ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમાજના બે યુવાનોએ ફેડરલ સિવિલ સર્વિસ જોઇન કરવામાં સફળતા મેળવી છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે સરકારી નોકરીના દરવાજા બંધ હોવાનું મનાય છે.ફેડરલ સર્વિસ કમિશન, (એફપીએસી)ના ગુરુવારે જાહેર થયેલા પરિણામ મુજબ જીવન રબારી અને ખેમચંદ જંડોરા કુલ 170 ક્વોલિફાઇડ ઉમેદવારોમાં સ્થાન પામ્યા છે. તેઓ હવે ફેડરલ સર્વિસ જોઇન કરશે. બંને સિંધ પ્રાંતના છે. પાકિસ્તાનની કુલ વસ્તીમાં 38 લાખ હિન્દુ છે અને તે સૌથી મોટી લઘુમતી હોવાનું મનાય છે. તે પૈકી મોટાભાગના સિંધ પ્રાંતના હોવાનું 2023ની વસ્તીગણતરી જણાવે છે. પાકિસ્તાનની સીએસએસમાં લઘુમતીનું પ્રતિનિધિત્વ ઐતિહાસિક રીતે નીચું છે, જેથી સરકારે તેમનો સમાવેશ વધારવા 2025માં ખાસ તાલીમ કાર્યક્રમ શરૂ કરવો પડ્યો હતો. એફપીએસસી મુજબ કુલ 12,792 લોકોએ લેખિત પરીક્ષા આપી હતી, જે પૈકી 355 પાસ થયા અને તેમાંથી પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા માત્ર 170 છે.

