એથેન્સઃ વેદિક અને ગ્રીક સંસ્કૃતિઓ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ છે. આ બે મહાન વિરાસતોના ઐતિહાસિક સંગમ સ્વરૂપે એથેન્સ કન્ઝર્વેટરીમાં ‘ધ ધાર્મિક રેનેસાં એન્ડ ધ એથેન્સ ડેક્લેરેશન’ સમિટ યોજાયું હતું. આ સીમાચિહ્ન શિખર પરિષદમાં ભારતની આધ્યાત્મિક પરંપરાઓના શાશ્વત જ્ઞાન,ધર્મ, નીતિશાસ્ત્રની પ્રસ્તુતિ સાથે ટકાઉ જીવન સંદર્ભે વૈશ્વિક સંવાદ રચવાના લક્ષ્ય સાથે ભારતની દસ જીવંત પરંપરાઓના આચાર્યો, આધ્યાત્મિક નેતાઓ અને સંતો એક મંચ પર આવ્યા હતા.
શિખર પરિષદમાં હિન્દુ, બૌદ્ધ, જૈનદર્શન અને શીખ સહિત ભારતની મુખ્ય ધાર્મિક પરંપરાઓના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ ‘વેદાંતિક સંવાદ’ના વિષય પર પ્રખર અને અસરકારક સંબોધન કર્યું હતું. તેમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંદેશાઓ પ્રસ્તુત કર્યા હતા. તેમણે ભારતીય સભ્યતાના આરંભકાળથી રહેલા ઉપનિષદોનું જ્ઞાન પીરસ્યું હતુ જેમના થકી અદ્વૈત, દ્વૈત, વિશિષ્ઠાદ્વૈત અને અક્ષર પુરુષોત્તમ દર્શન જેવી શાશ્વત વેદાંતિક ફીલોસોફીઓએ જન્મ લીધો હતો.
ભદ્રેશદાસ સ્વામીના સંબોધનથી ઓડિયન્સ ભારે પ્રભાવિત થયું હતું. શિખર પરિષદના આયોજકોએ જણાવ્યું હતું કે તેમની ગહન સમજ ભારતીય અને ગ્રીક પરંપરાઓ વચ્ચે આધ્યાત્મિક બંધનને મજબૂત કરવામાં સીમાચિહ્ન બની રહેશે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર અક્ષર પુરુષોત્તમ દર્શન અને અન્ય ભારતીય વેદાંતિક પરંપરાઓને સન્માનીય સ્થાન અપાયું હતું.
આયોજકોએ આ કાર્યક્રમને 21મી સદીના સંદર્ભે પ્રાચીન નૈતિક મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાના ઐતિહાસિક આદેશ સમાન ગણાવ્યો હતો.આધ્યાત્મિક વિદ્વાનો, મહાનુભાવો અને સાંસ્કૃતિક નેતાઓના સામૂહિક પ્રયાસો થકી ‘વસુધૈવ કુટુમ્બકમ્’અને સાર્વત્રિક કલ્યાણના સિદ્ધાંતો પર આધારિત વેદિક વિઝન આંતરરાષ્ટ્રીય નીતિઘડતરનો પાયો નિર્માણ કરશે તેવી આશાને બળ મળ્યું છે.

