જીવન પંથ ખૂટે ના મારો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે જે કથા હું માંડી રહ્યો છું તે સંભવ છે કે અમુક અંશે જીવન ઝરમરમાં ડોકિયું હોય શકે અથવા બીજા શબ્દોમાં કહું તો છેલ્લા ૬૪-૬૫ વર્ષનો ચિતાર હું મારી સમજ પ્રમાણે રજૂ કરી રહ્યો છું. તાજેતરમાં એક મિત્ર પાસેથી ફરી એ જ પ્રશ્ન સાંભળ્યો, જે એક યા બીજા સમયે સુજ્ઞ વાચકો એક કરતાં વધુ વખત મને પૂછી ચૂક્યા છેઃ સી.બી., તમારી  કોલમનું શિર્ષક ‘જીવંત પંથ’ કેમ? વાચક મિત્રોને અત્યાર સુધી જે જવાબ છૂટોછવાયો આપ્યો છે, તે જ જવાબ આ મિત્રને પણ આપ્યો. પ્રશ્ન પૂછનાર વ્યક્તિ બદલાય એટલે કંઇ જવાબ તો ન બદલી નંખાયને?! પણ પ્રશ્નનો જવાબ આપવા મારે તમને લાં...બા ફ્લેશબેકમાં લઇ જવા પડશે.

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે જે કથા હું માંડી રહ્યો છું તે સંભવ છે કે અમુક અંશે જીવન ઝરમરમાં ડોકિયું હોય શકે અથવા બીજા શબ્દોમાં કહું તો છેલ્લા ૬૪-૬૫ વર્ષનો ચિતાર હું મારી સમજ પ્રમાણે રજૂ કરી રહ્યો છું. તાજેતરમાં એક મિત્ર પાસેથી ફરી એ જ પ્રશ્ન સાંભળ્યો, જે એક યા બીજા સમયે સુજ્ઞ વાચકો એક કરતાં વધુ વખત મને પૂછી ચૂક્યા છેઃ સી.બી., તમારી કોલમનું શિર્ષક ‘જીવંત પંથ’ કેમ? વાચક મિત્રોને અત્યાર સુધી જે જવાબ છૂટોછવાયો આપ્યો છે, તે જ જવાબ આ મિત્રને પણ આપ્યો. પ્રશ્ન પૂછનાર વ્યક્તિ બદલાય એટલે કંઇ જવાબ તો ન બદલી નંખાયને?! પણ પ્રશ્નનો જવાબ આપવા મારે તમને લાં...બા ફ્લેશબેકમાં લઇ જવા પડશે.
ફેબ્રુઆરી ૧૯૬૦માં મારા લગ્ન થયા. વડોદરાના શિયાપુરા-રાવપુરામાં સ્કૂલની પાછળ આવેલા નવીન નિકેતન નામના એક મકાનમાં અમે રહેતા હતા. તે મકાનમાં નાના-મોટા ૯ કુટુંબો મળીને કુલ ૩૯ માણસોનો અમારો માળો હતો. મિત્રો, આટલા બધા વચ્ચે એક જ ટોઇલેટ, અને તે પણ બહાર. સમજી ગયાને? સવારના પહોરમાં લાઇન તો લાગે જ, અને આજુબાજુ વાળા પણ ઘૂસ મારે.
ભોંયતળિયે એક રૂમ અને નાના રસોડાનો અમારો બ્લોક. માતા-પિતા, બે ભાઇ અને એક બહેન. અમારા છના પરિવારમાં એક નવી વ્યક્તિનું કાયમી ધોરણે આગમન થયું. એક દિવસ તેણે કાયાવરોહણ (કારવણ) વાળા સ્વામીશ્રી કૃપાલાનંદજીનું ભજન પોતાના કસાયેલા કંઠે રમતું મૂક્યુંઃ ‘જીવન પંથ ખૂટે ના..... મારો...’ (શક્ય હશે તો આગામી અંકોમાં આ ભજન આખું રજૂ કરીશ.)
આ અરસામાં અમારો અગાઉનો ખૂબ સાધનસંપન્ન પરિવાર ભારે સંઘર્ષનો સામનો કરી રહ્યો હતો - આર્થિક, સામાજિક, પારિવારિક... સપનાં તો ઘણાં સેવ્યા હતા, પણ નિકટના ભવિષ્યમાં સાકાર થવાનું લગભગ અશક્ય જણાતું હતું. આ માહોલમાં મારા સાંસારિક જીવનની શરૂઆત થઇ હતી, પરંતુ તે જ સમયે મેં નક્કી કર્યું હતું કે આ માત્ર જીવનપંથ નથી, તેને જીવંત પંથનો અવસર લેખીએ તો?
