તાજેતરમાં ગોલ્ડર્સ ગ્રીન ખાતે યહૂદી સમુદાયના લોકો પર છરા વડે હુમલાની ઘટનાએ ફરી એકવાર હેટ ક્રાઇમના મુદ્દાને ઉગ્ર ચર્ચાનો વિષય બનાવી દીધો છે. મધ્યપૂર્વની કટોકટીએ બ્રિટનમાં યહૂદી સમુદાય પરના હુમલાઓમાં ઘણો વધારો કરી દીધો છે અને હવે આ બાબત હવે કોરોના પછીની સૌથી મોટી રાષ્ટ્રીય કટોકટી બની રહી છે. બ્રિટનમાં યહૂદી વિરોધી હેટ ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ 2014માં આ પ્રકારની 1100 ઘટના નોંધાઇ હતી જ્યારે ગયા વર્ષ સુધીમાં તે વધીને 3700 પર પહોંચી હતી.
મહત્વની વાત એ છે કે યહૂદી સમુદાય આ મામલે ઘણો જાગૃત છે અને તે આ પ્રકારની ઘટનાઓની યોગ્ય નોંધ પણ રાખે છે. એવું નથી કે ફક્ત યહૂદીઓ જ હેટ ક્રાઇમનો શિકાર બની રહ્યાં છે. બ્રિટનમાં હિન્દુ અને ભારતીયોને પણ હેટ ક્રાઇમનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો પણ તાજેતરના વર્ષોમાં જોવા મળ્યો છે. બ્રિટિશ હિંદુઓની પદ્ધતિસરની સતામણી કરવામાં આવી રહી છે. બ્રિટિશ હિંદુ સમુદાયે યુકેના વિકાસમાં મોટું યોગદાન આપ્યું હોવા છતાં તેઓ હવે વ્યવસ્થિત રીતે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. આ કોઈ છૂટાછવાયા બનાવો નથી, પરંતુ ધર્મ અને વંશીયતાના આધારે ફેલાવવામાં આવતી નફરતનું પરિણામ છે. વર્ષ 2024-25ના આંકડા પર નજર નાખીએ તો હેટ ક્રાઇમની પ્રતિ 10,000 ઘટનામાં હિન્દુ વિરોધી 182, શીખ વિરોધી 259 અને બૌદ્ધ વિરોધી 28 ઘટના નોંધાઇ હતી. આ તો ફક્ત નોંધાયેલી ઘટનાઓની વાત છે. અજાણી ઘટનાઓની સંખ્યા 1,075 જેટલી રહી હતી જેમાં કોની વિરુદ્ધ હેટ ક્રાઇમ થયો તેનો ઉલ્લેખ કરાયો નથી.
હેટ ક્રાઇમના મામલામાં યહૂદી સમુદાય જેટલો જાગૃત છે તેટલો હિન્દુ અને ભારતીય સમુદાય જાગૃત નથી. 2022ના લેસ્ટરના રમખાણો દરમિયાન મીડિયાના કેટલાક તબકા દ્વારા હિન્દુઓને આક્રમણખોર તરીકે રજૂ કરાયા હતા. તે ઉપરાંત મીડિયા દ્વારા હિન્દુ વિરોધી હુમલાઓને પુરતું મહત્વ પણ અપાતું નથી. યુનિવર્સિટીઓમાં પણ હિન્દુ અને ભારતીય વિરોધી વલણ સ્પષ્ટ જોવા મળે છે પરંતુ તેની સામે યોગ્ય કાર્યવાહી કરાતી નથી. લેસ્ટરમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને લંડનમાં ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલો હુમલો વધતી જતી અસહિષ્ણુતાના પુરાવા છે. યુકે હોમ ઓફિસના આંકડા મુજબ, હિન્દુવિરોધી હેટ ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર પણ હિન્દુ સમાજ પ્રત્યે પક્ષપાતી વર્તન કરી રહી છે. મુસ્લિમ અને યહૂદી સમુદાયોની સુરક્ષા માટે કરોડો પાઉન્ડની ફાળવણી કરવામાં આવે છે પરંતુ હિન્દુ અને તેમના મંદિરોની સુરક્ષા માટે સમાન ભંડોળ ફાળવાતું નથી.
સાઉથોલ, વેમ્બલી અને હેરો જેવા પરંપરાગત હિન્દુ અને શીખ વસતી ધરાવતા વિસ્તારોમાં પણ હિન્દુ અને ભારતીય સુરક્ષિત નથી.કેટલાક કટ્ટરપંથી સંગઠનો બ્રિટિશ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. બ્રિટિશ સરકારે હિંદુ વિરોધી નફરતને અલગ 'હેટ ક્રાઈમ' તરીકે માન્યતા આપવી જોઈએ. જો આ મુદ્દાઓ પર સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો તે બ્રિટિશ સમાજના સામાજિક માળખા માટે મોટું જોખમ બની શકે છે.
