ત્રાસવાદી તાલીમ છાવણીની દિનચર્યા

લંડનઃ સીરિયા સંબંધિત ગુનાઓ માટે સૌપ્રથમ સજા કરાયેલા બે બ્રિટિશ જેહાદી ભાઈ મોહોમ્મદ નવાઝ (૩૦) અને હમઝા નવાઝ (૨૩)ની પૂછપરછમાં ત્રાસવાદી તાલીમ છાવણીમાં દિનચર્યા જાણવા મળી હતી. ઈસ્ટ લંડનના સ્ટ્રેટફોર્ડના રહેવાસી આ ભાઈઓએ તેઓ સીરિયન તાલીમ છાવણીઓમાં હોવાની બડાશો હાંક્યા પછી તેમને જેહાદી તરીકે ઓળખી કઢાયા હતા. તેઓ ઓગસ્ટ ૨૫ અને સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૩ દરમિયાન સીરિયા ગયા હોવાની રજૂઆત ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ કરાઈ હતી. મોહોમ્મદ નવાઝને સાડા ચાર વર્ષ અને હમઝાને ત્રણ વર્ષ જેલની સજા થઈ છે.
કેલાઈસ ખાતે ડોવર ફેરીમાં બ્રિટનમાં પ્રવેશ કરવાના પ્રયાસ દરમિયાન તેમની ધરપકડ કરાઈ ત્યારે તેમની પાસેથી એકે૪૭ના પાંચ રાઉન્ડ મળી આવ્યા હતા, જે તેઓ મિત્રોને બતાવવા લાવ્યા હતા. તેમના મોબાઈલ ફોનમાં યુદ્ધના ગણવેશમાં ઉભેલા મોહોમ્મદ સહિત તાલીમ છાવણીના ફોટોગ્રાફ્સ પણ હતા. પોલીસને તેમની પાસેથી છાવણીમાં તાલીમાર્થીઓ માટે તાલીમ, ભોજન અને પ્રાર્થનાના સમય સાથે દિનચર્યાનું ટાઈમટેબલ પણ મળી આવ્યું હતું, જેમાં રાત્રે ૧૦ વાગ્યે લાઈટ બંધ કરી ફરજિયાત પથારીમાં સૂઈ જવાનું ફરમાન હતું.
પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે મોહોમ્મદ નવાઝને અગાઉ અપહરણના ગુના બદલ છ વર્ષની સજા થયેલી છે. ઉગ્રવાદી વિચારધારા ધરાવતા બન્ને ભાઈઓ માતાપિતા સાથે રહેતા હતા અને ગયા વર્ષે ૨૫ ઓગસ્ટે ગુમ થયા હતા. મોહોમ્મદે તેઓ સીરિયા જતા હોવાનો સંદેશો પણ મોકલ્યો હતો. જોકે, પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પુત્રો સગાંઓને મળવા સ્કોટલેન્ડ ગયા હતા. આ પછી લાપતા ભાઈઓ ચેરિટી કામમાં જોડાયા હોવાનું પણ તેમણે કહ્યું હતું. એક ભાઈ તો પોતાની ગર્લફેન્ડ તેની સાથે લગ્ન કરે તેવું દબાણ ઉભું કરવા જ સીરિયા ગયો હતો.
