યુકે-ગુજરાત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ માટે દબાણની ખાતરી

લંડનઃ રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસના સમાપન ટાણે ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલયે યુકે અને ગુજરાત વચ્ચે સીધી ફ્લાઈટ માટે દબાણ કરવાની ભારતીય ડાયસ્પોરાને ખાતરી આપી હતી. બ્રિટનમાં વસતા ગુજરાતીઓના પ્રતિનિધિત્વ કરતા અને જૂથોએ આ ખાતરી અંગે આનંદ દર્શાવ્યો હતો.

મંત્રાલયમાં ડાયસ્પોરા સર્વિસીસ ડિવિઝનના જોઈન્ટ સેક્રેટરી ટી કે મનોજકુમારે ઓડિયન્સને સંબોધતા જણાવ્યું હતું કે,‘અમે લંડન અને અમદાવાદ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવા એર ઈન્ડિયા માટે મજબૂત દરખાસ્ત તૈયાર કરી હતી પરંતુ નાણાકીય અને લોજિસ્ટિક્સ કારણોસર તે આગળ વધી શકી ન હતી. હું આ મુદ્દે ભારપૂર્વક કહું છું કે પાછો ફરીને દરખાસ્ત ફરી આગળ વધારીશ.’
ડાઈરેક્ટ ફ્લાઈટ કેમ્પેઈનનો આરંભ કરનારા એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર અખબારોના પ્રકાશક/તંત્રી તેમ જ ઈન્ડિયા લીગના ચેરમેન સી.બી પટેલે પીટીઆઈના પત્રકારને જણાવ્યું હતું કે,‘અમે છેક ૧૯૯૯માં વ્યાપક અભિયાન ચલાવ્યું હતું જેના પગલે ૨૦૦૩માં ડાઈરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરાઈ હતી. પ્રવાસીઓના વિશાળ પ્રવાહને જોતાં પ્રારંભિક સપ્તાહની માત્ર એક ફ્લાઈટ હતી તે વધારી પાંચ ફ્લાઈટ કરવામાં આવી હતી, પરંતુ યુપીએ સરકારે અચાનક ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી.’
સીબી પટેલે થોડાં વર્ષ અગાઉ આ મુદ્દે ૨૦,૦૦૦થી વધુ સહીઓ સાથેની મજબૂત પીટિશન સુપરત કરી હતી અને હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ બાબતે સીધી જ રજૂઆત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે,‘અમારી વિનંતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સમક્ષ છે, મનોજ કુમારની ખાતરી પછી અમે ઘણા આશાવાદી છીએ. એર ઈન્ડિયા નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલ છે તેને જોતાં આ કદાચ તદ્દન યોગ્ય પ્રકારની ધંધાકીય તક છે. માગ ઘણી ઊંચી છે.’ ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈએ જણાવ્યું હતું કે,‘અમારી શ્રેણીબદ્ધ ઉપયોગી બેઠકો યોજાઈ છે અને ભારત-યુકે સંબંધોને આગળ વધારવા કેટલાંક વ્યવહારુ પગલા લેવાશે.’
યુકે મિનિસ્ટર ફોર કોર્ટ્સ એન્ડ લીગલ એઈડ, શૈલેષ વારાએ કહ્યું હતું કે,‘બ્રિટન અને ભારત સાથે મળીને સમૃદ્ધ બને તે માટે ભારતની વિકાસગાથામાં ભૂમિકા ભજવવા યુકેના ૧.૫ મિલિયન ડાયસ્પોરા તૈયાર છે.’
સાતથી નવ નવેમ્બર વચ્ચે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થવાની છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટની જાહેરાત કરે તેવી શક્યતા છે. એર ટ્રાવેલ બિઝનેસના નિષ્ણાતો ઉપરાંત ગુજરાત એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ (ગાટો) અને ગુજરાતી સમાજ પણ લંડનથી ગુજરાત માટે સીધી ફ્લાઇટની હિમાયત કરી રહ્યાં છે.

યુકે-ગુજરાત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ માટે દબાણની ખાતરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.