૧૮ ઓક્ટોબરના રોજ નવનાત હોલમાં વન જૈન અને અમેરિકાની સંસ્થા જૈના (ધ ફેડરેશન ઓફ જૈન એસોસિએશન્સ ઓફ નોર્થ અમેરિકા) ના સહયોગથી એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિટનમાં આજથી આગામી ત્રણ પેઢીઓ માટે “જૈન’’ હોવાનું મહત્વ શું હશે? એ ચર્ચાનો મુખ્ય વિષય હતો.
અત્રે વસવાટ કરી રહેલ યુવા પેઢી વૈવિધ્ય સભર વાતાવરણમાં બદલાતા જતા સમાજમાં ઉછરી રહી છે. તેમની સામે અનેક મહત્વના પડકારો ઉભા છે જેનો સામનો કઇ રીતે કરી શકાય? તેઓ પોતાની ધાર્મિક પહેચાનને કઇ રીતે આરક્ષિત કરી શકશે?
જૈન ધર્મ માત્ર આહાર, તહેવારોની ઉજવણી કે ક્રિયાકાંડ પૂરતો સિમિત નથી.
હાલના સમયમાં જૈન ધર્મની ફિલોસોફી તેમના જીવનમાં વધુ સુસંગત અને અર્થસભર બની રહે એ જાણવું અગત્યનું છે.
આધુનિક જીવનની યોગ્ય રાહ માટેની દિશા ચીંધામણમાં જૈન મૂલ્યો નૈતિકતાનો પાયો દ્રઢ કરવામાં મજબૂતાઇ બક્ષશે. એ માટે માત્ર શિક્ષણ પૂરતું નથી એ બાબત પર જૈના અને હિન્દુ જ્યુઇસ પ્રતિનિધિ વકતાઓએ ભાર મૂક્યો હતો. યુવા પેઢીને કોમ્યુનિટીમાં આવકારવી જોઇએ, સેવા અને નેતૃત્વનો અનુભવ વારસાગત જૈન મૂલ્યોના અમલીકરણથી મળવો જોઇએ જેથી એમનામાં પોતાપણાનો અહેસાસ થાય.
જૈનોની યુવા પેઢીનું ભાવિ માત્ર પૂર્વ પેઢીએ જે બંધારણ બનાવ્યું છે એનું રક્ષણ કે અનુસરણ કરવામાં જ નહિ પરંતુ તેમના પોતાના મૂલ્યો પ્રસ્થાપિત કરવા પ્રેરિત કરવા જોઇએ. જેનાથી બ્રિટિશ અને જૈન હોવાના ગૌરવ સાથે એમનામાં આત્મવિશ્વાસ અને કરૂણા ભાવ સહિતની વાઇબ્રન્ટતા વિકસશે.

