નરેન્દ્ર મોદીનાં ભાષણ પ્રેરણાદાયીઃ જેક મા
નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. આ ઉપરાંત તેમણે ટેક્નોલોજી સાથે સંકળાયેલાં લોકોને મદદ કરવાની પણ તૈયારી બતાવી છે.
ઈ-કોમર્સ કંપની અલીબાબાએ આ વર્ષે જ દુનિયાનો સૌથી મોટો આઈપીઓ કરીને ૨૫ બિલિયન ડોલરનું ભંડોળ ભેગું કર્યું છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં જણાવ્યું કે, મેં તેમનાં ભાષણ સાંભળ્યાં છે, તેમાં ખૂબ જ ઉત્સાહ હોય છે, તેમનાં ભાષણો સતત પ્રેરણા આપતાં રહે છે. વર્તમાન સમયમાં બંને દેશો સાથે મળીને કામ કરે તો વ્યાપારી સંબંધો વધુ મજબૂત થશે અને ફાયદો પણ વધારે થશે.
