શુભ થાઓ આ સકળ વિશ્વનું

સી. બી. પટેલ Tuesday 07th February 2017 13:27 EST
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૨૦૧૭ના વર્ષમાં આપણી આ પ્રથમ મુલાકાત છે. નવલા નૂતન વર્ષના મોડા મોડા પણ ભાવભર્યા વધામણા. આશાવાદ, નિરાશાવાદ અને વાસ્તવવાદ વચ્ચે એક યા બીજા પ્રકારે ઓછાવત્તા અંશે આપણે સહુ અટવાતા રહીએ છીએ. ૨૦૧૧માં ચાર્લ્સ કેની નામના એક લેખકે Getting Better નામનું સુંદર પુસ્તક લખ્યું હતું. જીવનને વધુ સારું કઇ રીતે બનાવી શકાય તે સમજાવતા આ પુસ્તકનો સાર કંઇક એવો છે કે નાનીમોટી વિવિધ પ્રકારની સમસ્યાઓ ભલે હોય, પરંતુ સમગ્રતયા દૃષ્ટિથી જોવામાં આવે તો વિશ્વભરમાં - ગરીબમાં ગરીબ દેશમાં પણ - આયુષ્ય, આરોગ્ય, આવક, સલામતી અને સુખાકારીનો આંક ઊંચો જઇ રહ્યો છે. આપણા સહુને માટે, સવિશેષ બ્રિટનમાં, ૨૦૧૬નું વર્ષ અમુક અંશે ત્રાસજનક રહ્યું. ‘બ્રેક્ઝિટ’ની તરફેણ કરતો જનમત સહુને માટે અસંતોષકારક નીવડ્યો એમ પણ કહી શકાય. તો વળી યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય એ કંઇકેટલાય માટે પરાજયસમાન નીવડી રહ્યો છે.
આશાકેરા અજયગઢના મસ્તકે રોપવાને,
હાથે ઝાલી વિજયધ્વજને ચાલ, આગે પ્રવાસે;
સ્વામી કૃપાલાનંદજી રચિત સદાબહાર કૃતિ ‘હતાશને...’માંથી આ છેલ્લી કડી મેં અહીં ટાંકી છે. ભારતની લગભગ ૪ સપ્તાહની યાત્રા કરીને હું હેમખેમ પરત આવી ગયો છું. આપની સેવામાં બંદા હાજર છે. આ વેળા ભારતયાત્રા દરમિયાન સહેતુક ગ્રામીણ વિસ્તારમાં, અને એક યા બીજા પ્રકારની સમસ્યા કે સંતાપના નિવારણ માટે, પાયાની સેવા કરતી પ્રાણવાન સંસ્થાઓની મુલાકાતનો મુખ્ય આશય રહ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ગોદાવરી ગામે રાજકોટની જાણીતી પ્રોજેક્ટ ‘લાઇફ’ સંસ્થાના ઉપક્રમે આયોજિત નવનિર્મિત શાળાના લોકાર્પણ સમારંભમાં હાજરી સાથે મારી ભારતયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પછી ઉત્તર ગુજરાતમાં કડા ગામે (ડો. મફતભાઇ પટેલનું વતન અને પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનું સાસરી ગામ) નૂતન પુસ્તકાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી. અમદાવાદમાં પણ પ્રોજેક્ટ ‘લાઇફ’ દ્વારા નિરાધાર બહેનોના ઉત્કર્ષનો અભિનવ પ્રયોગ હાથ ધરાયો હતો. આ પ્રસંગના સાક્ષી બનવાનો પણ અવસર સાંપડ્યો.
ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (‘ગ્રીડ’) અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલા ગુજરાતી ડાયસ્પોરા વાર્તાકારોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદેશવાસી ગુજરાતી સર્જકોની સર્જનયાત્રા અને કૃતિઓનો આસ્વાદ માણ્યો. દસકાઓથી અમેરિકામાં જઇ વસ્યા હોવા છતાં ગુજરાત અને ગુજરાતીપણા સાથે અતૂટ નાતો જાળવી રાખનાર રાહુલ શુક્લની કૃતિ ‘સજન રે જૂઠ મત બોલો’ સાંભળવાની બહુ મજા પડી. મોરના ઈંડા ચીતરવા ન પડે તે ઉક્તિ રાહુલભાઇને એકદમ લાગુ પડે. પૂછો કેમ?! આ રાહુલભાઇ એટલે સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતાં ‘સમય’ના પ્રકાશક-તંત્રી સ્વ. ભાનુભાઇ શુક્લના સુપુત્ર.
નડિયાદમાં ડો. જશભાઇ સી. પટેલ દ્વારા સંચાલિત બ્હેરા-મૂગા શાળા દ્વારા આયોજિત ૪૦મા વાર્ષિક દિનની ઉજવણીમાં સામેલ થયો. તો ચરોતર પંથકમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહેલી ‘ચારુસેટ’ સંસ્થાની બે વખત મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો. બે દિવસ રાજકોટ પણ જઇ આવ્યો અને દસકાઓ જૂના મિત્ર વેજાભાઇ રાવલિયા અને સાકરબહેનની યજમાનગતિ પણ માણી આવ્યો. સંગીત સમ્રાટ જેવા આદરણીય કાંતિલાલ સાહેબ સોનછત્રાની સોબત પણ માણી. અમદાવાદ પાછો ફર્યો તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ટોચના ઉદ્યોગપતિ પંકજભાઇ પટેલ સાથે વિચાર-વિનિમય કરવાનો સોનેરી અવસર સાંપડ્યો.
આ તમામ સ્થળોએ, પ્રસંગોએ હાજરી આપી, અને જે કંઇ જાણ્યું-માણ્યું-અનુભવ્યું તેનાથી ભારત પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું હોવાની આશા વધુ બળવતર બની છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ભારતયાત્રાના અંતિમ તબક્કામાં વલ્લભ વિદ્યાનગરમાં વી. સી. પટેલના નિવાસસ્થાને - કોલેજકાળના મિત્ર દાદુ પટેલની ઉપસ્થિતિમાં - પાટીદાર જ્ઞાતિની ઉન્નતિ સંદર્ભે ચર્ચા-વિચારણા કરવાનો લાભ પણ મળ્યો. મોટા ભાગના પ્રવાસ કાર્યક્રમમાં આપણા અમદાવાદ કાર્યાલયના બ્યૂરો ચીફ ભાઇશ્રી નીલેશ પરમાર અને અમારા પરિવારના પુત્રીસમાન પ્રસિદ્ધ ગાયિકા માયાબહેન પણ સાથે હતા.

