સુષ્મા સ્વરાજે બ્રિટિશ ઈન્ડિયન ડાયસ્પોરાનું દિલ જીતી લીધું
લંડનઃ સાંસદો, ઉમરાવો, બિઝનેસમેન અને કોમ્યુનિટી નેતાઓ સાથે ભારતીય ડાયસ્પોરાના સેંકડો લોકોની ઉપસ્થિતિમાં ક્વીન એલિઝાબેથ સેન્ટરમાં શુક્રવાર, ૧૭ ઓક્ટોબરે રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસનો શુભારંભ થયો હતો. બ્રિટિશ ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડ, ભારતના વિદેશ અને ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલય (MOIA)ના પ્રધાન સુષ્મા સ્વરાજ, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈ અને MOIAના સેક્રેટરી પ્રેમ નારાયણ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે સમારંભનો આરંભ થયો હતો.
ભારતના વિદેશ પ્રધાન શ્રીમતી સુષ્મા સ્વરાજે ઓડિયન્સને સંબોધતાં કહ્યું હતું કે, આ ખંડમાં પોતાના પસંદગીના ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા બ્રિટિશ ઈન્ડિયન્સની હાજરીથી હું આનંદિત છું.
ભારતીયો શ્રેષ્ઠતા દર્શાવી ન હોય તેવો એક પણ વ્યવસાય નથી. તમે આ દેશ માટે ગૌરવ લાવ્યા છો એટલું જ નહીં, તમારા વતન ભારતને પણ તમે ગૌરવાન્વિત કર્યું છે. અમે તમને યુકે સાથેની અમારી ભાગીદારીના મજબૂત સ્તંભ તરીકે માનીએ છીએ. મારાં અહીંના રોકાણમાં મેં બ્રિટિશ ભારતીયોની સફળતાની ગાથાઓ સાંભળી છે. હું પ્રભાવિત થઈને ભારત જઈશ. ભારતીય ડાયસ્પોરા સાથે ભારતની સક્રિય કામગીરી ઉજ્જવળ ભવિષ્ય લાવશે. તેની ખાતરી છે.
બ્રિટિશ ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડે ભારતની નવી સરકાર દ્વારા આ પ્રથમ રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસના યજમાન રાષ્ટ્ર તરીકે યુકેની પસંદગી કરાયાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
