વર્ષા ગોહિલને ડાઈવોર્સની વધુ રકમ માટે સુપ્રીમ કોર્ટમાં જવા મંજૂરી

ભદ્રેશ ગોહિલ
લંડનઃ ત્રણ સંતાનના ૫૦ વર્ષીય માતા વર્ષા ગોહિલને તેમના પૂર્વ સોલિસિટર પતિ ભદ્રેશ ગોહિલ પાસેથી ડાઈવોર્સની વધુ રકમ સુપ્રીમ કોર્ટમાં માગવા માટેનો અધિકાર અપાયો છે. વર્ષા ગોહિલે ૨૦૦૪માં ભદ્રેશ સાથે વ્યભિચાર અને ગેરવર્તન બદલ ડાઈવોર્સ લીધાં ત્યારે તેમને ૨૭૦,૦૦૦ પાઉન્ડ અને પરિવારની પ્યૂજો કાર મળી હતી. છ વર્ષ પછી ૨૦૧૦માં નાઈજિરિયાના રાજકારણી જેમ્સ આઈબોરી દ્વારા ૫૦ મિલિયન પાઉન્ડની છેતરપિંડીમાં મની લોન્ડરિંગ ભૂમિકા બદલ ભદ્રેશ ગોહિલને ૧૦ વર્ષની જેલની સજા થઈ ત્યારે તેની સંપત્તિના સાચા આંકડાની જાણકારી પોતાને મળી હોવાની વર્ષા ગોહિલની દલીલ હતી. હવે સુપ્રીમ કોર્ટ આગામી જૂનમાં સુનાવણી પછી આવા જ અન્ય કેસની સાથોસાથ ચુકાદો આપશે.
આમ વર્ષા ગોહિલ દ્વારા લાંબા કાનૂની જંગમાં આ નવું પ્રકરણ આરંભાયું છે. જૂન ૨૦૧૨માં હાઈ કોર્ટ જજે આ કેસ લડી શકાય તેમ જણાવીને ગયા જૂનમાં કેસની વધુ સુનાવણી નિર્ધારિત કરી હતી. જોકે, માર્ચ મહિનામાં અપીલ કોર્ટના ત્રણ જજે સર્વાનુમતે આ ચુકાદો ફગાવીને સુનાવણી રદ કરી હતી. હવે વર્ષા ગોહિલને તેમનો કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ લઈ જવા પરવાનગી મળી છે. તેમના સોલિસિટર્સ ઈર્વિન મુચેલ સાથેના સ્પેશિયાલિસ્ટ ડાઈવોર્સ લોયર રોસ બીવરના જણાવ્યા અનુસાર કોઈ કાનૂની પ્રક્રિયામાં અપ્રામાણિકતા સહન કરી શકાય નહિ. એક પક્ષે પોતાની સંપત્તિની પૂર્ણ માહિતી કોર્ટને આપી ન હોવાથી ગેરવાજબી સમાધાન પર સંમતિ સધાઈ હતી.
આગામી જૂનમાં લંડનના વર્ષા ગોહિલની સાથોસાથ ૪૬ વર્ષીય એલીસન શાર્લેન્ડના સોફ્ટવેર મિલિયોનેર પૂર્વ પતિ ચાર્લ્સ શારલેન્ડનો પણ કેસ ચાલશે. એલીસન શાર્લેન્ડે ૧૭ વર્ષના લગ્નજીવન પછી ડાઈવોર્સ થતાં અંતે બે વર્ષ અગાઉ ૧૦.૩૫ મિલિયન પાઉન્ડ સ્વીકાર્યાં હતાં. આ કેસમાં પણ પત્નીને પતિની સાચી સંપત્તિની જાણ ન હતી. વાસ્તવમાં એપસેન્સના સ્થાપક ચાર્લ્સ શાર્લેન્ડની સંપત્તિ ૧૫૦ મિલિયન પાઉન્ડ હોવાનું બહાર આવ્યું હતું.
