મોદી માટે ૧૦૦ કિલોમીટર દંડવત્ સાથે માનતા પૂર્ણ કરી

ભૂજઃ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તો ભૂજથી માતાના મઢ સુધીનું ૧૦૦ કિલોમીટરનું અંતર દંડવત્ પ્રણામ કરતાં કરતાં પૂરું કરવાની માનતા રાખનારા ચાહકે ગત સપ્તાહે આ યાત્રા પૂર્ણ કરી હતી. માતાના મઢના સંચાલકોએ આ ભક્તને સન્માનરૂપે પંચધાતુનો કળશ ભેટ આપીને તેની શ્રદ્ધાને બિરદાવી હતી.
૧૦૦ કિલોમીટર સુધી સતત દંડવત્ પ્રણામ કરતા જવાનું કામ કપરું છે, પણ નરેન્દ્ર મોદી માટે માનતા લેનારા જયંતીભાઇ પ્રજાપતિએ શરીરે તાવ હોવા છતાં પણ આ માનતા પૂર્ણ કરી હતી. જયંતીભાઇએ ૩૧ ઓગસ્ટે ભૂજથી આ અનોખી યાત્રા શરૂ કરી હતી.
આ દરમિયાન તેમને ચાર દિવસ મલેરિયા પણ થયો હતો અને ડોક્ટરે આ યાત્રા અટકાવી દેવાનું પણ કહ્યું હતું. જોકે નરેન્દ્ર મોદી અને માતાજી પ્રત્યેની આસ્થાને કારણે તેમણે આ યાત્રા અટકાવી નહોતી અને યાત્રા ચાલુ જ રાખી હતી. છેવટે વિઘ્નો સહન કરીને પણ માનતા પૂરી કરી હતી.
