પેલાં એકાવન સંબોધનો

પેલાં એકાવન સંબોધનો

એકબીજાને હાય ડૂડ, હેય બેબ્સ અને વોટ્સ-એપ ડિયર કહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં એકબીજાને ‘બોસ’થી માંડીને ‘બિગડેલી મોટર’ના સંબોધનથી બોલવતાં હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

ગયા અઠવાડિયે આપણે આપણા ગુજરાતમાં એકબીજાને જે સંબોધનોથી બોલાવવામાં આવે છે તેનું લિસ્ટ અધૂરું રાખ્યું હતું. આ વખતે પૂરું કરીએ...

(૨૩) થી (૨૮) ‘નોબડી’ સંબોધનો

કમસે કમ સાત સંબોધનો એવાં છે કે જેમાં સામેની વ્યક્તિ ફેસલેસ એટલે ચહેરા વિનાની હોય તે રીતે કહી શકાય. ‘એક્સક્યુઝ મી, જરા જવા દોને?’ ‘હલો ઓ? હલો ઓ? તમને કહું છું!’ ‘એ છૂછૂ....છૂ!’, ‘ઓય! ઓય! આ પાવલી તારી છે?’ ‘અને એં...? એકસ્ટ્રા રકાબી લેતો આવજે!’ ‘ઓ ઓ! દેખાતું નથી?’, ‘અલ્યા! ધક્કા ન મારોને?’

(૨૯) માસ્તર

એક જમાનામાં જેને ‘માસ્ટર’ કહેવા પડે તેવા લોકોની ‘માસ્ટરી’ આજે બીજા લોકોના હાથમાં જતી રહી છે અને તેઓ ‘માસ્તર’ બનીને રહી ગયા છે. અત્યારની કરુણતા તો એ છે કે પ્રોફેસરોને ૪૦ હજાર અને શિક્ષકોને ૨૦ હજારનો પગાર મળતો હોવા છતાં જમાનો તેમને ‘માસ્તર’ ગણે છે! ખેર, જમાનાને પણ સમજાશે કે માસ્તરીમાં જ ખરી મજા છે.

(૩૦) ટોપા

સામાન્ય રીતે ‘ટોપી’ એ બીજાને આપવાની વસ્તુ છે. ઘણી વાર અજાણતાંમાં ‘ટોપી’ આવી જતી હોય છે. પરંતુ જે માણસને ‘ટોપો’ કહી શકાય તે ન તો આપવાને લાયક છે કે ન તો લેવાને લાયક છે. ‘ટોપા’નો અર્થ જ એ થાય કે ભાઈ બંધબેસતા નથી! જેમ પૈડાની ધરીમાં જગ્યા રહી જવાને કારણે વ્હીલ ‘ડગ’ કરતું હોય છે તેવું જ આ ટોપાઓનું હોય છે! એમનું બધું કામકાજ જરા ‘ડગ’ હોય છે!

(૩૧) મ. બુ.

મ. બુ. એટલે મંદબુદ્ધિ. મબુને તમે મોઢા પર મબુ કહો તો તેના મોઢા પર બેઠેલી માખ અપમાનિત થઈને ઊડી જશે, પણ મબુને જો કોઈ અસર ન થાય તો માનવું કે તે હન્ડ્રેડ પર્સન્ટ મબુ છે!

(૩૨) ટપોરી

ટપોરી આજકાલ બહુ ગ્રેટ ચીજ બની ગઈ છે. જ્યારેથી એક-બે ફિલ્મસ્ટારોએ ટપોરીના રોલ કર્યા ત્યારથી ટપોરીનું ટપોરીપણું ચાર ગણું વધી ગયું છે. આજકાલ ટપોરી-ગાયનો છે, ટપોરી-ડાન્સ, ટપોરી-સ્ટાઈલ છે અને ટપોરી-ફેશન પણ ચાલી રહી છે!

