તેલઅવીવઃ વૈશ્વિક રાજકીય સમીકરણો અને ભૂ રાજકીય સંબંધો બદલાઈ રહ્યા છે. એક ઐતિહાસિક કૂટનીતિના ભાગરૂપે ઈરાનના સંભવિત હુમલા સામે રક્ષણ કરવા ઇઝરાયલ દ્વારા પહેલીવાર એક મુસ્લિમ દેશ UAE સાથે સંરક્ષણ કરાર કરવામાં આવ્યા છે. ઇરાનના મિસાઇલ્સ અને ડ્રોન હુમલાથી બચવા માટે UAEને ચુપકીદીથી આધુનિક લેઝર આધારિત એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન બીમ આપવામાં આવ્યું છે અને તહેનાત કરાયું છે. આ આધુનિક સિસ્ટમને ઓપરેટ કરવા માટે ઈઝરાયલ દ્વારા UAEને સૈનિકો પણ આપવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે 2020માં અબ્રાહમ એકોર્ડ થયો હતો, જે મુજબ બંને દેશોએ સંરક્ષણ કરાર કર્યા હતા. ઇરાન દ્વારા UAE પર સતત હુમલા કરવામાં આવતા હતા, આથી UAEને સુરક્ષા ચક્ર આપવાનો નિર્ણય લેવાયો હતો.
ઈઝરાયલ દ્વારા UAEને શું- અપાયું?
ઈઝરાયલ દ્વારા UAEને સંપૂર્ણ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, જેમાં મુખ્ય ત્રણ આધુનિક શસ્ત્રો પણ સામેલ છે.
• આયર્ન બીમ: આ ઈઝરાયલનું નવું હાઈ એનર્જી લેસર વેપન છે, જે ઓછા અંતરનાં રોકેટ, આર્ટિલરી અને ડ્રોનને હવામાં લેઝર બીમથી સળગાવીને તેનો નાશ કરે છે. ટાર્ગેટ ખતમ કરવામાં તેને ફક્ત 4થી 5 સેકન્ડ લાગે છે.
• આયર્ન ડોમ: લેઝર વેપનની સાથે ઇઝરાયલ દ્વારા વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ પણ આપવામાં આવેલ છે.
• સ્પેક્ટ્રો સિસ્ટમ: આ એક આધુનિક મોનિટરિંગ સિસ્ટમ છે, જે ખાસ કરીને શાહેદ જેવા નાના ઇરાની ડ્રોન્સને 20 કિ.મી. દૂરથી રડાર પર આંતરીને તેનો નાશ કરે છે.

