હિંદ છોડો ચળવળ

આદિત્ય તિવારી Monday 14th August 2017 07:12 EDT
 
 

સન ૧૯૪૨નું વર્ષ હતું. હિંદ મહાસાગર તરફથી ચોમાસાનું આગમન થઇ ગયું હતું અને દેશમાં પૂર્ણ સ્વરાજની માગ બુલંદ બની હતી. આઠમી ઓગસ્ટની પૂર્વસંધ્યાએ ગાંધીજીએ રાષ્ટ્રને હાકલ કરી. તેમણે કહ્યું, ‘આ એક મંત્ર છે. એક નાનકડો મંત્ર તમને આપું છું જેને તમે તમારા હૃદયમાં સંગ્રહ કરી લો અને તમારા દરેક શ્વાસમાં તે વ્યાપી જવો જોઇએ. મંત્ર છેઃ કરો યા મરો.’ આ શબ્દ સાથે જ હિંદ છોડો ચળવળનો પ્રારંભ થયો. પૂર્વ અને પશ્ચિમમાં યુદ્ધ જારી હતું, સામ્રાજ્યવાદ સામેની લડત વધુ તીવ્ર બની. એક તરફ ભારત મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આગળ વધવા આતુર હતું. ગાંધીજી સમાજને અહિંસક આંદોલન અને સત્યાગ્રહ તરફ વાળવા માગતા હતા. તો બંગાળના સિંહ સુભાષચંદ્ર બોઝે 'દિલ્લી ચલો'નું સૂત્ર આપ્યું હતું અને તેઓ દેશને આઝાદ કરાવવા સૈન્ય સાથે આગળ ધપી રહ્યા હતા.
ચળવળની જાહેરાતના ૨૪ કલાકમાં તો તમામ મોટા નેતાઓની ધરપકડ કરી લેવાઇ હતી. આમ દિશાસૂચન કરનારું કોઈ ન હતું છતાં સમાજના તમામ નેતાઓએ લડત જારી રાખી હતી. સમગ્ર દેશમાં પ્રચંડ વિરોધ સાથે દેખાવો થતા હતા. પ્રજા બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં દેખાવો કરવાની સાથે સરકારી મકાનો પર કોંગ્રેસનો ધ્વજ ફરકાવી રહી હતી. લોકો ધરપકડ વહોરતા હતા અને જનજીવન ખોરવી નાંખ્યું હતું. વિદ્યાર્થીઓ અને ચળવળકારોએ હડતાલના મંડાણ કર્યા હતા. બંગાળમાં ખેડૂતોએ કરવધારા સામે લડત આપી હતી તો સરકારી અધિકારી કાયદો તોડી રહ્યા હતા. આ ઐતિહાસિક ઘટના હતી. આ માત્ર વિદેશીઓ સામેની ચળવળ ન હતી પરંતુ ભારતીય પ્રજામાં આવેલી જાગૃતિ હતી. આ ચળવળનો ઇતિહાસ ઘણા અજાણ્યા હીરોથી ભરેલો છે. ખેડૂતો, કામદારો, પત્રકારો, કલાકારો, વિદ્યાર્થી, શિક્ષણશાસ્ત્રીઓ, ધાર્મિક વડાઓ અને દલિતોની ઘણી અકથિત વાતો છે.
આ ચળવળે ઘણા નેતાઓને જન્મ આપ્યો, જેમાં ડો. રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ, અરુણા અસફ અલી વગેરે સામેલ હતા. દેશના ઘણા ભાગોમાં સમાંતર સરકારની રચાવા લાગી હતી. ચિત્તુ પાંડેએ બલિયામાં તો વાય. બી. ચવાણ અને નાના પાટિલે સતારામાં સરકાર રચી હતી. હિંદ છોડો આંદોલન એ રીતે એક વિરલ ઘટના હતી કેમ કે તેમાં મહિલાઓ પણ જોડાઈ હતી. કેટલીક જગ્યાએ તો તેમણે ચળવળનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. તેમાં માતંગીની હાઝરાનો ઉલ્લેખ નોંધનીય છે, જેણે મહિલાની બહુમlr ધરાવતું ૬૦૦૦ લોકોનું સરઘસ કાઢ્યું હતું અને એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતી. પોલીસ ગોળીબારમાં તેણે જીવ ગુમાવ્યો ત્યારે તિરંગો તેમના હાથમાં હતો. એ પછી સૂચેતા ક્રિપલાણી હતાં, જે પાછળથી દેશના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન પણ બન્યા હતા. ઓરિસામાં નંદીની દેવી અને શશિબાળા દેવી હતા જ્યારે આસામ કનકલતા બરુઆ અને કાહુલી દેવી જેવી યુવા મહિલા નેતાઓનું સાક્ષી બન્યું જેમણે પોલીસના દમનમાં જીવ ગુમાવ્યા હતા. ઉષા મહેતાનું યોગદાન વિરલ હતું કેમ કે તેમણે મુંબઈમાં કોંગ્રેસના ગુપ્ત રેડિયોનો પ્રારંભ કર્યો હતો. હિંદ છોડો આંદોલન એક પ્રકારે ઉથલપાથલનો પ્રારંભ હતો. જેણે ભારતના ભાવિ રાજકારણનો તખતો ઘડ્યો. ગાંધીજીએ ગોવાલિયા ટેન્ક મેદાનના ઐતિહાસિક પ્રવચનમાં કહ્યું હતું, ‘સત્તા આવશે તો તે ભારતની પ્રજાની હશે અને તેને કેવી રીતે સાચવવી તેનો નિર્ણય તેમણે કરવાનો છે.’


comments powered by Disqus