જીવંત... Lively (સદાબહાર) આજે આ કોલમ થકી ‘જીવંત પંથ’નો અર્થ મારી દૃષ્ટિએ શું થાય છે તે સાદર કરું છું.
માર્ચ ૧૯૫૯, મારા માટે એક અર્થમાં અતિશય સંતાપભર્યો ગાળો હતો. B.Sc.ની ફાઇનલ પરીક્ષા આપવાની હતી, તે આપી. બેંગલોરમાં ઇંડિયન આર્મી ઓફિસર તરીકે સ્ટાફ સિલેક્શન બોર્ડમાં ઇન્ટરવ્યુ માટે જવાનું થયું. મારી એનસીસીની જ્વલંત કારકિર્દી જોતાં મારું સિલેક્શન લગભગ ચોક્કસ હોવાનું હું અને મારા અફસર માનતા હતા. બેંગલોરના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડના લશ્કરી મથકમાં એક સપ્તાહના પરીક્ષણ પછી બંદાને નિષ્ફળ જાહેર કરાયા. હું સાચે જ ડઘાઇ ગયો હતો. સાંજે બેરેકમાં કમરાની બહાર ઉદાસ ચહેરે ઉભો ઉભો સંતાપ કરતો હતો. ત્યાં જનરલ લાંબુ નામના ગુરખા પલટનના વડા તેમની જીપમાંથી પસાર થઇ રહ્યા. મને ઉદાસ ચહેરે ઉભેલો જોયો અને જીપ ઉભી રાખી. મને પાસે બોલાવ્યો. મારી આંખમાં આંસુ જોઇને તેમનું ફૌજી ખૂન ઉકળી ઉઠ્યું. બે-ચાર સ્વસ્તી વચન સંભળાવ્યા અને ફરમાન કર્યુંઃ ‘ચાલ પિક્ચર જોવા, જીપમાં બેસી જા...’ અને મારાથી જનરલ લાંબુના આદેશનો અનાદર ન થઇ શક્યો.
બેંગલોરના અદ્યતન થિયેટરમાં ‘લાઇમ લાઇટ’ નામની એક અંગ્રેજી ફિલ્મ જોઇ. ચોક્કસ તો યાદ નથી, પણ મોટા ભાગે ચાર્લી ચેપ્લિનની ફિલ્મ હતી. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ હોય એટલે તો પછી પૂછવું જ શું? રડી રડીને આંખ સૂઝી ગઇ હોય ત્યારે હસવાનું બહુ લાભદાયી પુરવાર થાય છે એવું તે ઘડીએ સમજાયું.
ખેર, વડોદરા પાછો આવ્યો. હવે મુંબઇ આઇપીએસની પરીક્ષા આપવા જવાનું નક્કી કર્યું હતું. વડોદરાથી ટ્રેનમાં મુંબઇ જવા નીકળ્યો. જોકે રસ્તામાં આવતી નર્મદામાં પૂર આવ્યું હોવાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. બંદાની ગાડી ઉથલી તો ન પડી, પણ ત્યાં અટકી પડી જરૂર. ટ્રેન પાછી વડોદરા વળી. ફરી એક વધુ ચાન્સ ગુમાવ્યાનો મનમાં રંજ અવશ્ય થયો, પણ હામ હાર્યા વગર ઉજળા ભવિષ્ય માટે નવા વિકલ્પો શોધવા માંડ્યા.
આ દરમિયાન ઘરસંસાર માંડ્યો. પૂર્વ આફ્રિકા જવાની તક સાંપડી. આ વાત છે મે - ૧૯૬૦ની. પહેલી મેના રોજ ગુજરાત રાજ્યનો જન્મ થયો. અમદાવાદના હરિજન આશ્રમમાં યોજાયેલા એકદમ સાદગીભર્યા સમારંભમાં ઋષિતુલ્ય રવિશંકર મહારાજના પ્રેરણાદાયી આશીર્વચન સાથે રાજ્યની સ્થાપના થઇ. આ રવિશંકર મહારાજ મારા મલકના માયાળુ માનવી. ખેડા જિલ્લાના ભાદરણ પંથકના મહી કાંઠાના ગામડાંઓમાં રોજના ૪૦-૪૦ માઇલ ભટકીને સેંકડો-હજારો લોકોના જીવન સુધાર્યા હતા. એક જમાનામાં બહુ વગાવાયેલી પાટણવાડિયા અને તેના જેવી કોમના લોકો વચ્ચે ફર્યા. તેમને વ્યસનમુક્ત બનાવીને સમાજમાં ઉન્નત મસ્તકે ફરતાં કરવામાં રવિશંકર મહારાજે આપેલા અનુદાનનો ખરેખર જોટો નથી. બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાત અલગ તો થયું હતું, પણ મારું કંઇ ઉપજે તેવું લાગતું નહોતું. આથી પહોંચી ગયો પૂર્વ આફ્રિકા.
