપણા ભાઈઓ ઇસ્ટ આફ્રિકાથી અને ભારતથી આવતા ગયા તેમતેમ અનુભવાતું ગયું કે આપણું સંગઠન હોવું જોઈએ. આમ અહીં જ્ઞાતિ સંસ્થાઓ ઊભી થઈ, જેમાં લોહાણા મહાજન, ઓશવાલ એસોસિયેશન, જૈન સેન્ટર, ગુજરાત આર્ય એસોસિયેશન, લિંબાચિયા મંડળનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓએ પોતપોતાનાં સંગઠન ઊભાં કર્યાં, કારણ કે તેઓ એકબીજા સાથે જોડાઈને રહેવા માગતા હતા. આ સંગઠનોનો ઉદ્દેશ ખાસ કરીને અહીં બાળકોને એકત્ર કરી પરિચયમાં લાવવા અને યુવાનોનાં લગ્ન વિષયક પ્રશ્નોના નિરાકરણનો હતો.
અહીં સંગઠનો અને સંસ્થા રચાયા બાદ સત્સંગ મંડળો પણ ઊભાં થયાં, જે બાદ વિચાર કર્યો કે આપણાં પોતાનાં મંદિરો પણ હોવાં જોઈએ. રામભક્તની પ્રેરણા દ્વારા સૌપ્રથમ અમારું સનાતન મંદિર શરૂ થયું, જે બાદ પ્રેસ્ટન અને કોવેન્ટ્રી મંદિરની સ્થાપના થઈ. તે સમયે હું નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ-યુકેનીની અમે સ્થાપના કરી અને તેનો સેક્રેટરી હતો. અમે તમામ શહેરમાં જઈને હિન્દુ પરિવારોમાં જાગૃતિ લાવ્યા કે આપણાં મંદિરો હોવાં જોઈએ.
ભારતથી અને ઇસ્ટ આફ્રિકાથી આવેલા લોકો બાદ જ્યારે યુગાન્ડાથી આપણા ભારતીયો આવ્યા, ત્યારે તેઓ વેપારનો બહોળો અનુભવ લઈને આવ્યા હતા. પટેલો કોર્નર શોપમાં લાગ્યા અને અન્ય વેપારીઓ ટેક્સટાઇલ અને હોઝિયરી ઇન્ડસ્ટ્રીમાં લાગ્યા અને વેપાર વિકાસ વધાર્યો.
સી.બી. પટેલઃ સ્થાપના સમયે કોણ-કોણ સક્રિય હતા?
રમણભાઈઃ સનાતન મંદિરની સ્થાપના સમયે ધનજીભાઈ આટવાલા મારા પિતાતુલ્ય હતા, જેમણે મને આ સંસ્થામાં જોડ્યો હતો. લલ્લુભાઈ પટેલ, છગનભાઈ માસ્તર, રામભાઈ રાધેશ્યામ, રતિભાઈ ગણાત્રા, ટપુભાઈ ગોહિલ, નરસિંહભાઈ પટેલ, રતિલાલભાઈ કોટેચા, ઇલાબહેન, લીલાબહેન કોયા, કાંતાબહેન પટેલ, દિવાળીમાસી, શાંતાબહેન ચાવડા, 1974માં જોડાયેલા રમેશભાઈ આચાર્ય જેવા પીઢ લોકો સનાતન મંદિરની સ્થાપના સાથે જોડાયેલા હતા. પૂજારીઓમાં મનમોહનભાઈ પંડ્યા, પંડિત આભાજી - જેમણે મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી, મનુભાઈ પંડિતજી અને હરિભાઈ શાસ્ત્રીનો પણ સિંહફાળો રહ્યો છે.
સી.બી. પટેલઃ ગુજરાત હિન્દુ એસોસિયેશનની સ્થાપના અંગે જણાવો.