મન ચંગા તો કથરોટ મેં ગંગા

આધુનિક જીવનમાં આરોગ્ય અને તંદુરસ્ત જીવનશૈલી એ અત્યંત લોકપ્રિય અને રસિક વિષય બની રહ્યો છે, અને તે આવકાર્ય પણ છે. એજ યુકે સંસ્થા બ્રિટનમાં વડીલોની સેવા માટે સંગીન કાર્ય કરી રહી છે. તેના નવા રિપોર્ટમાં દાખલા-દલીલ અને વિવિધ પ્રકારના અભ્યાસના આધારે તારવેલા આંકડાઓના આધારે ભારપૂર્વક જણાવાયું છે કે સાઠ વર્ષની વય પછી તન-મનની સુખાકારી માટે નિરામય આરોગ્ય અને મૈત્રી અત્યંત આવશ્યક છે. તેથી જ આ સપ્તાહે મેં લેખમાળાના શિર્ષકમાં પૂ. મુનિશ્રી ચિત્રભાનુ મહારાજસાહેબના ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું...’ જેવા પ્રેરણાદાયી ભક્તિગીતની છેલ્લી ટૂંકના પાંચ શબ્દોથી શરૂઆત કરી છે.
વયના વધવા સાથે હલનચલનનો અભાવ, આરોગ્યને સાનુકૂળ આહાર-વિહારમાં કચાશ કે પછી ધુમ્રપાન તથા મદીરાપાન જેવા વ્યસનોનું દૂષણ વળગેલું હોય તો તેવા કિસ્સામાં પરિણામ લગભગ નિશ્ચિત હોય છેઃ વૃદ્ધાવસ્થા બગડે, બગડે અને બગડે જ.
એક પારિવારિક મુલાકાત દરમિયાન અમે (માયાબહેન અને નીલેશભાઈ પણ સાથે હતા) જોયું કે માતાને મળવા વતન આવેલો એક NRI યુવાન સ્થળ-કાળનું ભાન ભૂલીને સતત દારૂનું સેવન કરતો હતો. વિવેકભાન કે માનમર્યાદાને જાણે તેણે સાવ જ કોરાણે મૂકી દીધા હતા. માતાની હાજરીમાં પણ તેનું દારૂ ઢીંચવાનું ચાલુ જ રહેતું હતું. પરિણામે પારિવારિક માહોલ સતત તંગ અને ત્રાસજનક બની ગયો હતો. દારૂસેવનના રવાડે ચઢી ગયેલાને તમે સમજાવો કે ‘દારૂ પીવો સારો નથી’ એટલે તે કંઇ સુધરી જતો નથી. એક વડીલ તરીકે હું બીજી તે શું સલાહ આપી શકું? તેને સમજાવવા પ્રયાસ કર્યો કે દારૂના ધખારા છોડ, અને માતા સાથે રહેવા આવ્યો છો તો આનંદથી રહે... વતનમાં રહે ત્યાં સુધી દારૂનો વિચાર પણ છોડી દે. માતા અને પરિવારજનો સાથે સુખરૂપ રજાની મજા લે...
યુવાનના મનમાંથી દારૂના દૈત્યને દૂર કરવા માટે મળેલી પારિવારિક બેઠકનો માહોલ પવિત્ર કરવા માયાબહેનને અનુરોધ કર્યો કે તમારા મધુર કંઠે કોઇક ભજન સંભળાવો. અને તેમણે સાજ-સાજિંદાની સંગત વગર જ સૂર છેડ્યા. પહેલાં ‘કરુણાના કરનારા...’ અને પછી ‘ધૂપસળી થાજે...’ ગાયું. વાતાવરણમાં ચોમેર ભક્તિની ફોરમ મહેંકી ઉઠી. યુવાને વચન આપ્યું કે ભારત-મુકામ દરમિયાન દારૂને હાથ પણ નહીં લગાડું, પ...ણ છેવટે તો શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો જ તાલ થયો. ખેર, યુવાન ઇચ્છા બલિયસી... (આવા સંજોગોમાં ઇશ્વરેચ્છા બલિયસી કહીને દોષનો ટોપલો ઇશ્વર પર ઢોળી દેવામાં હું માનતો નથી. આવા કિસ્સામાં તો વ્યસની વ્યકિતનો દૃઢ નિર્ધાર જ બળૂકો પુરવાર થતો હોય છે.)
