આપણા ભારત દેશને એક સ્વપ્નદ્રષ્ટા, ઉર્જાસભર, પારદર્શક, પ્રભાવશાળી નેતા, ન ભૂતો, ન ભવિષ્યતિ જેવા વિશ્વભરમાં સમ્માનનીય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી મળ્યા છે; એ સદનસીબ છે ભારતવાસીઓનું. એમનું જન્મસ્થળ વડનગર. એ પુણ્યવંતી ભૂમિ વડનગર જોવાની અને જાણવાની અદમ્ય જિજ્ઞાસાએ મને વડનગર જવા પ્રેરી. મહેસાણા ડીસ્ટ્રીક્ટમાં આવેલ આ નગર. વિશ્વના જૂનામાં જૂના શહેરોમાંનું એક છે. આપણે તો એટલું જ જાણીએ કે નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે એમના પિતા સાથે વડનગરના સ્ટેશને ચાની લારીમાં મદદ કરતા હતા. (ચાની લારીવાળાએ વિશ્વને વિસ્મયમાં મૂકી દીધું. વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો.)
બહુ બહુ તો તાના રીરીના નામે સંગીત મહોત્સવ શરૂ થયાના સમાચારથી વાકેફ. મતલબ મર્યાદિત જ્ઞાન. એ અંગે વધુ માહિતી મેળવવા મેં સંશોધન શરૂ કર્યું. જો એ ના કર્યું હોત તો એની પૌરાણિકતા કે સમૃધ્ધિનો અંદાજ ન આવ્યો હોત. આપણા દેશનો ઇતિહાસ, સંસ્કૃતિ, કલા, ધર્મની અધધ સમૃધ્ધિ જાણતાં જઇએ એમ એમાં ઊંડા ઉતરવામાં રસ પડતો જાય.
પેલું બોલીવુડ ગીત છે ને, “જહાં ડાલ ડાલ પર સોનેકી ચિડિયાઁ કરતી બસેરા વો ભારત દેશ હૈ મેરા.’ નો ગૌરવવંતો ઇતિહાસ. ચાલો એક લટાર મારીએ એ અતીતના ઇતિહાસમાં.
મારી વડનગરની મુલાકાતની સફરનો આંખે દેખ્યો અહેવાલ વાંચી તમે પણ ત્યાં જવા અધીરા બની જાવ તો મને દોષ નહિં આપતાં!
અમે અમદાવાદ નજીક ઇડર વેલનેસ સેન્ટરમાં એક સપ્તાહ માટે ગયા ત્યારે જાણ થઇ કે અમદાવાદ પાછા વળતાં રસ્તાનો થોડો વળાંક લઇશું તો વડનગર ખાસ દૂર નથી. હું અને મારી બહેન કલ્પના ઇડરથી કાર ભાડે કરી અમદાવાદ વાયા વડનગર જવા નીકળ્યા. સાચું કહું તો અમારો ડ્રાઇવર પણ આ નગર વિશે ખાસ પરિચિત ન હતો. ‘મન હોય તો માળવે જવાય’ એમ અમે ત્યાં પહોંચ્યા અને મારું સ્વપ્ન સાકાર થયાના આનંદથી હૈયું નાચી ઉઠ્યું. વડનગરની ભૂમિ પર પગ મૂકી એની ગલીઓમાંથી પસાર થતાં હતાં ત્યારે હજારો વર્ષ પહેલાનો અતીત આંખ સમક્ષ ખડો થયાની અનુભૂતિ રોમાંચક હતી.
સ્થાપત્ય કલા-કારીગરી અને હિન્દુ આસ્થાનું સ્થાનક હાટકેશ્વર મહાદેવનું મંદિર. ૧૨મી સદીમાં સોલંકી યુગમાં ૪૦ ફૂટ ઊંચા લાલ-પીળા પત્થરોથી બનેલા સુંદર કોતરણીવાળા બે કીર્તિ તોરણો. ઇતિહાસને સમેટીને બેઠેલ શર્મિષ્ઠા સરોવર, બુધ્ધીસ્ટ મોનેસ્ટ્રી.. શાસ્ત્રીય સંગીતના રાગ-રાગિણીઓમાં અજોડ જોડિયાં બહેનો તાના રીરીના ત્યાગની સ્મૃતિઓને જીવંત કરતો પાર્ક તેમજ અનંત અનાદિ વડનગર પુરાત્ત્વવિદ અનુભવાત્મક સંગ્રહાલય વગેરે એના વારસાના વૈભવના પ્રાણવાન પુરાવા છે.