રમણભાઈઃ હું જ્યારે લેસ્ટર આવ્યો ત્યારે ગુજરાત હિન્દુ એસોસિયેશનમાં કૃષ્ણકાંતભાઈ શાહ ખૂબ પીઢ વ્યક્તિ હતા. તેમની પાસે કેન્યાની વિવિધ સંસ્થાઓનો ઘણો અનુભવ હતો. આ અનુભવના કારણે જ અમે આ માતૃસંસ્થા ઊભી કરી હતી, જેમાં હું જોઇન્ટ સેક્રેટરી હતો. આ સમય બાદ તેઓ પોલિટિક્સમાં ગયા અને કાઉન્સિલર બન્યા. તેમની નાની એવી દુકાનમાં આ શાહ દંપતી ખૂબ મહેનત કરતા. સાડીઓ લાવીને વેચતા, જે બાદ વાસણોની દુકાન કરી. ગુજરાત હિન્દુ એસોસિયેશનથી અમે બીજી સંસ્થા ઊભી કરી ‘હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ’. આ સંસ્થાના નેજા હેઠળ નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની ઉજવણી કરાય છે. આ સંસ્થા સાથે અન્ય સંસ્થાઓ પણ જોડાયેલી છે. એટલે કહી શકીએ કે આ ‘અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન’ છે.
નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ યુકેના મંદિરોને સાંકળતી સંસ્થા છે, તેમાં ગોવિંદભાઈ પટેલે હિન્દુ મંદિરની સ્થાપના કરી હતી અને લડત પણ ચલાવી હતી. તે સમયના કાર્યકરો નિષ્કામભાવે સેવા કરતા. અમારાં નાનાં બાળકો હોવા છતાં અમે મોટાભાગનો સમય ત્યાં જ પસાર કરતા. મારા જેવા આવા ઘણા લોકો હતા, જેમણે સંસ્થા માટે ખૂબ કામ કર્યું.
સી.બી. પટેલઃ લેસ્ટર ઇન્ફર્મરીમાં આવેલા ઇમર્જન્સી વોર્ડ ખાતે મેં નામ જોયું હતું ગૌતમ બોડીવાલા, તેમના અંગે અમને જણાવો
રમણભાઈઃ ગૌતમ બોડીવાલા અમારા મિત્ર છે. ગૌતમભાઈએ ઇમર્જન્સી મેડિસિનની શરૂઆત કરી અને તેમના નામે યુનિટ પણ ખોલવામાં આવ્યું. તેઓ પણ મારી સાથે ડેપ્યુટી લેફ્ટનન્ટ છે. તેમણે વ્યવસાયિક તરીકે આપણું નામ રોશન કર્યું છે. આ સિવાય ચંદુભાઈ મટાણીએ લેસ્ટરમાં સંગીત અને કલા પ્રત્યે શ્રુતિ આર્ટ્સની સ્થાપના કરી, તેમનાં કાર્યો અંગે પણ ગૌરવ અનુભવીએ છીએ.
સી.બી. પટેલઃ લેસ્ટરમાં હાલમાં જ આપણાં એક બહેન એમપી બન્યાં છે તેમના અંગે જણાવો.
રમણભાઈઃ શિવાનીબહેન રાજા. તેઓ એક વર્ષ પહેલાં જ એમપી બન્યાં છે. તેમનાં માતા-પિતા પણ લેસ્ટરનાં જ છે. એક વર્ષમાં આજે તેમની પાસે ઘણા કેસ આવે છે, પરંતુ નાની ઉંમરે પણ 10 વર્ષના અનુભવી તરીકે કામ કરી રહ્યાં છે. આપણા આવા ઘણા ગુજરાતીઓ આ પ્રકારે કામ કરે છે. હું શિક્ષક એવાં મજુલાબહેન સૂદને યાદ કરવા માગું છું. તેમના કાઉન્સિલર પતિ ગુજરી ગયા બાદ તેમણે તે જ બેઠક પરથી લેબરની સીટ પરથી કાઉન્સિલરની ચૂંટણીમાં ઝંપલાવ્યું. ઘણાં વર્ષોથી તે કાઉન્સિલ છે અને તેમણે કાઉન્સિલર તરીકે લેસ્ટરમાં ઘણું કામ કર્યું છે. તેઓ પ્રથમ એશિયન હિન્દુ મહિલા લોર્ડ મેયર – લેસ્ટર છે.