વાચક મિત્રો, તે વેળા અને અત્યારે કેટલાક દેશોની આર્થિક અને વિકાસપંથના અન્ય પરિબળોના ઉપલક્ષ્યમાં શું સ્થિતિ પ્રવર્તતી તે વિશે પણ થોડીક વાત કરી લઇએ. જૂઓને આજે, સોમવારે સવારે જ ભારતમાં વિરોધ પક્ષ કોંગ્રેસે મોદી સરકારના છ મહિનાની કામગીરીના લેખાંજોખાં રજૂ કર્યા છે. ૬૦ વર્ષની તવારીખ જોતાં ‘કોંગ્રેસમુક્ત ભારત’ સૂત્ર સાથે નરેન્દ્ર મોદીએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું. અને જીતી ગયા. ૬૦ વર્ષ, ૬૦ મહિના કે છ મહિના (કે પછી ૧૮૦ દિવસ)... આ બધાને એક ત્રાજવે તો તોળી ન શકાયને? નેત્રવિહિન વ્યક્તિને ભલે કાકડી અને ગાજર કદ-આકારમાં સરખા જ લાગે, પણ જેઓ નરી આંખે જોઇ શકે છે તેઓ જાણે છે કે બન્નેનો આકાર ભલે સમાન હોય તેના ગુણધર્મોમાં આસમાન-જમીનનો ફરક છે.
ખેર, નરેન્દ્રભાઇ તેમની રીતે કોંગ્રેસના હિસાબનીશોને ચોપડા બતાવશે જ. કદાચ છ માસનો સમયગાળો ટૂંકો ગાળો હોય તો બાકીના ૧૬ મહિનામાં પરિવર્તન પ્રક્રિયા એવા તબક્કે અવશ્ય પહોંચી જ હશે કે જ્યારે નરેન્દ્ર મોદીનું કાર્ય કંઇક નક્કર પરિણામસર્જક બની રહ્યું હશે. આ કંઇ મારી જ ઇચ્છા કે મારું જ તારણ છે એવું નથી, પણ બ્રિટન, અમેરિકા જેવા દેશોના ટોચના નિષ્ણાતોનો અભિપ્રાય પણ છે. પરંતુ ભાઇઓ, અથવા તો બહેનો, જરા થોભજો... અંતે તો નીવડ્યે જ વખાણ. ખરુંને?
ભારત-ચીન
૧૯૬૦ના મે મહિનામાં ચીનની આર્થિક હાલત ભારત કરતાં ઘણી પછાત હતી. ત્યાં સરમુખત્યારશાહી હતી. (અને આજે પણ છે.) માઓ ત્સે તુંગ અને ચાઉ એન લાઇ - સર્વેસર્વા હતા. હિન્દી-ચીની ભાઇ-ભાઇના સૂત્રો પોકારી પોકારીને યુવાનોના ગળામાં સોસ પડતો હતો. પણ પંડિત જવાહરલાલ નેહરુ કે વી. કે. કૃષ્ણમેનન એ વાતે સાવ જ બેખબર હતા કે પંચશીલ સિદ્ધાંતોને વરેલું ચીન ભારત પર આક્રમણ કરવા નેફાની પે’લે પાર તિબેટમાં લશ્કરી જાળ બિછાવી રહ્યું છે. ચાલો, જરા ફાસ્ટ ફોરવર્ડ કરીએ.