વાત ફરી ‘ગેટીંગ બેટર’ પુસ્તકની કરું તો... તેમાં એક સ્થળે ઉલ્લેખ છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં પૈસા અને માત્ર પૈસા માટેની જ હાયવોય શરૂ થઇ જાય છે ત્યારે જાણે ગરમાગરમ દૂધમાં લીંબુનો રસ ભરેલી વાટકી ઠલવાય ગઇ હોય તેવી સ્થિતિ સર્જાય છે. ધનપ્રાપ્તિ અને ધનસંચય એક જ સિક્કાની બે બાજુ છે તેમાં બેમત નથી, પરંતુ માત્રને માત્ર પૈસો જ સુખશાંતિના પાયામાં નથી. નાણાંનો સંચય કરવામાં જેટલો આનંદ છે તેનાથી વધુ આનંદ તેને વહેંચવામાં છે. અમદાવાદના શ્રેષ્ઠી કસ્તુરભાઇ લાલભાઇનો પરિવાર જે પ્રકારે પેઢી - દર પેઢી નાણાંનો સદઉપયોગ કરી રહ્યો છે તે સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. (વધુ માટે વાંચો - વિશેષ લેખ પાન ૬) ખાસ તો સાધનસંપન્ન લોકોને નમ્રભાવે એટલો જ અનુરોધ કરવાનો કે લેખમાં કોઇ માહિતી ઉપયોગી જણાય તો અવશ્ય તેનો અમલ કરજો.
આ સપ્તાહે કલમને વિરામ આપતાં પહેલાં એક નાની, પણ રાઇના દાણા જેવી વાત કરવી છે. લાઇફકોચ તરીકે આગવી નામના ધરાવતાં જસ્મિન વાલ્ડમેનનો એક લેખ વાંચવાનું સદભાગ્ય મને સાંપડ્યું. તેમનો આખો લેખ તો અહીં પ્રકાશિત કરવો મુશ્કેલ છે, પરંતુ તેમણે લેખમાં ટાંકેલું એક સરસ વાક્ય આપની સમક્ષ સાદર કરી રહ્યો છુંઃ Mornings are about transformation, you can power your day with life-changing habits. જસ્મિને બહુ થોડાક શબ્દોમાં, પણ સરસ વાત કહી છે કે દરેક સવાર પરિવર્તનનો સંદેશ લઇને આવતી હોય છે, તમે જીવન બદલી નાખતી આદતો દ્વારા તમારા દિવસને શક્તિસભર બનાવી શકો છો.
વાચક મિત્રો, આવો આપણે પણ પરિવર્તનના પંથે આગળ વધીએ. ફરીથી કહું છું કે આપણા સહુની સુખાકારી ચુસ્ત-દુરસ્ત જીવન પર નિર્ભર છે. અને દરેક સારા (કે નરસા) જીવનના મૂળમાં હોય છે મન. મન-દુરસ્ત તો તન-દુરસ્ત. જેમ જેમ વ્યક્તિની વય વધે છે તેમ તેમ દિમાગને સક્રિય રાખવા માટે તેને વધુ પોષણની જરૂર પડે છે. મગજને પોષણ પહોંચાડવાના આમ તો એક કરતાં વધુ વિકલ્પો છે, પરંતુ આપણે વાત કરશું શ્વાસોચ્છશ્વાસની, બ્રિધિંગની. સ-રસ અને સુ-યોગ્ય બ્રિધિંગની આદત અનેક પ્રકારની શારીરિક-માનસિક આધિ-વ્યાધિથી બચાવી શકે છે. શ્વાસોચ્છશ્વાસની પ્રક્રિયા યોગ્ય રીતે કરવાથી શરીરને ઓક્સિજનને પૂરતો પુરવઠો મળી રહેશે, જે સરવાળે ધમનીમાં રક્તસંચાર વધુ સરળ, વધુ સારો બનાવશે. મગજને તેની સક્રિયતા માટે આવશ્યક લોહીનો પૂરતો પુરવઠો મળી રહેશે તો તે પૂરી ક્ષમતા સાથે કામ કરતું જ રહેશે. આખરે તો આપણા શરીરનો ‘કન્ટ્રોલ રૂમ’ મગજ જ છેને?! શરીરમાં શ્વાસોચ્છશ્વાસની ક્રિયાને સુયોગ્ય રાખવા માટે એક નાનો પ્રયોગ હું લગભગ નિયમિતરૂપે કરતો રહું છું. મારી સદાબહાર તાજગીનું એક કારણ આ પ્રયોગ પણ હોય શકે છે.