પુરાણોમાં વડનગરનો ઉલ્લેખ આવે છે. ૭મી સદીમાં જાણીતા ચીની યાત્રી હ્યુ એન ત્સંગે એના ભારત પ્રવાસ વર્ણનમાં નોંધ્યું છે કે, ‘ વડનગર એક સમૃધ્ધ અને વિકસિત ગામ હતું’. ૧૧૫૨ એ.ડી.મા રાજા કુમારપાળે આ શહેરને સુરક્ષિતતા માટે કિલ્લેબંધી કરી હતી. જૂનું શહેર કિલ્લાના દિવાલોની અંદર છે. એના ૬ દરવાજા છે.
હાટકેશ્વર શિવાલયનો જરા હટકે ઇતિહાસ:
અમને આ શિવાલયના વિશાળ પરિસરમાં પ્રવેશતાં જ એની પૌરાણિકતા સ્પર્શી ગઇ. એ વેળા ત્યાં જીર્ણોધ્ધારનું કામ ચાલી રહ્યું હતું. એની સ્થાપત્ય કલા-કારીગરી અને આધ્યાત્મિક માહોલ એ પાવનભૂમિનો અહેસાસ કરાવતા હતા. ત્યાં શ્રીગણેશજી, લક્ષ્મીજી, હનુમાનજી, શિતળામાતા વગેરે દેવદેવીઓની દેરીઓ આસપાસમાં છે. સાંસારિક પળોજણોથી પર બની પરમશાંતિ મેળવવા ભગવાનમય બનવા કે મેડીટેશન કરવાની ઇચ્છા થાય તો અહિં આવી થોડોક સમય ગાળવાથી સ્વાનુભવ થાય.
હાલનું એ મંદિર છેલ્લે ૧૪મી સદીમાં બંધાયું હોવાનું કહેવાય છે. ઊંડા સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતું શિવ સમર્પિત આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. સ્કંદપુરાણમાં એનો ઉલ્લેખ છે. ભગવાન શિવે સતિના પાર્થિવદેહને લઇ ભ્રમણ કર્યા બાદ તેમના લિંગને પાતાળમાં સ્થાપિત કર્યું જે હાટકેશ્વર તરીકે ઓળખાયા.એક કિવદંતિ મુજબ બ્રહ્માજીએ પાતાળમાં સુવર્ણજડિત શિવજીના લિંગને વડનગરમાં પુન: સ્થાપિત કર્યું હતું. જે હાટકેશ્વર તરીકે ઓળખાયું. એમ પણ કહેવાય છે કે, વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના એક નાગરે કઠોર તપસ્યા કરીને ભોળાનાથને પૃથ્વી પર પ્રતિષ્ઠિત થવા વિનંતિ/પ્રાર્થના કરી. ભગવાને પ્રસન્ન થઇ વરદાન આપ્યું કે, સોનાના લિંગવાળું એક મંદિર બનાવો ત્યાં હું પ્રત્યક્ષ પ્રગટ થઇશ. ચૈત્ર સુદ ચૌદસના દિવસે ભગવાન હાટકેશ્વર પ્રગટ થયા. તેથી એ દિવસે હાટકેશ્વર જયંતિ વડનગરમાં ધામધૂમથી ઉજવાય છે. આ મંદિર તેની કલાત્મક કોતરણી માટે સુવિખ્યાત છે, જે રાષ્ટ્રીયવારસા તરીકે વર્ગીકૃત થયેલ છે. એના બાંધકામમાં ગુજરાતમાં મરાઠા યુગનો પ્રભાવ હોવાનું ફલિત થાય છે.