અસલમાં નાની-મોટી ગુંડાટોળકીમાં નવા-નવા સામેલ થયેલા છોકરાઓને ટપોરી કહેવામાં આવતા હતા (આજે પણ કહેવાય છે), પરંતુ આ ટપોરી બમ્બૈયા હોવાને કારણે તેનામાં વધારે પડતી સ્માર્ટનેસ અને શો-બાજી હતી. સમય જતાં આ બંને લક્ષણો ટપોરીના ટ્રેડમાર્ક બની ગયા છે! આ ટપોરીઓએ જે નવાં-નવાં સંબોધનો આપણી ભાષાને આપ્યાં છે તેને એક અમૂલ્ય પ્રદાન ગણવું રહ્યું.

(૩૩) ચીકને (૩૪) હીરો

મોર્ડન દેખાતા કોઈ પણ યુવાનને ‘હીરો’ કહેવાનો રિવાજ જૂનો છે. તેમાં જો હીરો ગોરો હોય તો તેને ‘અબે ચીકને’ પણ કહી શકાય, પરંતુ ‘ચીકને’ સંબોધનને ઉંમરનો બાધ નથી, નાનાં ગોરાં ટેણિયાંઓને પણ આ સંબોધન લાગુ પડે છે. બુઢ્ઢાઓ તો આ સંબોધનથી ખુશખુશાલ થઈ જશે, ટ્રાય કરી જોજો!

(૩૫) અંધેરે

આ ટપોરી સંબોધન છે. જેનો રંગ કાળો હોય તથા જેની આંખોમાં તકલીફ હોય તેને ‘અંધેરે’ કહીને બોલાવતા ટપોરીઓ, ગોરા લોકોને ‘અબે ઉજાલે’ એવું નથી કહેતા.

(૩૬) ઉજડે ચમન

માથા ઉપરની ખેતી વારંવાર નિષ્ફળ જતી હોય અને વેરાન બગીચામાં હોય તેવાં થોડાં થોડાં ઝાંખરાં હજી આમતેમ લટકી રહ્યાં હોય તેવા વાળવાળા ભાઈને આવું બિરુદ અપાય છે - ‘ઉજડે ચમન.’

(૩૭) ઢક્કન

અંગ્રેજીમાં ઠંડા પીણાની બોટલને ઢાંકણાને ‘ક્રાઉન’ કહેવામાં આવે છે. તો ‘ઢક્કન’ પણ એક જાતનો તાજ જ છે. ફરક ફક્ત એટલો જ છે કે બોટલ પરથી ઊખડી ગયા પછી ઢાંકણાની જેવી હાલત અને કિંમત (૧૦ ‘ઢક્કન’ના બદલામાં એક ચ્યુઈંગ-ગમ ફ્રી!) હોય તેવી હાલત અને કિંમતવાળી આઈટમ ‘ઢક્કન’ કહેવડાવવાને લાયક હોય છે.

(૩૮) ખજૂર

ઘણી વાર હાઈ-સોસાયટીના લોકો ટપોરી સંબોધનોને સમજ્યા વગર વાપર્યા કરતા હોય છે. જેમ કે, ‘ખજૂર’ કોને કહેવાય? જેનું મોં ચીકાશથી ભરપૂર હોય, ચહેરાની ડિઝાઈન ખજૂર જેવા ગોબાને મળતી આવતી હોય અથવા સુકાઈ ગયેલા ખજૂર જેવું જેનું ચોકઠું હોય તેને ખજૂર કહેવાય.

(૩૯) બાંગડુ

કોઈ વાર કુદરતી કસર રહી ગઈ હોય અને એકાદ હાથ ટૂંકો હોય, અથવા ભાઈ ચાલતી વખતે પોતાનો હાથ કાટખૂણે જ રાખતા હોય તો તેને બાંગડુ કહેવાય.

(૪૦) ચિરકૂટ

ચિરકૂટ એટલે પત્તામાં હોય છે તે ચોકટ. શક્કરપારા જેવા આકારને કારણે કદાચ એવું માનવામાં આવતું હશે કે આના ‘બેલેન્સ’નું કંઈ ઠેકાણું નહીં!

