દોરી લોટો અને સપનાં સો મણનાં

સી. બી. પટેલ Tuesday 09th January 2018 14:38 EST
 
 

વડીલો સહિત સૌ વાચકમિત્રો, આજે તો આપ સૌ કલ્પનાની પાંખે મારી સાથે સહપ્રવાસી બનો એવી સવિશેષ મહેચ્છા છે, નિમંત્રણ છે અને વિનંતી પણ ખરી. બ્રિટનમાં ક્રિસમસ રજાઓના કારણે બે સપ્તાહ સુધી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી લગભગ ઠપ્પ થઈ જતી હોય છે એમાંય વળી, અહીં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જોકે અમેરિકા, ચીન અને ભારતના હિમાલયની તળેટીના ઉત્તરીય વિસ્તારોમાં શિયાળો જામ્યો છે એના પ્રમાણમાં બ્રિટનમાં ઠંડી ઓછી ગણી શકાય. ક્યાંક ઠંડી તો ક્યાંક ગરમી! ઉત્તર ગોળાર્ધમાં મહદઅંશે ટાઢું ટપ્પ દેખાય તો દક્ષિણ ગોળાર્ધમાં સવિશેષ ઓસ્ટ્રેલિયામાં સૂર્યનારાયણ પૂરજોશમાં સૌને તપાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં કંઈ કેટલાય જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો છે. તાજેતરનો જ દાખલો લઈએ તો ઓસ્ટ્રેલિયામાં એશિસ ક્રિકેટ સિરીઝ ચાલતી હતી. રવિવારે સિડનીના ક્રિકેટ મેદાનમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ હતી. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો આશરે ૫૩ સે. હતો. ગરમીના કારણે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને ડિહાઈડ્રેશન થઈ ગયું અને તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી.
મારી જ વાત કરોને ભઈ! અઠવાડિયે સંખ્યાબંધ કાર્યક્રમોમાં જો હું ન જાઉં તો જાણે મને કંઈ મજા ન આવે. અપચા જેવું થઈ જાય છે. ૧૯ ડિસેમ્બર પછી આજની તારીખ સુધી એટલે કે આઠમી જાન્યુઆરી સુધી મેં અપવાદજનક રીતે એક માઠા પ્રસંગમાં જ હાજરી આપી હતી. સ્વ. ગિરિશભાઈ દેસાઈની પ્રાર્થનાસભામાં ગયા સિવાય હું ક્યાંય કોઈ કાર્યક્રમોમાં ગયો નથી. ન કોઈ જાહેરસભાઓમાં ગયો, ન તો કોઈ જાહેર કાર્યક્રમોમાં ગયો કે ન તો કોઈ ક્રિસમસ પાર્ટીમાં ગયો. મારા સૌ મિત્રો એ જાણે છે કે આ યંગિશ ઓલ્ડમેનને ક્રિસમસ પાર્ટીમાં હવે જામતું નથી.
૨૨મી ડિસેમ્બરે અમેરિકાથી એક સ્વજને પ્રવીણભાઈ સોલંકી લિખિત, દિગ્દર્શિત એક સુંદર નાટક, ‘આપણી દુનિયા, તમારી દુનિયા’ ઈન્ટરનેટ દ્વારા મોકલી આપ્યું હતું. તેમણે આ નાટક જોવા માટે ખાસ ભલામણ કરી હતી. મેં પણ એ નાટક પ્રેમથી નિરખ્યું હતું. આ સાથે જ હર્ષાબહેન શાહ દ્વારા બીજા કેટલાક નાટકોની લિંક પણ મોકલી આપી છે.
હર્ષાબહેનના સૌજન્યથી કેટલાક ગુજરાતી નાટકોની લિંક ગુજરાતી નાટક પ્રેમીઓ માટે...
• અમારી દુનિયા તમારી દુનિયા
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6091.html
• અમે બરફ ના પંખી
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6208.html
• અભિનય સમ્રાટ
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_3814.html
• બાએ મારી બાઉન્ડ્રી
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6116.html
• છેલ છબીલા
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_7815.html
• જલસા કરો જયંતિલાલ
http://gujnatak.blogspot.com/2010/02/blog-post.html
• બસ કર બકુલા
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8870.html
• ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-gujjubhai-e-gam-gajavyu.html
મિત્રો, ગુજરાતી નાટકોમાં મજા આવતી હોય તો એક વાર મુલાકાત લેવા જેવી સાઈટ છે. આપ સૌને પણ ઈચ્છા હોય, સમય હોય, સગવડ હોય અને નાટકોમાં રસ હોય તો તમે પણ ચોક્કસ નાટકો જોઈ નાંખજો બાપલિયા... નાટકોની વાત નીકળી છે તો મને ‘બાગબાન’ ફિલ્મની વાત યાદ આવી ગઈ. આ ફિલ્મ એક યા બીજી રીતે આપણને લાગણીના પ્રવાહમાં ખેંચી જાય છે. આ પ્રકારના લાગણીશીલ, સંવેદનશીલ નાટકો કે ફિલ્મો જોઈએ ત્યારે એટલું જરૂર યાદ રાખવું કે આપણે તે જોઈને દુઃખના દરિયામાં ડૂબી ન જવું. અંતે તો ફિલ્મો જોઈએ કે નાટકો જોઈએ એમાંથી માહિતી મેળવવાનો, મનોરંજન પ્રાપ્ત કરવાનો અને સંભવ હોય તો નવીનતમ દિશા વિશે વિચારવાનો હેતુ હોવો જોઈએ.