હું દિવસ દરમિયાન જ્યારે જ્યારે ફુરસદની પળો મળે છે કે પછી અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી નવરો પડું છું કે તરત જ શરીરની બેટરી ચાર્જ કરવા બેસી જઉં છું. આ માટે ખાસ કંઇ સાધનસગવડની પણ જરૂર નથી. રિક્લાઇનર ચેરમાં બેસી જઉં. શક્ય હોય તેટલું માથું સીધું રાખું, પણ બેસવાનું એકદમ રિલેક્સ થઇને. આંખો બંધ કરી દઇને મનને શક્ય તેટલું હળવું કરી દઉં. કોઇ ચિંતા નહીં, કોઇ તનાવ નહીં. મારા વગર દુનિયા અટકી પડશે તેવા ભ્રમમાં હું ક્યારેય રાચતો નથી, એટલે સહજપણે જ તનાવમુક્ત થઇ શકું છું.
આ પછી શ્વાસોચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરું. શ્વાસને અંદર પ્રવેશતો અને બહાર નીકળતો અનુભવું. આ પછી હળવેકથી એક હાથ પેડુ પર મૂકું - સમજો કે નાભિથી બે’ક ઈંચ નીચે. નાક વાટે ઊંડો શ્વાસ લઇને ફેફસાંમાં હવા ભરવાની. જો જો હવા ફેંફસામાં ભરવાની છે, પેટમાં નહીં. આ કઇ રીતે ખબર પડે? તમે શ્વાસ લેશો એટલે ફેંફસા ફુલાવા જોઇએ, પેટ નહીં. થોડોક સમય શ્વાસ રોકી રાખો અને પછી હળવે હળવે શ્વાસને મોં વાટે બહાર કાઢો. શ્વાસ અંદર લેવાનો, રોકી રાખવાનો અને બહાર કાઢવાનો સમય લગભગ સરખો રહે તેવો પ્રયાસ કરવાનો. હવે તમે કહેશો કે બંધ આંખે તે સમયનો અંદાજ કઇ રીતે મેળવવો? તો કહું કે શ્વાસ અંદર લેતી વખતે ધીમે ધીમે એકથી દસ ગણો. શ્વાસ રોકી રાખો ત્યારે પણ એ જ ઝડપે એકથી દસ ગણો. અને મોં વાટે શ્વાસ છોડતી વખતે પણ એ જ ઝડપે ગણો. (કે ઈશ્વરનું નામ લો) આનાથી બે ફાયદા થશે, સમયની સરેરાશ પણ જળવાશે, અને મન ગણતરીમાં વ્યસ્ત રહેવાથી એકાગ્રતા પણ જળવાશે. હા, શ્વાસોચ્છશ્વાસ વેળા લાગે કે આટલો લાંબો સમય કે ઊંડો શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો શરીર પર જુલમ ગુજારવાની જરૂર નથી. ઓછા સમયથી શરૂઆત કરો. કરત કરત અભ્યાસ સે... શ્વોચ્છશ્વાસની પ્રક્રિયા સરળ બનશે, તેનો સમય આપોઆપ વધશે. સરળતાથી અને સહજતાથી જે થાય તે કરવાનું.
આ એક યૌગિક ક્રિયા જ છે. શ્વાસોચ્છશ્વાસની ક્રિયા સારી રીતે થશે તો ફેંફસા મજબૂત થશે. શરીરમાં રક્તસંચાર વધતાં મગજના કરોડો ચેતાતંતુઓ સહિત સમગ્ર શરીરમાં ચેતનાનો સંચાર થશે. તન-મનમાં સ્ફૂર્તિ વર્તાશે. મેં આ વાત મારા અનુભવના આધારે કરી છે. સહુ કોઇએ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આનો અમલ કરવો. જરૂર પડ્યે પોતાના જીપીને પણ કન્સલ્ટ કરી શકો. જે કંઇ કરો તે શરીરને સાચવીને કરજો, બકરું કાઢતાં ઊંટ ન પેસે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા... નૂતન વર્ષ આપણા સહુ માટે શુભદાયક, લાભદાયક નીવડે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સહ એટલું જ કહીશઃ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ (ક્રમશઃ)

