4 મે 2026નો દિવસ ભારતીય રાજનીતિમાં અત્યંત મહત્વનો બની રહ્યો. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય રાજનીતિમાં નવા અધ્યાયનો પ્રારંભ કરતાં ઘણા આંચકા આપ્યા હતા. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના રહ્યાં હતાં. 79 વર્ષમાં પહેલીવાર પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર રચાવા જઇ રહી છે તો 59 વર્ષમાં પહેલીવાર તામિલનાડુમાં દ્રવિડિયન પાર્ટીઓ સત્તામાં આવવા નિષ્ફળ રહી છે. તેવી જ રીતે કેરળમાં ડાબેરી મોરચો પરાજિત થતાં છેલ્લા 49 વર્ષમાં પહેલીવાર ભારતમાં કોઇપણ ડાબેરી સરકાર અસ્તિત્વમાં રહી નથી.
સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના રહ્યાં છે. પશ્ચિમ બંગાળના જનમાનસ પર નજર નાખીએ તો તે સતત એક જ સરકારને વારંવાર તક આપતું રહ્યું છે. રાજ્યમાં ડાબેરી મોરચાએ 35 વર્ષ સુધી સતત રાજ કર્યું અને ત્યારબાદ છેલ્લા 15 વર્ષથી મમતા બેનરજી સત્તાના સિંહાસન પર બિરાજમાન થતાં રહ્યાં છે. પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળના મતદારોએ તમામ રાજકીય નિષ્ણાતોને ચોંકાવી દેતાં પસંદગીનો કળશ ભાજપ પર ઉતાર્યો અને એક ઇતિહાસ રચાઇ ગયો.
તેવી જ રીતે તામિલનાડુની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. આમ તો તામિલનાડુ હીરો વર્શિપ માટે જાણીતું રાજ્ય છે. અહીં ફિલ્મી સિતારાઓ જ રાજનીતિ પર પ્રભુત્વ ધરાવતા આવ્યાં છે અને હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. એમ.જી રામચંદ્રન, જે. જયલલિતા અને કરૂણાનિધિની કડીમાં હવે જોસેફ વિજયનું નામ સામેલ થઇ ગયું છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા વિજયે ડિસેમ્બર 2025માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી રાજનીતિમાં ઝંપલાવવા નવા રાજકીય પક્ષ ટીવીકેની સ્થાપના કરી હતી. પહેલીવાર ચૂંટણી લડી રહેલા વિજયના પક્ષને તામિલનાડુના મતદારોએ ખોબલે ખોબલે મત આપીને સત્તાના સિંહાસન સુધી પહોંચાડી દીધી છે. આમ છેલ્લા 59 વર્ષથી વારાફરથી સત્તામાં આવતી ડીએમકે અને એઆઇડીએમકે હાંસિયામાં ધકેલાઇ ગઇ છે અને પહેલીવાર રાજ્યમાં બંને પાર્ટીમાંથી કોઇ સત્તામાં આવ્યું નથી.
વિધાનસભાની ચૂંટણીના આ પરિણામો સાથે હવે દેશના 22 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપનું રાજ આવી ગયું છે. મોદી મેજિકના સતત વિસ્તરતા વ્યાપના કારણે હવે દેશની 76 ટકા વસતી પર ભાજપ શાસન કરી રહ્યો છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં સત્તા હાંસલ કરી ઉપરાંત આસામમાં સતત ત્રીજીવાર સરકાર બનાવવા ભાજપ જઇ રહ્યો છે. પોંડિચેરીમાં પણ ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધને વિજય હાંસલ કરતાં સત્તામાં પુનરાવર્તન કરશે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં ભાજપે એવા રાજ્યોમાં સત્તા હાંસલ કરી છે જ્યાં તેનો ક્યારેય ગજ વાગ્યો નથી. ઓડિશા અને બિહાર બાદ પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર રચાઇ રહી છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે દેશના 7 રાજ્યમાં જ ભાજપની સરકારો હતી જે હવે વધીને 22 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સુધી વિસ્તરી છે. દેશમાં પહેલીવાર ગંગા નદીના ઉદ્દગમથી મુખપ્રદેશ સુધી ભાજપની સત્તા જોવા મળી રહી છે. એક દિશાસૂચક બાબત એ પણ રહી છે કે ઉત્તર અને દક્ષિણ ભારતની રાજકીય સ્થિતિ બે ધ્રુવોમાં વિભાજિત થઇ રહી છે. કેરળમાં કોંગ્રેસના વિજયની સાથે દક્ષિણ ભારતમાં કોંગ્રેસની પક્કડ વધુ મજબૂત બની છે. હાલ તેલંગણા અને કર્ણાટકમાં પણ કોંગ્રેસની સરકારો છે અને હવે કેરળના મતદારોએ કોંગ્રેસને આવકારી છે. આમ ઉત્તર ભારતમાં ભાજપ તો દક્ષિણ ભારતમાં કોંગ્રેસ મજબૂત બની રહી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.
આમ આ પાંચ વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ભારતીય રાજનીતિમાં આમૂલ પરિવર્તનના સંકેત આપી દીધાં છે. છાપેલા કાટલા જેવા પ્રાદેશિક પક્ષોનું નામોનિશાન હવે ભૂંસાઇ રહ્યું છે. ડાબેરી વિચારધારા સંપુર્ણપણે નાબૂદ થઇ રહી છે. દેશમાં જમણેરી રાષ્ટ્રવાદની વિચારધારા વધુ હાવી બની રહી છે. ખરેખર આ પરિણામો ભારતીય રાજનીતિમાં દુરોગામી અસર લાવનારા બની રહેવાના છે.