•••

તમને વાંચવી અને સાંભળવી ગમશે એવી કેટલીક ફિલ્મના ગીતોની પંક્તિઓ ફિલ્મના નામ અને ગીતના શીર્ષક સાથે અહીં ટાંકી છે. 

ફિલ્મઃ સ્વદેશ (૨૦૦૪)
ગાયકઃ ઉદિત નારાયણ
ગીતઃ યે તારા વો તારા....
યે તારા વો તારા હર તારા (૨)
દેખો જીસે ભી લગે પ્યારા
યે તારા... તારા હૈ શરારા
•••
ગીતઃ યે જો દેશ હૈ તેરા
ફિલ્મઃ સ્વદેશ (૨૦૦૪)
ગાયકઃ એ. આર. રહેમાન
યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા તુજે હી પુકારા....
યે વો બંધન હૈ જો કભી તૂટ નહીં સકતા (૨)
મિટ્ટી કી જો હૈ ખુશ્બુ, તુ કૈસે ભુલાયેગા
તુ ચાહે કહી જાયે, તુ લૌટ કે આયેગા
નઈ-નઈ રાહોં મેં, દબી-દબી આહોં મેં
ખોયે-ખોયે દિલ સે તેરે કોઈ યે કહેગા
યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હે તેરા
તુજે હી પુકારા....
•••
ગીતઃ વો સુબહ કભી તો આયેગી
ફિલ્મઃ ફિર સુબહ હોગી (૧૯૫૮)
ગાયકઃ મુકેશ અને આશા ભોંસલે
જિસ સુબહ કી ખાતિર જુગ-જુગ સે,
હમ સબ મર-મર કે જીત હૈ
જિસ સુબહ કી અમૃત કી ધૂન મેં,
હમ ઝહર કે પ્યાલે પીતેં હૈ
ઈન ભૂખી પ્યારી રૂહોં પર,
એક દિન તો કરમ ફરમાયેગી
વો સુબહ કભી તો આયેગી...
વો સુબહ કભી તો આયેગી,
વો સુબહ કભી તો આયેગી
ઇન કાલી સદિયોં કે સર સે,
જબ રાત કા આંચલ ઢલકેગા
જબ અંબર ઝૂમ કે નાચેગી,
જબ ધરતી નગમે ગાયેગી
વો સુબહ કભી તો આયેગી...
•••
ગીતઃ ગંગા ઔર જમુના કી
ફિલ્મઃ દો બીઘા જમીન (૧૯૫૩)
ગાયકઃ મન્ના ડે / લતા મંગેશકર