સી.બી. પટેલઃ લેસ્ટરમાં ઋષિમીડ સ્કૂલ અંગે અમને જણાવો.
રમણભાઈઃ મોરારિબાપુની લેસ્ટરની પ્રથમ કથા કરવા માટે અમારી પાસે ગ્રાઉન્ડ નહોતું. આ સમયે અમે માધુભાઈ સાથે ઘણી જગ્યાએ ફર્યા, પરંતુ કંઈ થઈ ન શક્યું. જો કે બાદમાં ઋષિમીડમાં ગયા અને સ્ટીવ વ્હાઇટને મળ્યા, ત્યારે તેમણે મારી જવાબદારી પર અમને ગ્રાઉન્ડ આપવા તૈયારી દર્શાવી હતી. આ ગ્રાઉન્ડની સાથે અમને તમામ એમિનિટીઝ મળી અને બાદમાં અમે તેનું નામ પાડ્યું ‘રામેશ્વર’.
સી.બી. પટેલઃ લેસ્ટરમાં જે આપણા વડીલો આવ્યા, પરંતુ આજની પેઢીને આપણા સમાજ, સંસ્કાર, ભારતીય હોવામાં રસ છે કે નહીં?
રમણભાઈઃ 1988માં જ્યારે મોરારિબાપુની કથા હતી ત્યારે કહ્યું હતું કે, તમે આ બધાં બાળકોને લઈને ભારત આવો. એ સમયે અમે 100 બાળકોને લઈને ભારતની 29 દિવસની યાત્રા કરી હતી. બાપુ અને રમેશભાઈ ઓઝાએ અમારા માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી હતી. આજે તેઓ આપણી સંસ્કૃતિને અનુસરી ભજનમંડળી અને સત્સંગ કરે છે અને સનાતન ધર્મને ફોલો કરી રહ્યા છે અને લેસ્ટરમાં ચાલતા શિશુકુંજમાં કાર્ય કરી રહ્યા છે.
સી.બી. પટેલઃ તમે જ્યારે કેન્યાથી આવ્યા ત્યારે તમારા પિતા શું કરતા હતા?
રમણભાઈઃ મારા પિતા કેન્યાના હિલસ્ટેશન ગણાતા થોમસન્સ ફોલ્સના રિસોર્ટમાં હતા. ત્યાં બ્રિટિશ અને ડચ લોકોની વસ્તી હતી. ત્યાંનું વાતાવરણ યુકે જેવું ઠંડું હતું. મારા પિતા ટાઉનમાં એકમાત્ર બાર્બર હતું. મારા પિતાનું મૂળ ગામ દક્ષિણ ગુજરાતના પલસાણા પાસે આવેલું છે. તેઓ પહેલાં કેન્યા એકલા જ ગયા હતા, જે બાદ ભાઈઓ અને પરિવારને ત્યાં બોલાવ્યા હતા.
એ સમયે કેન્યામાં આપા પંત હાઇકમિશનર હતા, જેમણે ભારતીયોને ચેતવણી આપી હતી કે તમે બ્રિટિશ સિટિઝનશિપ લઈ લો, નહીં તો પસ્તાશો. તેમની જાગૃતિના કારણે ઘણા બધાએ બ્રિટિશ પાસપોર્ટ લઈ લીધા અને વિઝા વિના બ્રિટન પહોંચી ગયા. મારા પિતાએ પણ મને ત્યાં મોકલી દીધો હતો.


comments powered by Disqus