અંજેમ ચૌધરીને ધાર્મિક પ્રવચન આપવા છૂટ
લંડનઃ બ્રિટનના સૌથી કુખ્યાત અને કટ્ટરવાદી ધર્મ ઉપદેશકોમાંના એક અંજેમ ચૌધરીને બ્રિટનની શેરીઓમાં ઈસ્લામના ઉપદેશો આપવાની કોર્ટે પરવાનગી છે.
કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે જામીનની શરતોમાં મુસ્લિમ કટ્ટરવાદી ઉપદેશકના ‘ધાર્મિક સ્વાતંત્ર્ય’નો સમાવેશ થવો જોઈએ. ચીફ મેજિસ્ટ્રેટ અને સીનિયર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોવાર્ડ રિડલે ચૌધરીને ધાર્મિક સ્વાતંત્ર્ય મળવું જોઈએ તેવો ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઈસ્લામના ઉપદેશો તેમ જ ધાર્મિક સામગ્રીની આપ-લે કરતા સ્ટોલ્સમાં ભાગ લેવાના નિયંત્રણો ૧૮ ડિસેમ્બરે દૂર થશે. જજે કહ્યું હતું કે શકિલ ચાપરા, અંજેમ ચૌધરી અને તેનો ભાઈ યઝાન્ડી, સિદ્ધાર્થ ધર (મૂળ હિન્દુ), અબ્દુલ મુહિદ, મોહમ્મદ રહેમાન, મોહમ્મદ શમ્સુદ્દીન અને એન્થની સ્મોલ ૨૭ જાન્યુઆરી સુધી જામીન પર રહેશે. ચૌધરી સહિતની સાત વ્યક્તિઓની ત્રાસવાદના આરોપસર સપ્ટેમ્બરમાં ધરપકડ કરાઇ હતી.
ચ્યૂઈંગ ગમની સફાઈમાં ભારે ખર્ચ
લંડનઃ માનસિક તણાવ દૂર કરવા અથવા આદતવશ લોકો ચ્યૂઈંગ ગમ ખાતાં હોય છે, પરંતુ આ ચ્યૂઈંગ ગમ વહીવટી તંત્ર માટે નવી ઉપાધિ ઉભી કરી રહી છે. લોકો ચ્યૂઈંગ ગમ ખાઈને રસ્તામાં ગમે ત્યાં થૂંકતા રહે છે અને આ રીતે માર્ગો પર ફેંકાયેલી ટનબંધ ચ્યૂઈંગ ગમને દૂર કરવા સ્થાનિક સત્તાવાળાઓને વર્ષે ૬૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે. ચ્યૂઈંગ ગમ ખરીદવામાં સરેરાશ ત્રણ પેન્સનો ખર્ચ થાય છે, પરંતુ તેની સફાઈ પાછળ ૧.૫૦ પાઉન્ડનો ખર્ચ આવે છે. ચ્યૂઈંગ ગમ ઉત્પાદક કંપનીઓએ આ કચરાને દૂર કરવામાં મદદ કરવી જોઈએ તેમ સ્થાનિક સત્તાવાળા કહી રહ્યા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની આશરે ૪૦૦ કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરતા લોકલ ગવર્ન્મેન્ટ એસોસિયેશને ચીકણી ચ્યૂઈંગ ગમને ‘દેશના રાહદારી માર્ગો પર પ્લેગ સમાન’ ગણાવી છે.