નાગર બ્રાહ્મણ જ્ઞાતિના એ ઇષ્ટદેવ
શર્મિષ્ઠા સરોવર : જાણીતા કવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇની દિકરી શર્મિષ્ઠા. એના નામનું આ સરોવર ૪૫૦૦ વર્ષ પહેલા અરવલ્લિની પર્વતમાંથી નીકળેલ નદી કપિલાના પાણીથી બનાવાયું હતું. એના કાંઠે બે કીર્તિ તોરણ કલાત્મક કોતરણીનો બોલતો પુરાવો છે.
અવિસ્મરણીય ત્યાગની મિશાલ: તાના રીરી પાર્ક : આ ભૂમિના સંગીત રત્નો. શાસ્ત્રીય સંગીતમાં નિપુણ અને મલ્હાર રાગ ગાવામાં સિધ્ધહસ્ત તાના રીરી જોડિયા બહેનો. શર્મિષ્ઠા અને ઘનશ્યામની દિકરીઓ એટલે કે આદ્ય કવિ નરસિંહ મહેતાની એ પ્રપ્રૌત્રીઓ. ભગવાન કૃષ્ણએ બે અપ્સરા સામી બહેનોને એક રૂપવાન અને બીજી મ્યુઝીક-ડાન્સનમાં નિપુણ બનવાનું વરદાન આપ્યું હતું. એનો અવતાર તાના રીરી હોવાનું મનાય છે.
• તાના રીરીને રાગ-રાગિણીમાં ઐશ્વરીય વરદાન હોવાને કારણે એમનું સંગીત અદ્ભૂત હતું. એમના કંઠમાં જાદુ હતો. ભૈરવ,વસંત, દીપક અને મલ્હાર રાગ એમને સિધ્ધ હસ્ત હતા.
• ઇ.સ.૧૫૬૪ - ૧૬મી સદીમાં મોગલ સમ્રાટ અક્બરના દરબારના નવ રત્નોમાં એક તાનસેન. એક વખત સમ્રાટે તાનસેનને દીપક રાગ ગાવાનું ફરમાન કર્યું. કહેવાય છે કે આ રાગ ગાવાથી શરીરમાં અગ્નિ ભડકે બળે અને એ શાંત ત્યારે જ થાય કે જ્યારે કોઇ મલ્હાર રાગ ગાવામાં નિપુણ હોય તે ગાય ત્યારે! આ ધર્મસંકટ. પણ સમ્રાટના હુકમનું પાલનને નકારાય નહિં!
• તાનસેનના ગુરૂ રામદાસે જણાવ્યું કે મલ્હાર રાગ ગાનાર બે બહેનો વડનગરમાં રહે છે. તાનસેને દરબારમાં દીપક રાગ ગાયા બાદ શરીરમાં લાગેલ લાયને ઠારવા વડનગર તરફ દોટ મૂકી. તાના રીરીની શોધ કરી એમને મલ્હાર રાગ ગાવા અને પોતાનો જીવ બચાવવા વિનંતિ કરી. પોતાના પિતાની સંમતિ લઇ આ બે બહેનોએ હાટકેશ્વર મંદિરમાં આ રાગ છેડ્યો. ધીરે ધીરે એના સૂરોનો પ્રભાવ પ્રકૃતિમાં થતો ગયો. વાદળાઓમાં ગડગડાટ અને વિજળીના કડાકા થતાં મૂશળધાર વરસાદ વરસ્યો જેમાં તાનસેનના તન-મનની આગ બૂઝી. અક્બરના દરબારમાં આ વાત પહોંચતાં જ આ બે બહેનોને દરબારમાં આવી મલ્હાર રાગ ગાવાનું કહેણ મોકલાવ્યું. લશ્કરે ગામને ઘેરો ઘાલ્યો. એ જમાનામાં નાગર કન્યાઓ કોઇના દરબારમાં જાહેરમાં ગાતી ન હતી. રાજાનું કહેણ પાછું ઠેલાય તો ગામ પર કેર વર્તાય. આ ધર્મ સંકટમાંથી પોતાને બચાવવા આ બહેનોએ શર્મિષ્ઠા તળાવમાં જળ સમાધિ લઇ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ વાતની ખબર તાનસેનને મળતાં એ વ્યથીત થયા. અને તાના રીરીના સન્માનમાં નોમ..તોમ ઘરાનાનું નામ તાના રીરી રાખી એમને દુનિયાભરમાં ખ્યાતિ બક્ષી. આ બન્ને બહેનોની યાદમાં વડનગરમાં સ્મારક અને સ્મૃતિ પાર્ક બનાવાયો છે. તાના રીરી સંગીત મહોત્સવ દર વર્ષે ઉજવાય છે જેમાં હજારો સંગીતપ્રેમીઓ ભાગ લે છે.. વડનગરની ઐતિહાસિક પરંપરા સાચવી રાખવા અને પોષવા શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૦૩માં તાના રીરી મહોત્સવ શરૂ કર્યો અને ૨૦૧૦માં તાના રીરી સંગીત સન્માન એવોર્ડ શરૂ કર્યો.