અપની કહાની છોડ જા
કુછ તો નિશાની છોડ જા
કૌન કહે ઈસ ઔર
તુ ફીર આયે ના આયે
મૌસમ બીતા જાય (૨)

•••

નીત નવીન નવા પ્રશ્નો, નવી સમસ્યાઓ 

મારું સદ્ભાગ્ય છે કે કેટલાય મિત્રો ઇમેઈલ દ્વારા મને જાત જાતની માહિતી મોકલતા રહે છે. અથવા તો અન્ય સમાચાર માધ્યમો દ્વારા મને કેટલીય જાણકારી અને સમાચારો પ્રાપ્ત પણ થતા રહે છે.
• Deloitte (ડિલોઈટ) નામની એક ટોચની કંપનીએ બ્રિટનમાં ૧૧૨ મસમોટી મલ્ટિનેશનલ કંપનીઓનાં ચિફ ફાઈનાન્શિયલ ઓફિસર્સના ૨૦૧૮ના વર્ષના અનુમાનો વિશે સર્વેક્ષણ કર્યું. લગભગ ૬૨ ટકા જેટલી મોટી પેઢીઓ બ્રિટિશ અર્થતંત્ર માટે આ વર્ષની ફળશ્રુતિ બાબતે ચિંતાજનક અભિપ્રાય આપી રહી છે. જોકે ભારતમાં અત્યંત આશાવાદ સેવાય છે. (વધુ માહિતી માટે આ અંકમાં અન્યત્ર સમાચાર જુઓ) પર્યાવરણને લક્ષ્યમાં લઈને બ્રિટનમાં ૨૦ર૫ સુધીમાં coal power (કોલસાના પાવરથી વિદ્યુત ઉત્પાદન) બંધ કરવા માટે સરકારી નિયંત્રણ આવી રહ્યું છે. છ વર્ષ બાદ બ્રિટનમાં પહેલી વખત નવી મોટરગાડીઓના વેચાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
ખનિજતેલ (ઓઈલ)ના ભાવ અત્યારના ધોરણે લગભગ સ્થિર થઈ જતા દેખાઈ રહ્યાં છે. આગામી વર્ષોમાં પણ કૂદકે ને ભૂસકે આ ઓઈલના ભાવ વધવાને બદલે સ્થિર રહેવાની કે ઘટવાની વકી દેખાઈ રહી છે. એનું કારણ એ જણાય છે કે અમેરિકામાં ફ્રેક્શન ઓઈલનું ઉત્પાદન એટલા પ્રમાણમાં વધી રહ્યું છે કે ખનિજ તેલના વેચાણ પર તેની વિપરીત અસર પડી શકે છે. સાથે સાથે ચીન, આફ્રિકા, અમુક અંશે અમેરિકા અને ભારતમાં પણ સોલર એનર્જીનું ઉત્પાદન અને વપરાશ વધતો હોવાથી તેલિયા રાજાઓ તરીકે ઓળખાતા, મધ્ય પૂર્વના શેખો અને સુલતાનોની તિજોરીમાં આવક ઘટશે એવો અંદાજ છે.
આ ઉપરાંત ખનિજ તેલના વપરાશ પર અંકુશના વિવિધ કારણોમાંથી એક કારણ અંગે એવું અનુમાન છે કે ડીઝલ ઓઈલથી ધુમાડો ફેલાય છે જેનાથી પ્રદૂષણમાં વધારો થાય છે જે વિશ્વ માટે અતિહાનિકારક ગણવામાં આવે છે. દુનિયામાં વધુ ગાડીઓ દોડવાથી પર્યાવરણની સુરક્ષા જોખમાય છે અને ગ્લોબલ વોર્મિંગ અંગે માઠી અસર ઊભી થાય છે. લંડનમાં ૪૦ ટકા અને ગ્રેટ બ્રિટનમાં લગભગ ૨૮ ટકા પરિવારો કારવિહોણા રહેવામાં ગૌરવ સમજે છે.
આ પ્રકારના અહેવાલો જ્યારે વાંચવામાં કે સાંભળવામાં આવે ત્યારે કેટલાય લોકો ચિંતામાં ડૂબી જાય છે. જ્યારે કેટલાક લોકો સ્પષ્ટપણે માને છે કે સૃષ્ટિના ઉદયકાળથી પરિવર્તન એ કુદરતનો નિયમ છે. જૂનું જાય અને નવું આવે.
• ઓટોમેશન
જે માનવ ચંદ્ર સુધી પહોંચી ગયો તેણે ચીજવસ્તુઓના ઉત્પાદનમાં કે અન્ય પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની એવી શોધ કરી છે કે આધુનિક વૈજ્ઞાનિક ટેકનિકલ સિદ્ધિઓ મેળવીને પરિણામે ઈન્ડસ્ટ્રીયલ રોબોટનું વધુ ને વધુ ઉત્પાદન પણ કરે છે અને તેનો વધુ ને વધુ ઉપયોગ પણ કરી રહ્યો છે. દુનિયાભરમાં સવિશેષ ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગમાં રોબોટ્સનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે. વિશ્વમાં ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સના ઉત્પાદન અને વપરાશની ટકાવાર માહિતિ જોઈએ તો દુનિયાભરમાં જેટલા રોબોટ્સ છે તેમાંથી સૌથી વધુ ૩૪ ટકા રોબોટ્સ જાપાન ધરાવે છે. જર્મનીમાં ૧૨ ટકા, ચીનમાં ૩ ટકા અને યુકેમાં આશરે ૧ ટકો રોબોટ્સ હોવાનું જાણવા મળે છે.
રોબોટ્સના ઉત્પાદન - વપરાશથી માનવશ્રમ ઓછો કામે લાગે અને નોકરીઓની સંખ્યામાં ઘટાડો થાય તે અમુક અંશે હકીકત હોવા છતાં સર્વાંગી વિકાસને સાર્વત્રિક દૃષ્ટિએ જોવામાં આવે તો બેરોજગારી વધી નથી રહી, પણ ઘટી રહી છે. એટલે નવુ આવે ને જૂનું જાય તેનાથી વ્યાવસાયિક રીતે બેરોજગારીને ઝાઝો ફરક પડતો હોય એવું હું અંગતપણે માનતો નથી.

