સંગીતશાસ્ત્રી રમણલાલ સી. મહેતાનું વડોદરામાં નિધન
સુરતના વતની અને વિખ્યાત મ્યુઝિકોલોજિસ્ટ પ્રિન્સિપાલ ડો. રમણલાલ સી. મહેતા (૯૭)નું ગત સપ્તાહે જૈફ વયે વડોદરામાં અવસાન થયું છે. સુરતમાં સોની ફળિયા માળવીની વાડીના રહીશ અને પછી પોતાના સંગીત સાનિધ્યમાં ભારત પ્રસિદ્ધ બનેલા અને આર.સી.ના ટૂંકા નામે જાણીતા થયેલા આ પ્રખર સંગીતશાસ્ત્રીને રાષ્ટ્રનો પદ્મભૂષણ સન્માન ખિતાબ ગયા વર્ષે પ્રાપ્ત થયો હતો.
• દિવાળી ટાણે વરસાદઃ દિવાળીના સમયે દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. ડાંગના વઘઇમાં વાવાઝોડા સાથે એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. વાવાઝોડાના પગલે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે ફટાકડાના સ્ટોલ ધારકોમાં ભાગદોડ મચી ગઇ હતી. કમોસમી વરસાદને કારણે અનેક સ્ટોલ ધારકોને નુકસાન થયું હતું.
• સૈયદના સાહેબ સુરતમાંઃ દાઉદી વોહરા સમાજના ૫૩મા દાઉઝ ઝમાન આલીકદર સૈયદના મુફદુલ સૈફુદીન સાહેબ વાએજ માટે સૌપ્રથમવાર ગત સપ્તાહે સુરત આવ્યા હતા. તેમણે નાનપુરા ડચ ગાર્ડનની બાજુમાં ઝૈની બંગલામાં હાજરી આપી હતી.