બુધ્ધીસ્ટ મોનેસ્ટ્રી : ભગવાન બુધ્ધનું ત્યાં ખંડિત સ્ટેચ્યુ બીજી સદીનું હોવાનું મનાય છે. એનું મોટું કોર્ટયાર્ડ સંગ્રહાલયમાં બતાવાયું છે.
પુરાત્ત્વવિદ અનુભવાત્મક સંગ્રહાલય: વડનગરના અનંત અનાદિ ઇતિહાસને જીવંત કરતું આ સંગ્રહાલય ૧૨,૫૦૦ ચો.મીટરમાં પથરાયેલ છે. ચાર માળનું આ સંગ્રહાલય વડનગરના ૨૫૦૦ વર્ષના પૌરાણીક ઇતિહાસ, એના મૂળ અને ઉત્ક્રાંતિવાદને નજર સમક્ષ ખડો કરી દે છે. તાજેતરમાં જ ૨૯૮ કરોડ રૂપિયાના ખર્ચે અધતન ટેકનોલોજીથી એ બનાવાયું છે. એમાં વડાપ્રધાન મોદીજીના જીવનની પ્રેરક જર્નીની ફિલ્મ પણ છે. એના થીયેટરમાં ભવાઇ પણ તાદ્રશ કરાઇ છે. ગુજરાતના ખ્યાતનામ કવિઓ દયારામ અને નરસિંહ મહેતા, જાણીતા નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠી, સંગીતકાર કુમુદી મુન્શી સહિત અસંખ્ય કલાકારો અને પર્ફોમન્સની યાદોં તાજી કરાવે છે.
૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ગૃહ મંત્રી શ્રી અમીત શાહના વરદ્ હસ્તે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ૧ ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે. ભારતભરનું આ સૌથી મોટું સંગ્રહાલય છે જ્યાં ત્રીજી સદીની સાઇટ પણ છે. ૫૦૦૦થી વધુ આર્ટના નમૂના છે. વડનગર હિન્દુઓ, બૌધ્ધ અને જૈનોનું પણ સેન્ટર હોવાનું ધાર્મિક માન્યતાની ગેલરીમાં દર્શાવાયું છે.
• વડનગરનું સ્ટેશન પણ ઐતિહાસિક છે. ૧૮૮૧માં ગર્વમેન્ટ ઓફ બોમ્બેએ ગર્વમેન્ટ ઓફ બરોડા સ્ટેટને વિનંતિ કરી કે ડભોઇ રેલ્વેનું કામ પૂર્ણ થયા બાદ કડી લાઇનનું કામ શરૂ કરવામાં આવે. મહેસાણા-વડનગરને મંજૂરી મળ્યા બાદ ૨૧ માર્ચ ૧૮૮૭માં એ ખુલ્લું મૂકાયું હતું. હવે તો વડનગર અને ડભોઇ નેરો ગેજમાંથી બ્રોડગેજ લાઇન બની ગયા છે.
સમયના અભાવે અમે સંગ્રહાલય જોઇ ન શક્યા એથી ફરી એકવાર મુલાકાત લેવી પડશે. પણ એની સુગંધ તો લઇ આવ્યા જેનો પમરાટ આપ સુધી પ્રસરાવવાનો આ નમ્ર પ્રયાસ.