(૪૧) બેટરી

ખબર છે! બધાને ખબર છે! બેટરી એટલે ચશ્મીશ ચચ્ચુ! પણ બેટરી શબ્દ ક્યાંથી આવ્યો હશે? રાતના સમયે ચશ્માંધારીના ચહેરા પર બલ્બ ફિટ કર્યા હોય તેવું લાગતું હશે એટલે?

(૪૨) ખેંખલી

આ તો સારું છે કે રેલવે પ્લેટફોર્મ પર રાખેલાં વજન કરવાનાં મશીનો સાવ સરકારી નથી થઈ ગયાં. નહીંતર બિચારા ખેંખલી માણસો વજન કરાવવા ચડે તો મશીન છાપેલો જવાબ જ આપે - ‘જરા વજન મૂકવું પડશે!’

(૪૩) પકોડા

પકોડા અને જાડા લોકોને આમ જોવા જાઓ તો એવો કોઈ સંબંધ નથી કે તમે જાડિયાઓને ‘પકોડા’ કહી શકો. પરંતુ મૂળ વાત એવી છે કે ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’માં બાર-તેર વરસનો એક ગોળમટોળ મદ્રાસી બાબલો ‘અમ્મા! પકોડા! અમ્મા! પકોડા!’ એમ કહીને પકોડા ખાવાની જીદ કરતો હોય છે. આ નાનકડું કેરેકટર લોકોમાં એવું ક્લિક થયું કે ત્યારથી બધા જાડિયાઓ ‘પકોડા’ બની ગયા!

(૪૪) બલૂન / રોકેટ

મોટે ભાગે અબુધ ગામડિયાઓને દેશી બલૂન અથવા રોકેટ તરીકે ઓળખવામાં આવે છે. રોકેટ અને બલૂનમાં આમ જુઓ તો ઝાઝો ફરક નથી. બંને એક વાર છૂટે પછી રોકવાં મુશ્કેલ છે! તેમાંય, બલૂન જો એક વાર વાયરે ચડ્યું પછી ક્યાં જઈને અટકે તે કહેવું મુશ્કેલ હોય!

(૪૫) ઝન્નાટ

આ એક જાતનું રોકેટ જ છે. ફરક એટલો કે તે ભોંયચકરીની જેમ ગોળગોળ જ ફર્યા કરે છે. જ્યારે જુઓ ત્યારે તેના તણખા, ઝગારા, ધુમાડા અને ધડાકા ચાલુ જ હોય છે. એટલે જ્યારે કોઈ ઝન્નાટ માચીસની એક સળી પણ સળગાવતો હોય ત્યારે તેનાથી દસ ફૂટ દૂર જ રહેવું!

(૪૬) ઝેરી

‘આવો...ને ઝેરી?’ આવું જેને મોં પર કહેવાતું હોય તે સામાન્ય રીતે બાઘો જ હોય છે. પણ તેનાં વખાણ કરવામાં આ સંબોધન વપરાય છે! બાકી જેની ગેરહાજરીમાં આ શબ્દ વપરાતો હોય તે ડંખીલો હોવાનો સંભવ છે.

(૪૭) પાર્ટનર

હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓમાં આ સંબોધન બહુ પોપ્યુલર છે. રૂમ-પાર્ટનરને જ નહીં, આખી હોસ્ટેલને બધા છોકરાઓને પાર્ટનર કહી શકાય. ‘શું પાર્ટનર, કંઈ ધંધો-બંધો નથી?’

(૪૮) બાવા / બાબા

‘ક્યા બાવા? કૈસે હો?’ મૂળ બાબામાંથી બાવા થઈ ગયેલું આ સંબોધન હજીય નાદાન સ્થિતિમાં જ છે, સામેના માણસને બાવા બનાવી દેવાનો ઈરાદો હજી તેમાં પ્રવેશ્યો નથી.

(૪૯) બાશ્શા

બાશ્શાઓ! એકાવન કીધાં છે એટલે પૂરાં તો કરવાં જ પડશે ને? બાકી બાશ્શા ને રાજ્જા એકનું એક જ કહેવાય!

