રૂપેરી ચાંદનીમાં સોનેરી સંગત દ્વારા શરદપૂર્ણિમા સંવાદ

બાદલ રમેશચંદ્ર લખલાણી Wednesday 04th November 2026 06:02 EST
 
 

કહેવાય છે કે, સમગ્ર સૃષ્ટિ જ્યારે ચાંદનીના દૂધ જેવા ધોળા ઉજાસમાં નહાઈ રહી હોય, ત્યારે આકાશમાંથી અમૃતવર્ષા થાય છે, એ રાત એટલે શરદપૂનમની રાત. વર્ષની સૌથી તેજસ્વી, શીતળ અને અલૌકિક રાત્રી! આ એક એવી રાત છે, જે માત્ર પ્રકૃતિનું સૌંદર્ય જ નથી ખીલવતી, પણ આપણા મન અને આત્માને પણ એક અનોખી શાંતિ આપે છે. સોનેરી સંગતનો અધ્યાય-94 તન અને મનને એવી જ શાંતિ આપનારી શરદ પૂર્ણિમા પર આધારિત રહ્યો.
કાર્યક્રમની શરૂઆત કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે શરદપૂર્ણિમાની ચર્ચા પર આભલિયે તારલા જેવા વક્તાઓની ઓળખ કરાવી. જેમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના બહુશ્રુત વિદૂષી, કવયિત્રી, સાહિત્ય વિવેચક અને કેળવણીકાર અને પ્રોફેસર ડો. ઉષાબહેન ઉપાધ્યાય, આદ્યકવિ નરસિંહ મહેતાના વંશજ, ગઝલવિશ્વના ઝળહળતા સિતારા જવાહર બક્ષી અને લોકસાહિત્ય, લોકસંગીત અને દોહા-રાસ જેમના કંઠે રમે છે તેવા ધીરુભાઈ ગઢવી સામેલ રહ્યા. ઉલ્લેખનીય છે કે, સાહિત્ય અને કલાના વારસાના વાહક જવાહર બક્ષીને તાજેતરમાં જ સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ દ્વારા મહર્ષિ વેદવ્યાસ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
ભારતીબહેન પંકજ વોરાએ કાર્યક્રમનાં વક્તા ઉષાબહેન ઉપાધ્યાયની ઓળખ આપતાં જણાવ્યું, તાજેતરમાં જ ઉષાબહેને ગુજરાતી સાહિત્યને એક અમૂલ્ય ભેટ આપી છે. 1984માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કવિ ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલા ઐતિહાસિક ગ્રંથ ‘સર્જકની આંતરકથા’ના ઉત્તરાર્ધનું સંપાદન કરીને તેમણે એક ભગિરથ કાર્ય કર્યું છે. આ ગ્રંથમાં આધુનિક, અનુઆધુનિક અને ડાયસ્પોરા સર્જકોની સર્જનયાત્રાનો મૂલ્યવાન દસ્તાવેજ સમાયેલો છે. સંદર્ભગ્રંથ તરીકે તેનું વિશિષ્ટ સ્થાન છે અને ગુજરાતી સાહિત્યમાં તે એક મહત્ત્વપૂર્ણ ઉમેરો છે. શરદ પૂર્ણિમા ભારતીય સાહિત્યમાં આટલી વિશિષ્ટ કેમ બની? આ સવાલ પર ઉષાબહેન કહ્યું કે, શરદ પૂર્ણિમા બોલતાં જ માનસપટલ પર કેટલી બધી શરદ પૂર્ણિમા જીવંત થઈ જાય છે! શરદની ચાંદની ગરવા ગઢ ગિરનાર પર રેલાતી, તીથલના દરિયા પર મોજાં સાથે રમતી-લહેરાતી અને મહાન કવિઓની કલમે ચિતરાતી શરદપૂનમ પણ યાદ આવે છે. ભારતીય સાહિત્યકારોએ પણ શરદ પૂનમના ચંદ્ર અને ચાંદનીને ખૂબ લાડ લડાવ્યા છે.
આજની આધુનિક અને એઆઇમાં ખોવાયેલી પેઢીએ શરદ પૂર્ણિમાએ સાંપ્રત પ્રવાહમાં તાલ મિલાવવાની સાથે શરદ પૂનમે પ્રકૃતિની સાથે પણ તાર જોડવાનો છે, કારણ કે પ્રકૃતિની સાથે જ્યારે આપણી ચેતના એકાકાર થાય ત્યારે આપણે નિઃસીમનો અનુભવ કરીએ છીએ.
