કેજરીવાલનું ફંડરેઇઝીંગ ડિનરઃ રૂ. ૯૧ લાખ ભેગા કર્યા
મુંબઇઃ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે તેમણે યુવા પ્રોફેશનલ, હીરા વેપારીઓ અને બેન્કરો માટે પ્રતિ ડિશ રૂ. ૨૦ હજાર લેખે એક ડિનર પાર્ટીનું મુંબઇમાં આયોજન કર્યું હતું.
પક્ષના નેતા પ્રીતિ શર્મા મેનનના જણાવ્યા પ્રમાણે, ‘અમે ભંડોળ એકત્ર કરવા માટે યોજેલા ડિનર કાર્યક્રમમાંથી રૂ. ૯૧ લાખ એકત્ર કર્યા હતા, જેમાંથી રૂ. ૩૬ લાખ ડોનર પાસ દ્વારા અને રૂ. ૩૬ લાખ ત્યાં આવેલા લોકો દ્વારા ચેક સ્વરૂપે અપાયેલા દાનથી એકત્ર કરાયા હતા. અમારા સ્વયંસેવકોએ રૂ. ૨૧ લાખ એકત્ર કર્યા હતા.’ મહારાષ્ટ્રમાં ‘આપ’નું લક્ષ્ય આગામી બે મહિનામાં રૂ. પાંચ કરોડનું ભંડોળ એકત્ર કરવાનું છે.
