મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાથી 15 ભારતીયોનો દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ તમામ લોકોને એક વિશેષ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.
ડિપોર્ટ કરાયેલા ભારતીયો પૈકી 9 લોકો પંજાબ, બે તેલંગાણા, એક હરિયાણા અને એક ઉત્તરાખંડનાં રહેવાસી છે. એરપોર્ટ પર ઉતરતાં જ તેમને પોલીસને સોંપી દેવાયા હતા. ઓસ્ટ્રેલિયાથી કાઢી કઢાયેલા આ ભારતીયોની ઉંમર 25થી 45 વર્ષની છે. આ અગાઉ પંજાબના મુખ્યપ્રધાન માને જણાવ્યું હતું કે, સરકાર તપાસ કરશે કે તેમના દસ્તાવેજ કેવી રીતે તૈયાર થયા અને તેમને કોણે મદદ કરી હતી.
માનેે વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડશે તો વિદેશ મંત્રાલયનો પણ સંપર્ક કરાશે. આવા લોકો સમાજમાં હળીભળી શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ભારતીયોને ગુનાઇત પ્રવૃત્તિમાં સામેલ થવા બદલ, વિઝા નિયમોનો ભંગ કરવા બદલ કે અધિકારીઓને સહકાર ન આપવા બદલ ઓસ્ટ્રેલિયાથી કાઢવામાં આવ્યા છે. 15 પૈકી ફક્ત 2 જ ભારતીયો પાસે કાયદેસર પાસપોર્ટ હતા. બાકીના લોકોને ભારત પરત મોકલવા ભારતીય દૂતાવાસ દ્વારા ઇમર્જન્સી સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યાં હતાં.