જૂનું જાય, નવું આવે

અહીં બ્રિટનમાં અંગત રીતે જોયેલી, જાણેલી અને સમજેલી વાત કરું તો વાચકમિત્રો પશ્ચિમ લંડનના હેમરસ્મિથ રાઉન્ડથી લઈને ચિઝિક રાઉન્ડના આશરે બે માઈલના ધોરીમાર્ગને ચિઝિક હેમરસ્મિથ હાઈ રોડ તરીકે ઓળખવામાં આવે છે. સિત્તેરના દાયકામાં, આશરે ૧૯૭૩ના ગાળામાં આ વિસ્તારમાં અમારી કેટલીક દુકાનો હતી. તે વખતે ચિઝિક લાયબ્રેરીમાં Mr. Moffatt નામના લેખકનું એક ચિત્રમય પુસ્તક મારા જોવામાં આવ્યું. આ પુસ્તક આશરે ૧૯૧૫ના ગાળામાં લખાયેલું હતું. પુસ્તકમાં લખેલું હતું કે, તે સમયમાં આ રસ્તા પર મોટરગાડી ભાગ્યે જ દેખાતી, પરંતુ એક ઘોડાની ઘોડાગાડી કે બે ઘોડાની બગી એ મુખ્ય વાહનો હતાં. લંડનના આ લાંબા રસ્તા પર થોડા થોડા અંતરે ઘોડા માટે ચારો કે ચણ વેચવા માટેના સ્ટોર હતાં.
નવાઈ લાગશે પણ આ લાંબા રસ્તા પર તુરંત સ્વચ્છતા જળવાઈ રહે એ માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘોડા આ રસ્તા પર ફરે, સવારી લઈને જાય કે હાલતાં ચાલતાં જે લાદ કરે એ લાદ ભેગી કરવા માટે અધિકૃત કામદારો નિમવામાં આવ્યા હતા. આ કામદારોના હાથમાં પાવડો અને સારવણો જેવા ઘોડાની લાદ સાફ થઈ શકે તેવા સાધનો રહેતા હતા. આ કામદારોની ફરજ એવી રહેતી કે કોઈ ઘોડો જેવી આ વિસ્તારમાં લાદ કરે તો તેણે તરત જ તેનો નિકાલ કરવાનો રહેતો. કારણ કે જો લાદનો નિકાલ કરવામાં ન આવે તો ગંદકી ફેલાય. બીજા વાહનોના પૈડાંમાં તે લાગે અથવા વરસાદ આવે તો કીચડ ફેલાય તો રોગચાળો પણ ફેલાય. તેથી તે લાદનો તુરંત નિકાલ થતો હતો. આ ઉપરાંત આ રસ્તા પર ઘોડાના પગમાં નાળ નાંખવા માટેના પાંચ મથકો પણ હતાં.
ઘોડાગાડીમાં સફર કરનારા લોકો જ્યારે મોટરગાડીમાં ફરવા લાગ્યા ત્યારે એવો ભય સેવાયો કે હવે ઘોડાગાડીના કારણે જેમનું ગુજરાન ચાલે છે તે તો બેકાર થઈ જશે. તેમનું ગુજરાન કેવી રીતે ચાલશે? તેમનું શું થશે?, પણ ઘોડાગાડીના યુગનું એ પુસ્તક લખાયું ત્યારથી ૧૯૭૦ સુધીના માત્ર પંચાવન વર્ષના