કચ્છના ઘડુલી-સાંતલપુર માર્ગને મંજૂરીઃ
કચ્છમાં વર્ષોથી અટવાયેલા મહત્ત્વાકાંક્ષી ઘડુલી-સાંતલપુર ધોરીમાર્ગના પ્રોજેક્ટને કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયની વન્યજીવન સમિતિ દ્વારા મંજૂરી મળી ગઈ છે. લખપત તાલુકાના ઘડુલીથી બનાસકાંઠાના સાંતલપુરને જોડતા ૨૫૫ કિલોમીટર લાંબા સૂચિત માર્ગમાં હાજીપીર, ખાવડા અને હડપ્પન વસાહત ધોળાવીરાને આવરી લેવાશે. ઓગસ્ટમાં આ રાજ્ય ધોરીમાર્ગને કેન્દ્રની બહાલી મળ્યા બાદ આ હાઇવેમાં ૪૦ કિલોમીટર જેવો ભાગ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં આવતો હોવાથી પર્યાવરણવાદીઓના વાંધાને લઈને સુપ્રીમ કોર્ટે એ જ મહિને રોક લગાવી હતી. ગયા સપ્તાહે સુપ્રીમે રોક ઉઠાવ્યા બાદ પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરની અધ્યક્ષતા હેઠળની વન્યજીવ અંગેની ઉચ્ચ સમિતિએ ઘડુલી-સાંતલપુર હાઇવેને મંજૂરી આપી હોવાનું સૂત્રો જણાવે છે.
મારૂતિનો બહુચરાજીસ્થિત પ્લાન્ટ ૨૦૧૭માં શરૂ થશેઃ મારુતિ સુઝુકી ઇન્ડિયા લી.ના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર રણધીરસિંહ કલસીએ જણાવ્યું હતું કે, મારૂતિ કંપનીનો બહુચરાજી પ્લાન્ટ વર્ષ ૨૦૧૭માં શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતનો ઓટો ઉદ્યોગ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ સરકાર દ્વારા નવા પ્રોજેક્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેથી આગળ જતા ઓટો ઉદ્યોગની માગમાં વધારો થશે.
