શું ચીકુ ખાવાથી વજન વધે?

હેલ્થ ટિપ્સ

Friday 21st September 2018 06:59 EDT
 
 

ઉનાળા દરમિયાન વિપુલ પ્રમાણમાં મળતાં અને શરીર માટે ખૂબ જ પોષક એવાં ચીકુ વિશે જાણીએ. ચીકુ સ્વાદમાં ગળ્યાં છે. તેમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ ઊંચું છે. તે લોહીમાં પણ ઝડપથી ભળી જાય છે. ઉનાળામાં ગરમીને કારણે વધુ પરસેવો થાય, ત્યારે ચીકુ ખાઈને શરીરને જોઈતા પ્રમાણમાં ગ્લુકોઝ રિપ્લેસ કરી શકાય છે. તેને ધોઈને જો પાતળી છાલનાં હોય તો તે છાલ સાથે જ ખાઈ શકાય છે. આમ, તેને ખાવામાં પણ મહેનત નથી. ગમે તે સમયે અને ગમે ત્યાં ભૂખ લાગે તો ૨થી ૩ ચીકુ ખાઈ શકાય છે. ઉનાળામાં અશક્તિ લાગતી હોય કે વધુ પડતી મહેનતનું કામ કરતા લોકોને ચીકુ ખાવાથી એનર્જી મળે છે. ચીકુ એવું એક ફળ છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે.
આંખ માટે ફાયદાકારકઃ તેમાં વિટામિન ‘એ’ સારી માત્રામાં આવેલું છે. જેના કારણે આંખની સમસ્યાઓ દૂર થાય છે. નાનાં બાળકોને પણ ચીકુ ખવડાવવાથી તેમની આંખનું તેજ વધે છે.
કિડની માટે ફાયદાકરાકઃ ચીકુ એવું ફળ છે જે કિડનીના પેશન્ટને જો ડાયાબિટીસ ન હોય તો આપી શકાય છે અને તેનાથી તેમની એનર્જી રહે છે. વળી તેના ‘બી’ને વાટીને પાણી સાથે લેવાથી કિડનીની પથરી ઓગળી જાય છે.
એનર્જી માટે સર્વોત્તમઃ ચીકુમાં ગ્લુકોઝ ભારે માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. વધુ પડતી કસરત કર્યા પછી જો ૨-૩ ચીકુ ખાવામાં આવે તો એનર્જેટિક લાગે છે.
એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂરઃ ચીકુમાં વિટામિન ‘એ’ અને ‘બી’ વધારે હોય છે. તે એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબર્સથી ભરપૂર છે. વિટામિન ‘એ’ ફેફસાં અને મુખના કેન્સરથી બચાવે છે.
હાડકાં માટે ફાયદાકારકઃ ચીકુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન પણ મારે માત્રામાં મળી આવે છે, જે હાડકાં માટે ઉપયોગી છે. માટે ચીકનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.
કબજિયાત દૂર કરેઃ ચીકુમાં ફાઇબર્સ પુષ્કળ પ્રમાણમાં છે. તેથી તે રેચક છે તેમ કહી શકાય. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેને છાલ સાથે ખાવાથી કબજિયાત થતી નથી. તેની છાલમાં ટેનિન રહેલું ટેનિન તાવ સામે રક્ષણ આપે છે.
માનસિક સ્વાસ્થ્ય સારું રહેઃ તેમાં હાઈ શુગર છે જે મગજને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. મગજની નસોને શાંત રાખવા અને તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. અનિદ્રા, ચિંતાથી પીડાતી વ્યક્તિઓ માટે ચીકુ ખૂબ લાભદાયી છે.


comments powered by Disqus