કાગધામમાં મોરારિબાપુની રામકથાઃ

મહુવાઃ ચિત્રકુટ ધામમાં ૨૫ નવેમ્બરે પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ચારણ સમાજ, કાઠી સમાજનાં આગેવાનોની મિટિંગ યોજાઇ હતી. જેમાં બાપુએ આવતા વર્ષે ૨૧ ફેબ્રુઆરીથી પહેલી માર્ચ દરમિયાન ‘કાગધામ’ મજાદર ખાતે ભક્ત-કવિ પદ્મશ્રી દુલા ભાયા કાગબાપુની સ્મૃતિમાં રામકથા યોજવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ચારણ સમાજનાં આગેવાનોની સમક્ષ પોતાના મનની વાત રાખતાં બાપુએ કહ્યું હતું કે, ‘સાહિત્યમાં સૌ પરસ્પર બાખડતાં હોય છે જ્યારે ચારણ સમાજ પાસે વિદ્યા છે જે સૌને ભેગા કરે છે.’ બાપુએ કહ્યું હતું કે ચીમનભાઈ વાઘેલા પરિવાર આ કથાનાં યજમાન રહેશે, તેથી ચારણ સમાજે એક રૂપિયો પણ આપવાનો નથી.