ગાળામાં એવું પરિવર્તન દેખાયું કે ૧૯૭૦ના ગાળામાં આ રસ્તા પર એક પણ ઘોડાગાડી દેખાતી નહોતી. સિત્તેરના દાયકામાં અહીં મોટરકારના ડઝનબંધ શોરૂમ છે અને આજે તો નવી નવી કાર્સના શોરૂમ ખૂલી પણ રહ્યાં છે. સિત્તેરના દાયકામાં આ રસ્તે સાત જેટલાં પેટ્રોલ સ્ટેશન હતાં.
દસેક જેટલી ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ્સ અને વાહનોના સમારકામ થઈ શકે તેવા ગરાજ હતાં.
એટલે જ તો પ્રકૃતિનો નિયમ માણસે પણ અપનાવવો જોઈએ કે જૂના જાય ને નવા આવે. પરિવર્તન એવી પાંખો ફેલાવતું ગયું કે, ઘોડાગાડી પછી નવી મોટરકારના ઉત્પાદનમાં, વિતરણમાં, મેઈન્ટેનેન્સમાં, ખરીદીમાં કે ખરીદી માટેની લોન આપવામાં, વીમા પોલીસીમાં વધુ લોકોને આજિવિકા મળતી થઈ. આ તો માત્ર એક ઉદાહરણ છે અનેકવિધ ક્ષેત્રમાં માણસ માટે આજિવિકાના સાધનોનો વિસ્તાર, વિકાસ થતો ગયો અને થઈ રહ્યો છે.
વાચક મિત્રો, હું સિત્તેર પછીના બે દાયકા નેવુંના દાયકાની વાત કરું તો આ જ ચિઝિક હાઈ રોડ પર ૧૫૦ દુકાદારો ભારતીય વંશજો હતાં. એમાંથી જ હું પણ એક હતો. મિત્રો, બીજા પણ આંકડા આ જ રીતે જોઈ લઈએ તો બ્રિટનમાં પોપ્યુલેશન સેન્સર્સ કચેરીના સત્તાવાર આંકડા પ્રમાણે ૨૦૧૭માં ૧૮ લાખ જેટલાં ભારતીય વંશજો કે તેમના સંતાનો અહીં વસે છે. તેમાંના અડધોઅડધ જેટલાં ગુજરાતી કહી શકાય. આ બધાના પંચાવન ટકા અત્રે જન્મેલા છે. એટલે ગુજરાતી વાંચનારની સંખ્યા અહીં કેટલી એ તમે ગણી લેજો, પરંતુ ‘ગુજરાત સમાચાર’ના જે વાચકો છે તે મોટાભાગના, સંભવિત છે કે, બ્રિટનમાં લગભગ દોરી લોટા સાથે જ આવ્યાં હશે.
ભારતમાં આ દોરી લોટો શબ્દ મારવાડથી હાથે પગે એટલે કે કોઈ ઝાઝા સામાન વગર ગુજરાતમાં રોજી રોટી મેળવવા આવતાં લોકો માટે પ્રચલિત બન્યો હતો. ત્યાં જેમ દોરી લોટા સાથે આવેલાં કેટલાય ધનિક-નામાંકિત બન્યા એ જ રીતે ભારતથી દોરીલોટા સાથે આવેલાં અને બ્રિટનમાં સિદ્ધિના શિખરો સર કર્યાં હોય તેવા મહાનુભવોના રસિક અને ભવ્ય ઇતિહાસ છે.