ચીનની રફતાર
સામ્યવાદી સરકાર છતાં ૧૯૭૯માં ચીનની હાલત ભારતના પ્રમાણમાં ઘણી પછાત ગણી શકાય તેવી હતી. સમય વીતતાં અમેરિકા સાથે તેના સારા સંબંધોની શરૂઆત થઇ, અને ચીનની આર્થિક દશા બદલાઇ. જોતજોતામાં પશ્ચિમ જગતના રોજબરોજના જીવનમાં જરૂરી એવી બધી જ ચીજવસ્તુઓનું ઉત્પાદન ચીનમાં પગ કરી ગયું. કરોડો ચીનાઓને રોજગારી મળી. પરિણામ સ્વરૂપ આજે ચીન આર્થિક મોરચે ખૂબ તગડું જોવા મળે છે. જોકે બીજી તરફ એવું પણ માનવાને કારણ છે કે અર્થતંત્રમાં ઉન્નત ચીનમાં આજથી વીસેક વર્ષમાં આર્થિક અને સામાજિક સમસ્યા માથું ઉંચકશે જ. કોઇ પણ દેશ, કોઇ પણ સમાજને ક્યારેય શસ્ત્ર કે સત્તાના જોરે કાયમ માટે દબાવી શકાતો નથી. (હોંગકોંગ શું કહે છે?) અંતે તો દમનનો ફુગ્ગો ફુટતો જ હોય છે - ક્યારેક વહેલો તો ક્યારેક મોડો. તમે વિશ્વના રાજકીય ઇતિહાસ પર નજર ફેરવશો તો આવા એક નહીં, અનેક ઉદાહરણ જોવા મળશે.
આપણે ઇચ્છીએ કે ચીનમાં સરમુખત્યારશાહીમાંથી લોકશાહી શાસન પ્રણાલીમાં પરિવર્તન શાંતિપૂર્ણ રીતે શક્ય બને. અને આમાં કંઇ અશક્ય નથી. દક્ષિણ કોરિયામાં આવું બન્યું જ છે.
૧૯૫૪ના યુદ્ધ બાદ ઉત્તર કોરિયા સામ્યવાદી જ રહ્યું અને દક્ષિણ કોરિયા અમેરિકાના ખોળામાં જઇ બેઠું. એક બાજુ, સરકાર સરમુખત્યાર. બીજી બાજુ મુક્ત અર્થતંત્ર, મૂડીવાદી બજાર. ઘણાને નવાઇ લાગશે કે ૧૯૫૪માં દક્ષિણ કોરિયાના મુકાબલે ભારત માથાદીઠ આવક, રાષ્ટ્રીય ઉત્પાદન સહિતના અનેક આર્થિક પરિમાણોમાં વધુ સાધનસંપન્ન હતું. આજે તફાવત આસમાન-જમીનનો છે. દુનિયાના ટોપ-ટેન દેશોની યાદીમાં દક્ષિણ કોરિયાનું નામ મૂકાય છે. ત્યાં લોકશાહી શાસન પ્રણાલી છે. કેમ આવું થયું? દક્ષિણ કોરિયામાં વિકાસયાત્રાના જે વિવિધ વિકલ્પો હતા - ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિકાસ વગેરે ક્ષેત્રોમાં શાસકોએ બુદ્ધિપૂર્વક આયોજન કર્યું. અને હા, સરકાર ઉદ્યોગો ચલાવતી નથી. અંતે તો ઉદ્યોગોનો વિકાસ પ્રજા હસ્તક જ વધારે સફળ નીવડતો હોય છે.
ભારતમાં અત્યારે જે પ્રકારે મોદી સરકાર ઘરઆંગણે વિકાસની આકૃતિ દોરી રહી છે તે અત્યંત આવશ્યક અને સમયોચિત્ત હોવાનું ગણી શકાય. આપણે રશિયા, ચીન કે જાપાન કે રશિયાની તુલના બાજુએ રાખીએ, પણ ૫૦ વર્ષ પૂર્વે રચાયેલ એક જ ટાપુનો દેશ - વન આઇલેન્ડ નેશન સિંગાપોર તે વેળા ક્યાં હતું અને આજે ક્યાં છે તેની વાત કરીએ.
