સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રૂ. છ હજાર કરોડનું રોકાણ આવશે
ગાંધીનગરઃ કેવડિયા ખાતે નર્મદા નદીમાં આકાર લેનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે રાજ્ય સરકારે કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સોમવારે અહીં એલ એન્ડ ટીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ એસ. એન. સુબ્રમણ્યમને ચાર વર્ષમાં રૂ. ૨૯૮૯ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વર્ક ઓર્ડર આપ્યો હતો. આનંદીબહેને આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને કારણે ભવિષ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ટુરિઝમ ડેવલપમેન્ટ, ટ્રાઈબલ ડેવલપમેન્ટ તેમ જ રોજગારલક્ષી એકમોને કારણે રૂ. ૬ હજાર કરોડનું રોકાણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી યાને ૧૮૨ મીટરની ઊંચાઈવાળી વિશ્વમાં સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના નિર્માણમાં ૫૭૦૦ મેટ્રિક ટન હાઈગ્રેડ સ્ટ્રક્ચરલ સ્ટીલ, ૧૮૫૦૦ મેટ્રિક ટન રિઈન્ફોર્સમેન્ટ બાર, ૮ મિલીમીટર જાડાઈનું ૧૯૦૦ મેટ્રીક ટન કાંસુ તેમ જ ૭૫ હજાર ઘનમીટર ક્રોકિંટ વપરાશે.
લોકસભાની ચૂંટણી સમયે ગુજરાત સરકાર દ્વારા દરેક રાજ્યમાં પ્રતિનિધિ મંડળો મોકલીને ૧ લાખ ૪૪ હજાર કરતાં વધુ કિલોગ્રામ લોખંડ ટુકડારૂપે એકત્ર થયું છે. આ લોખંડ પ્રોજેક્ટ ફરતે ફેન્સિંગ કરવામાં તથા બેરિકેડ્સ ઊભા કરાશે.