કાર્યક્રમમાં આગળ જતાં જવાહરભાઈ બક્ષીએ શરદ પૂર્ણિમાના મહારાસનો આધ્યાત્મિક અર્થ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની કૃષ્ણભક્તિ દ્વારા મળતા સંદેશ અને સાંપ્રત સમયમાં શ્રીકૃષ્ણની વાંસળી અને રાસ શું સંદેશ આપે છે તે અંગે જણાવ્યું.
જવાહરભાઈઃ મહારાસ ‘ધ કોસ્મિક ડાન્સ’ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. આ એ જ દિવસ છે જ્યારે નરસિંહ મહેતાને ગોપનાથમાં કૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં હતાં. મીરાંબાઈનો જન્મ પણ આ જ દિવસે રાજસ્થાનના જોધપુર પાસે આવેલા મેડતા નજીકના કુડકી ગામમાં થયો હતો. આ ત્રણેય કૃષ્ણપ્રસંગો શરદ પૂર્ણિમા સાથે સંકળાયેલા છે.
જવાહરભાઈએ મહારાસની વ્યાખ્યા આપતાં કહ્યું કે, રસમાં આકાર ભળે ત્યારે રાસ થાય. રાસ એટલે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપત થયેલો રસ. વર્તુળ વચ્ચે જે ગોપીઓ ફરે છે, તેમાં ‘ગો’ એટલે ઇન્દ્રીય અને ‘પી’ એટલે તેને ગ્રહણ કરનારી. આમ ગોપી એટલે ભક્તિરસ કે પ્રેમરસ પીનારી...
આ સાથે જવાહરભાઈએ શ્રીકૃષ્ણ અને રાધાના પ્રેમની સુંદર વાત અને ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે’ અંગે વિવરણાત્મક ચર્ચા કરી હતી.
જવાહરભાઈ પાસે શરદ પૂર્ણિમા, કૃષ્ણ, રાધા અને મીરાંબાઈ અંગે ગહન ચર્ચા બાદ બ્રિટનના ઠુંઠવતા પવન વચ્ચે ગુજરાતની લોકસાહિત્ય, પરંપરા, લોકસંગીત દ્વારા ઉષ્માનો સંચાર કરનારા ધીરુભાઈ ગઢવીને ભારતીબહેન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા.
ધીરુભાઈએ શરદ પૂનમનો ઉત્સવ ગુજરાતી સંસ્કૃતિ અને સંગીતનો અવસર કેવી રીતે બન્યો અને તેના આધ્યાત્મિક ભાવ અંગે ચર્ચા કરી.
ધીરુભાઈએ કહ્યું કે, આપણા ધર્મ સાથે સંગીત જોડાયેલું હોવાથી તમને અને મને સંગીત પ્રિય છે. ભગવાન કૃષ્ણને શરદ પૂનમ ખૂબ વહાલી, ચંદ્ર જો સોળેકળાએ ખીલતો હોય તો તે શરદ પૂનમે જ. આ દિવસના લેવામાં આવતા ગરબા અને રાસમાં સફેદ વસ્ત્રનું ખૂબ મહત્ત્વ છે. શુદ્ધતા અને નિર્મળતાનું પ્રતીક એવા સફેદ ચંદ્રની ધવલ રોશનીમાં રાસે ઝૂમતા સફેદ વસ્ત્રધારી નર અને નારી એક અનેરું દૃશ્ય ખડું કરે છે.
આ સાથે માતાને સમર્પિત ‘સ્મરણ કરતાં સાદ દેતી...’, ‘મારી શેરીએથી કાનકુંવર નીકળ્યા રે લોલ...’, ‘કાનુડાના બાગમાં ચંપો’, ‘ઓ રંગરસિયા ક્યાં રમી આવ્યા...’ લલકારી ગુજરાતી લોકસંગીત રજૂ કર્યું હતું.
(સંપૂર્ણ કાર્યક્રમ જોવા અમારી YouTube ચેનલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં,
જેનો ક્યુઆર કોડ નીચે આપેલો છે)


comments powered by Disqus