અબુધાબીઃ યુએઈએ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરને મંગળવારે પોતાના સૌથી મોટા સન્માનો પૈકી એક ‘ઝાયેદ II- ફર્સ્ટ ક્લાસ’થી સન્માનિત કર્યા. આ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહંમદ બિન જાયેદ અલ નાહ્યાન કેપ્ટન મચ્છરને ભેટ્યા હતા.
ફ્લાય દુબઈ ફ્લાઇટના પાઇલટ મચ્છરે 30 સપ્ટેમ્બરે વિમાનને ક્રેશ કરાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ વિમાન દુબઈથી તેલઅવીવ જઈ રહ્યું હતું. આ દરમિયાન સહ પાઇલટે તેમના પર હુમલો કર્યો હતો.
કેપ્ટન મચ્છર પર ગર્વ છે
રાષ્ટ્રપતિ બિન ઝાયદે મંગળવારે ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન UAEના ઉપપ્રમુખ, વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહંમદ બિન રાશિદ અલ મક્તુમ પણ હાજર હતા. UAEના નેતાઓએ કેપ્ટન મચ્છર અને ક્રૂ મેમ્બર્સની હિંમત તથા જવાબદારીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ક્રૂએ મુસાફરોની સુરક્ષાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું.
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનએ સોશિયલ મીડિયા પર લખ્યું, કેપ્ટન સ્મિત મચ્છરે હિંમત, જવાબદારી અને માનવ જીવનની કાળજી રાખવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમને ગર્વ છે કે તેઓ અમારી ટીમનો, અમારા દેશની વાર્તાનો અને UAEની ઓળખનો હિસ્સો છે.
કેપ્ટન મચ્છર જ્યારે ઇજાઓની સારવાર કરાવી રહ્યા હતા, ત્યારે શેખ હમદાન તેમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કેપ્ટનની હિંમત અને લોકોના જીવ બચાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

