ટેક્સાસઃ અમેરિકામાં છેલ્લા 35 વર્ષથી રહેતા એક ભારતીય મહિલા મીનુ બત્રાના માથેથી ડિપોર્ટેશનનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. મીનુ બત્રા નામના આ મહિલાની માર્ચ 17ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ તેઓ દોઢ મહિના પછી એપ્રિલ 30ના દિવસે જ જેલમાંથી બહાર આવ્યા હતા. મીનુ બત્રાને ચાર યુએસ સિટીઝન સંતાનો છે, તેઓ ખુદ ટેક્સાસની કોર્ટમાં લાંબા સમયથી ઈન્ટરપ્રિટર તરીકે કામ કરતાં હતાં. તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ ટેક્સાસથી વિસ્કોન્સિન જઈ રહ્યાં હતાં. જોકે, હેર્લિન્જનના વેલી એરપોર્ટ પર તેમને અટકાવાયા બાદ સીધા ICEની કસ્ટડીમાં લઈ જવાયા હતા. મીનુ બત્રાને તાત્કાલિક જેલમાંથી છોડવાનો આદેશ આપતા ફેડરલ જજે જણાવ્યું હતું કે કોઈ આગોતરી જાણ, ઈન્ટરવ્યુ કે પછી ફોર્મલ પ્રોસેસ કર્યા વિના જ ધરપકડ કરાઈને મીનુ બત્રાના ડ્યૂ પ્રોસેસ રાઈટ્સનો ભંગ કરવામાં આવ્યો હોવાથી તેમને જેલમાંથી છોડવામાં આવે. મીનુ બત્રાનો નાનો દીકરો જેસ્પર યુએસ આર્મીમાં ફરજ બજાવે છે, તેના મારફતે જ તેમને ગ્રીન કાર્ડ અપાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે.

