ISIS સામે યુદ્ધની કેમરનની હાકલઃ યુકે ઈરાકમાં હવાઈ હુમલામાં જોડાશે
લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને યુએન સિક્યુરિટી કાઉન્સિલને સંબોધતા ISIS સામે યુદ્ધ લડવા માટે શસ્ત્રસજ્જ થવાની હાકલ કરી છે. કેમરને જણાવ્યું હતું કે મનોવિકૃત ત્રાસવાદીઓની ગંભીર ધમકીને બ્રિટન નજરઅંદાજ કરી શકે નહીં. આ ત્રાસવાદીઓ બ્રિટન માટે પણ જોખમરૂપ છે. કેમરનની હાકલને સંસદનું પણ સમર્થન સાંપડ્યું છે. હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટિશ સાંસદોએ ૫૨૪ વિરુદ્ધ ૪૩ મતથી ઈરાકમાં લશ્કરી કાર્યવાહી કરવાની તરફેણમાં મત આપ્યો છે. હવે બ્રિટન ઈરાકમાં ISISના ત્રાસવાદીઓ સામે હવાઈ હુમલામાં સામેલ થશે. કેમરને ઈરાકમાં હુમલાની મંજૂરી મેળવવા પાર્લામેન્ટની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.
કોમન્સની ચર્ચામાં કેમરને ચેતવણી ઉચ્ચારી હતી કે આ મિશન મહિનાઓ નહિ, પરંતુ વર્ષો સુધી ચાલશે. લેબર પાર્ટીના ૨૪ સહિત કુલ ૪૩ સાંસદોએ ઈરાકમાં લશ્કરી કાર્યવાહી વિરુદ્ધ મત આપ્યો હતો. જોકે, કોમન્સના ઠરાવમાં મતદાન વિના પડોશી સીરિયામાં લશ્કરી કાર્યવાહી નકારી દેવાઈ હતી. આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ પણ ઈરાકમાં લશ્કરી કાર્યવાહીને સમર્થન આપ્યું છે.
બ્રિટિશ સાંસદોએ લશ્કરી હસ્તક્ષેપ માટે છ કલાકની લાંબી ચર્ચાના અંતે ૫૨૪ વિરુદ્ધ ૪૩ મતથી ઈરાકમાં લશ્કરી કાર્યવાહીને સમર્થન આપ્યું હતું. જોકે, પડોશી સીરિયામાં લશ્કરી કાર્યવાહી આગળ વધારવા અંગે સાંસદો વિભાજિત રહ્યાં હતાં. લેબર નેતા એડ મિલિબેન્ડે આગ્રહ રાખ્યો હતો કે આ માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલ ઠરાવ કરે તે જરૂરી છે. જોકે આવા કોઈ પણ ઠરાવને ચીન અને રશિયા વીટો કરશે તે નિશ્ચિત છે. હવે યુએસ, ફ્રાન્સ અને આરબ દેશોના યુદ્ધવિમાનો સાથે રોયલ એર ફોર્સના છ ટોર્નેડો યુદ્ધવિમાન પણ સામેલ થશે.
દરમિયાન, યુનાઈટેડ નેશન્સમાં પણ જેહાદના ઉદ્દેશથી થતા વિદેશ પ્રવાસને ક્રિમિનલ અપરાધ બનાવવા રાષ્ટ્રોને હાકલ કરતો ઠરાવ પસાર કરાયો છે. ન્યૂ યોર્કમાં યુએન જનરલ એસેમ્બલીમાં સંબોધન કરતા કેમરને બ્રિટિશ સાંસદોને સંદેશો પાઠવ્યો હતો કે, શિરચ્છેદ, આંખના ડોળાં કાઢી નાખવા, બળાત્કારો સહિતની ક્રુરતા ભયાનક છે. આ દેખીતી રીતે જ મધ્યયુગનું પ્રમાણ છે. બ્રિટન પોતાની ભૂમિકા ભજવે તે આવશ્યક છે.