પૂર્વ આફ્રિકાના પરાક્રમી પૂર્વજો

આ વખતે ક્રિસમસની રજાઓમાં મને સવિશેષ વાચનનો અવસર મળ્યો હતો. તેમાં મેઘજી પેથરાજ શાહ વિશે અંગ્રેજીમાં લખેલું પુસ્તક, નાનજી કાળીદાસ મહેતાનું ‘મારી અનુભવ કથા’ તથા સુધા મૂર્તિનું પુસ્તક ‘ડોલરવહુ’ વાંચવા સાથે આ રજાઓમાં પ્રાધ્યાપક ચંદ્રકાંત પટેલ લિખિત આફ્રિકામાં વસતા ૩૦૦ પ્રભાવશાળી ગુજરાતીઓનું આલેખન કરતાં પુસ્તકો નિરાંતે અને સારી રીતે વાંચ્યાં. નાનજી કાળીદાસ મહેતાની જીવનકથા અને સુધા મૂર્તિની બુક ‘ડોલરવહુ’ તો બે વખત શરૂઆતથી અંત સુધી વાંચી ગયો.
પ્રો. ચંદ્રકાંત પટેલના પુસ્તકમાં મહાનુભવો વિશે વાંચીને અનેક નામાંકિત વ્યક્તિઓનાં નામ યાદ આવ્યાં. પોતાનાં સ્વપ્નાંને સિદ્ધ કરવા પૂર્વ આફ્રિકામાં કંઈ કેટલાય લોકો દોરી લોટા સાથે આવ્યાં, વસ્યાં અને પોતાના સપનાં સાકાર કરનારા સોદાગરો બની ગયાં. અલીદીના વિશ્રામ, કરીમજી જીવણજી, મૂળજીભાઈ માધવાણી, ઓનરેબલ એ બી પટેલ, પંડ્યાગ્રુપવાળા આર બી પંડ્યા, બે સી કે પટેલ (એક જીજામાં બીજા મ્વાન્ઝામાં), કંપાલાના પહેલા મેયર શિવાભાઈ પટેલ આફ્રિકા સમાચારવાળા, ટી એ ભટ્ટ, સ્વતંત્ર યુગાન્ડાના પહેલા સ્પીકર નરેન્દ્ર પટેલ, જાણીતા બિઝનેસમેન બચુભાઈ ગઠાણી, બેરિસ્ટર પ્રાણલાલ શેઠ, તેમજ મારા માટે રોલમોડેલ સમાન દારેસલામમાં સ્વાહિલી સમાચારપત્રના પ્રાણ એવા રણધીર ઠાકર, ઓનરેબલ ડી કે પટેલ જેવા સફળ વ્યક્તિત્વોની જીવનકહાની અને અનુભવોને વાંચવાનો, તેમાંથી પ્રેરણાપાન કરવાનો અવસર સાંપડ્યો. કંઈ કેટલાય સપનાંના સોદાગરોએ પોતાના જીવનની આવી સુંદર કેડી કંડારી છે કે જે સુવર્ણ શબ્દે આલેખી શકાય છે.