•••

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું

- મુનિશ્રી ચિત્રભાનુ મહારાજ સાહેબ

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

દીન, ક્રૂર ને ધર્મવિહોણાં દેખી દિલમાં દર્દ વહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તો ય સમતા ચિત્ત ધરું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

ધર્મસ્થાનકની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે
વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

•••

હે કરુણાના કરનારા

હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

મેં પાપ કર્યાં છે એવાં હું તો ભૂલ્યો તારી સેવા
મારી ભૂલોને ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી
અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હે પરમ કૃપાળુ વ્હાલા મેં પીધાં વિષના પ્યાલા
વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

કદી છોરું કછોરું થાયે પણ તું માવિતર કહેવાયે
મીઠી છાયાના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી

મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો
મારી નાવના ખેવણહારા તારી કરુણાનો કોઈ પાર નથી

છે જીવન મારું ઉદાસી તું શરણે લે અવિનાશી
મારા દિલમાં હે રમનારા તારી કરુણાનો કોઈ પાર નથી

•••

મળી છે કાયા માનવની, જગતમાં ધુપસળી થાજો

- રામભક્ત

મળી છે કાયા માનવની, જગતમાં ધુપસળી થાજો,
સુગંધી અન્યને દેવા, તમે જાતે બળી જાજો...

તમારૂં થાય તે થાય, ન કરજો દેહની પરવા
તમારી દેહ ઘંટી થી, બીજાના દુઃખ દળી દેજો...

તમારી જયોત બુઝવવા,ઘણા મેદાનમાં પડશે,
તમારી ટેક સાચવવા, બીજા કહે તે ગળી જાજો...

પ્રલોભન આવશે સામા, તમોને પાડવા માટે
તજીને રાહ પડતી નો,વિજય પંથે વળી જાજો...

‘પુનિત’ પ્યારો તમારો છે, પછી પરવા કહો કોની
જગતમાં ‘રામભક્ત’ થઈ જગે સાચું રળી જાજો


comments powered by Disqus