મોસ્કોઃ વૈશ્વિક સ્તરે વર્તમાન અશાંતિ છતાં એશિયામાં ભારત સાથે રશિયાના સંબંધોમાં સ્થિરતા જળવાઈ રહી છે અને તે સંબંધ વધુ દ્દૃઢ બની રહ્યા છે તેમ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતના વિદેશમંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકર સાથેની મુલાકાત સમયે જણાવ્યું હતું. વધુમાં રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારત સાથે આધુનિક હથિયારોના ઉત્પાદન માટે તૈયારી દર્શાવી છે.
રશિયાના 5 દિવસના સત્તાવાર પ્રવાસે આવેલા વિદેશમંત્રી જયશંકરે રશિયા સાથેના સંબંધોની ફરી એક વખત પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, રશિયા ભારતનું એક મૂલ્યવાન ભાગીદાર છે. બીજી તરફ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણીમાં વિજયની શુભેચ્છા પાઠવતાં રશિયા આવવાનું પણ આમંત્રણ આપ્યું છે.
વિદેશમંત્રી જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનમાં પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ સમયે પુતિને જયશંકરને કહ્યું હતું કે, અમને અમારા મિત્ર પ્રધાનમંત્રી મોદીને રશિયામાં જોઈને આનંદ થશે. પુતિન સાથેની મુલાકાત પહેલાં જયશંકરે રશિયન વિદેશમંત્રી સેર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત કરી હતી. જયશંકરે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી મોદી અને રશિયન પ્રમુખ પુતિન આગામી વર્ષે વાર્ષિક શિખર સંમેલનમાં મળશે. વધુમાં પુતિન અને મોદી સતત સંપર્કમાં રહ્યા છે.
જયશંકરે સોશિયલ મીડિયા પર કહ્યું કે, વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી તેમને શુભેચ્છા પાઠવી અને એક અંગત સંદેશ આપ્યો. પ્રમુખ પુતિનને નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મંતુરોવ અને વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથેની મારી ચર્ચાની માહિતી આપી.