નાનજી કાળીદાસ મહેતાની અનુભવકથામાંથી વેપાર ઉદ્યોગ, પ્રવાસ વર્ણન, અંતરમંથન, રાષ્ટ્રપ્રેમ, સખાવતની ખેવના, સાહસ, આત્મવિશ્વાસ, સ્વમાન અને સન્માન વિશે અત્યંત ઉપયોગી પ્રેરણાદાયી સાહિત્ય પ્રાપ્ત થાય છે. અહીં ઉલ્લેખાયા છે તેવા કેટલાય નરબંકાઓ બાર પંદર કે વીસ વર્ષની વયે અંધારિયા ખંડ કહેવાતા આફ્રિકા જઈ પહોંચ્યા અને તેમણે સપનાં સેવ્યા અને સાકાર કર્યાં. તે આપણો ભવ્ય વારસો છે. જેને આપણે યાદ કરવો જોઈએ. તેના પર ગર્વ કરવો જોઈએ.
૨૦૧૮ના વર્ષના પ્રારંભે આપણા સૌના જીવનમાં પણ નાની મોટી સમસ્યાઓ આવે તો તેને સહજ ગણી લેવી. આવતી કાલે (નવ જાન્યુઆરીએ) ભારતીય પ્રવાસી દિન છે. તે અંગે પણ આ અંકમાં વિગતવાર રજૂઆત થઈ છે. વિશ્વની ૭૦૦ કરોડની પ્રજામાં લગભગ ૩ કરોડ જેટલાં વિદેશવાસી ભારતીય વંશજો હોઈ શકે. આંતરરાષ્ટ્રીય સંબંધોના કારણે વિદેશમાં વસી ચૂકેલા અનેક ભારતીયોના વંશજોએ વિદેશમાં ભલે જન્મ લીધો હોય, પણ તેમનામાં ભારતીય લોહી વહી રહ્યું છે.
સૌથી સુવિખ્યાત એનઆરઆઈ (નોન રેસિડેન્ટ ઇન્ડિયન) તો હું મહાત્મા ગાંધીજીને માનું છું. તેઓ આ મુદ્દે નિર્વિવાદ સ્વદેશપ્રેમ ધરાવતા એનઆરઆઈ હતા. વિદેશમાં રહ્યે રહ્યે સાઉથ આફ્રિકામાં બેઠા બેઠા ભારતની ભવ્ય આકૃતિ ‘હિંદ સ્વરાજ’ પુસ્તકમાં તેમણે બખૂબી કંડારી હતી. આપણે યાદ રાખવું જોઈએ કે બ્રિટન આપણી જન્મભૂમિ કે કર્મભૂમિ છે, પરંતુ ભારત આપણા પૂર્વજોની ભૂમિ તો ખરી જ ને? તેથી જ ભારતીય પરંપરા અને સંસ્કારની સદ્ધરતા જળવાઈ રહે અને તે વધુ મજબૂત બને, ભારતના વારસામાં, વિરાસતમાં રહેલી શક્તિને આપણે જાણીએ અને યાદ કરીએ, કરતા રહીએ. સાથે સાથે જ્યાં આપણે વસીએ છીએ તે દેશની પરંપરા અને સંસ્કારને પણ માન આપીએ. આપતા રહીએ.
જય હિન્દ, જય બ્રિટન, જય જગત (ક્રમશઃ)

•••


comments powered by Disqus