(૫૦) રંગરૂટ / સૈનિક

પટાવાળા માટે વપરાતો આ લેટેસ્ટ શબ્દ છે. ‘તારા સૈનિકને કહેને, બે અડધી લેતો આવે?’ આ સૈનિક જ્યારે નવો-નવો જોડાય ત્યારે તેને રંગરૂટ પણ કહેવામાં આવે છે. પરંતુ રંગરૂટનું સ્થાન સૈનિક કરતાં સહેજ ઊંચું છે, કારણ કે મોટી કંપનીઓમાં ટ્રેઈની તરીકે જોડાનાર જુવાનિયાઓને પણ ‘નયા રંગરૂટ’ કહીને બોલાવવામાં આવે છે.

(૫૧) ટેક્સ ફ્રી

આ તદ્દન લેટેસ્ટ સંબોધન છે, જે ભાઈ મનોરંજન આપી ન શકતા હોય, જેના ચહેરા પર ક્યારેય સ્મિત પણ ન ફરકતું હોય, જેને સાદામાં સાદી જોકમાં સમજ ન પડતી હોય અને જેના વડે ઓફિસના બીજા બધા લોકોને એક ટકાનુંય મનોરંજન ન મળતું હોય તેવા સાહેબને ‘ટેક્સ ફ્રી’ કહેવામાં આવે છે. મનોરંજન વેરો માફ!

કેટલાંક નવા સંબોધનો

જૂના જમાનાની પત્નીઓ પોતાના પતિને ‘કહું છું? સાંભળો છો?’ કહીને બોલાવ્યા કરતી હતી. પતિની ગેરહાજરીમાં પણ ‘અમારા એ...’ અને ‘તમારા ભાઈ...’ જેવા સંબોધનો વડે કામ ચલાવતી હતી. આજકાલની પત્નીઓ પતિને સીધું નામ દઈને જ બોલાવે છે.

અમને તો લાગે છે કે પત્નીઓએ પતિઓ માટે નવા સંબોધનો શોધી કાઢવાં જોઈએ. જેમ કે સીધેસીધું - ‘હસબન્ડ!’

‘એય હસબન્ડ! ઊઠ! સવારના સાડા નવ થયા!’ ‘પધારો હસબન્ડ! આજે ઓફિસેથી વહેલા આવી ગયા?’ ‘સાંજની ભાખરી વધી છે, અત્યારે નહીં બનાવું તો ચાલશેને હસ્બી?’

ઘણી પત્નીઓને પતિના પગારમાં જ રસ હોય છે. તેઓ પતિને ‘પગાર’ પણ કહી શકે છે - ‘અલી, સાંભળ્યું છે કે તારો પગાર તો બહુ કમાય છે?’

મોડા ઘરે આવતા પતિ માટે કહી શકાય - ‘લો, ઓવરટાઈમ આવી ગયો!’

અને સરકારી નોકરીમાં ‘ઉપરની કમાણી’ કરતા પતિ માટે પત્ની કહી શકે, ‘જુઓને બધી ઉપરવાળાની કૃપા છે!’

ઘણા પતિઓ પોતાની પત્નીને ‘હોમ મિનિસ્ટર’ કહેતા હોય છે. આવી પત્નીઓએ તેમના પતિને ‘નાણા પ્રધાન’ કહેવા માંડવું જોઈએ - ‘આજે પહેલી તારીખ છે તે યાદ છે ને નાણા પ્રધાન?’

એક જમાનામાં પતિ પરમેશ્વર કહેવાતો. આજની મોર્ડન સ્ત્રીઓએ આ જ શબ્દના સંદર્ભો બદલી નાખવાની જરૂર છે - ‘અલી, તારા પરમેશ્વરને કહેને કે મારા પરમેશ્વરને જરા સમજાવે? મને દિવાળી બોનસનું વરદાન જ નથી આપતો!’

લ્યો, ત્યારે એકાવન સંબોધન ઉપર અમે ૧૦ ફ્રી આપ્યાં! ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઈટ છે!

પેલાં એકાવન સંબોધનો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.