નવનાત સેન્ટરમાં કાર પાર્કના ફંડ માટે યોજાયેલ શાનદાર ગાલા ડીનર; યુવા ગાયક વીકી ડી. પારેખે સૌને ભક્તિમાં તરબોળ કરી દીધાં

-જ્યોત્સના શાહ Wednesday 04th November 2026 05:04 EST
 
 

શનિવાર ૩૧ ઓક્ટોબરના રોજ નવનાતે એક શાનદાર ગાલા ડીનરનું આયોજન કાર પાર્ક ફંડ માટે કર્યું હતું. આ પ્રસંગ માટે મુંબઇથી ખાસ પધારેલ જાણીતા ગાયક વીકી પારેખે ભજન જામીંગની સાંજને યાદગાર બનાવી દીધી હતી. લગભગ ૩૫૦-૪૦૦ જેટલા નવનાતીઓએ સુમધુર સંગીત સહ ભજનોની રમઝટની મસ્તીમાં વયના આંકડાને નજર અંદાજ કરી નાના મોટા સૌને ઝૂમતાં કરી દીધાં હતાં.
 આધ્યાત્મિક સંગીત અને કૌટુંબિક સંબંધો (મા-બાપ, બાપ-દીકરી)ની સંવેદનાને સ્પર્શતા ગીતો તેમજ જૈન યુવા પોપ સિંગર તરીકે ભારતમાં ભારે નામના મેળવેલ વીકી ડી. પારેખના યુ ટ્યુબ પર અને સોસીઅલ મીડીયા પર લાખો ફોલોઅર્સ છે. લંડનના નવનાત હોલમાં પણ એણે ભક્તિની જમાવટ કરી સૌની ભારે ચાહના મેળવી હતી. કબીર વાણી પણ એનો પ્રિય વિષય છે. કાર્યક્રમની શરૂઆત એણે કબીરના દોહાથી કરી હતી.
કબીરા જબ હમ પૈદા હુએ, જગ હઁસે હમ રોયે।
ઐસી કરની કર ચલો, હમ હઁસે જગ રોયે।।
જેનો માર્મિક ગર્ભિત અર્થ સૌને ૫૦૦ કાર પાર્કના વિરાટ પ્રોજેક્ટના ૫૦૦,૦૦૦ પાઉન્ડના ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન નોંધાવવાનો હતો.
હોલની સજાવટ અને સ્ટેજ પાછળ ઉભા કરાયેલ સ્ક્રીનના પડદે એક એક ગીત આધારિત મનમોહક દ્રશ્યો રજુ કરી શ્રોતાજનોના માનસ પટલ પર જે તે ચિત્રો અંકિત થતા સુંદર માહોલે ભક્તિના સાગરમાં ડૂબકી મરાવી અદભૂત અનુભવ કરાયો હતો.
નિયમ મુજબ કિચન કમિટીની બહેનોએ સુંદર મેક્સિકન ભોજન બનાવી એનો રસાસ્વાદ કરાવ્યો. આ ભવ્ય પ્રસંગની સફળતામાં ૭૦ જેટલા સેવાભાવી ભાઇબહેનોએ પોતાની સેવા સાદર કરી હતી.
નવનાત વણિક એસોસિએશનના પ્રમુખ શ્રી જશવંતરાય દોશીએ સૌનું સ્વાગત કર્યું હતું. કાર પાર્કની કોર કમિટી સભ્યોએ એની વિગતો રજુ કરતા ફંડ માટે અપીલ કરી હતી. સૌ દાતાઓના સહકારથી લગભગ ૧૧૫,૦૦૦ પાઉન્ડ એકત્ર થયા હતા. સારા કામમાં સદાય સૌનો સાથ મળતો રહે છે.


comments powered by Disqus