૧૯૬૦ના અરસામાં મલાયા, સિંગાપોર, સારાવાક તે બધાનું ફેડરેશન બન્યું મલેશિયા. તે વેળા મલેશિયામાં ચીની વિરુદ્ધ જુવાળ પ્રવર્તતો હતો. બીજી તરફ, સિંગાપોરમાં ચીનાઓની વસ્તી લગભગ ૮૦ ટકા હતી અને સિંગાપોર વેપારી મથક પણ હતું. ફેડરેશન સરકારમાં અનેકવિધ મુદ્દે વાદવિવાદ હતા. તે સમયે લિ ક્વાન યુ નામના યુવાન બેરિસ્ટર ચૂંટાયેલા વડા પ્રધાન હતા. આ સમયે સિંગાપોર આર્થિક ક્ષેત્રે અત્યારના પ્રમાણમાં ઘણું પાછળ હતું, જેની અત્યારે તો સરખામણી પણ ન થઇ શકે. આજે શું છે? સિંગાપોર ફેડરેશનમાંથી અલગ થયું. સિંગાપોરની ૪૦ લાખ પ્રજાનું શ્રેષ્ઠ જીવનધોરણ, આત્મવિશ્વાસ, સ્વચ્છતા, ભ્રષ્ટાચારમુક્ત શાસન પ્રણાલી... એક નાનો ટાપુ હોવા છતાં આપણને ઘણું શીખવી જાય છે. આ અર્થમાં ભારત જેવા બહુસાંસ્કૃતિક ઉપખંડને નૂતન માર્ગે દોરી જવાનું બચ્ચાના ખેલ તો નથી જને? અને તે પણ વળી લોકશાહી માર્ગે!
આમ છતાં ભારતીયોના બદલાયેલા મિજાજનું પ્રતિબિંબ છ માસ પૂર્વે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું. આજે ભારતીય યુવાધન પ્રગતિના પંથે આગેકૂચ કરવા થનગની રહ્યું છે. તેને પોતાની ક્ષમતાને શોભે તેવી ભૂમિકા ભજવવા માટે રંગમંચ જોઇએ છે. વિકાસનું માળખું જોઇએ છે.
વાચક મિત્રો, આપણી વાત ચાલુ જ છે, પણ અત્યારે અલ્પવિરામ. આવતા સપ્તાહે ફરી અહીંથી જ વાત આગળ ધપાવશું. (ક્રમશઃ)

‘જંતરમંતરના જાગીરદારોને’ સપ્રેમ
વહેમ, અંધશ્રદ્ધા અને જંતરમંતર કોણ જાણે કેટકેટલા માનવજીવનને ભરખી રહ્યા હોવા છતાં કેટલાક લોકો તેનો કેડો મૂકતા નથી. અરે, ઇંગ્લેન્ડની ટોચની ફૂટબોલ ટીમમાં પણ આ માનસિક બીમારીએ જડ ઘાલી છે. ઇંગ્લીશ ફૂટબોલ ટીમમાં ટોટનહામ હોટસ્પર એક મોટું નામ છે. તેમાં ઇમેન્યુઅલ અડેબ્યોર નામનો એક જોમદાર ફૂટબોલર પણ મોટી કિંમતે ભરતી કરવામાં આવ્યો. આ ખેલાડી અને તેના કુટુંબના સભ્યો વચ્ચે ઝઘડો થયો છે. ૨૦૧૪ના ડિસેમ્બરમાં માનવામાં ન આવે, એમ પરિવારના કેટલાક સભ્યોએ મેચ વખતે ઇમેન્યુઅલ બરાબર રમી ન શકે, તે નિષ્ફળ જાય તે માટે જાદુટોણાં કર્યા હોવાના અહેવાલ છે. વાત તો એવી પણ ઉડી છે કે દુશ્મન બની બેઠેલા પરિવારજનોએ ઇમેન્યુઅલ પર ડાકણનો શ્રાપ ઉતરે તે માટે વિધિ કરાવી છે. વાચક મિત્રો, મેં પણ સાંભળ્યું છે, અને તમે પણ સાંભળ્યું જ હશે, કે આપણે ત્યાં પણ દુશ્મન કે પ્રતિસ્પર્ધી સામે મૂઠ મારવી કે નજર બાંધવા જેવા જંતરમંતરના જાતભાતના તૂત કરવામાં આવે છે. ખેર, મૂળ વાત પર પાછો ફરું તો ટોટનહામ હોટસ્પર અને એવર્ટન વચ્ચે નિયત સમયે જ ફૂટબોલની મેચ રમાઇ. કોઇક કારણસર ઇમેન્યુઅલ મેચમાં ભાગ નહોતો લઇ શક્યો, છતાં ટોટનહામ હોટસ્પરે ૨-૧ ગોલથી મેચ જીતી લીધી હતી. જંતરમંતરના જાગીરદારોને મુબારક...

જીવન પંથ ખૂટે ના મારો......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.