વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાની ડેલિગેશનને ‘નો એન્ટ્રી’ઃ
૨૦૧૩ની વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનના ઉદ્યોગજગતના ડેલિગેશનને આમંત્રણ અપાયું હતું. પરંતુગત સપ્તાહે કાઠમંડુમાં સાર્ક દેશોમાં ભારત-પાક.ના વડા પ્રધાનો વચ્ચેનો ઘટનાક્રમ અને તંગ સબંધો જોતાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૪માં પાકિસ્તાનના ઉદ્યોગપતિને કે સંગઠનને આમંત્રણ રાજ્ય સરકારે આપ્યું નથી. સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, હજી સુધી પાકિસ્તાનના એશોસિયેશન, ચેમ્બર ઓફ કોર્મસ સાથે કોઈ સંપર્ક કર્યો નહોતો. પરંતુ, ૨૦૧૩ની જેમ પાકિસ્તાનના કેમિકલ્સ, ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવું કે કેમ તે અર્નિર્ણિત હતું. બે વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટનું નેતૃત્વ કરી રહ્યા હતા. હવે તેઓ દેશના વડા પ્રધાન તરીકે જાન્યુઆરી-૨૦૧૪ની સમિટમાં ઉપસ્થિત રહેશે. જો કે પાકિસ્તાનના ડેલિગેશને આમંત્રણ આપવા સંદર્ભે તેમનો કોઈ રોલ નથી. પરંતુ, ગુજરાત સરકારે જ પાકિસ્તાન સાથે ભારતના સંબંધોની સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે.
વિદેશી ભંડોળના ઉચાપત કેસમાં તિસ્તાની અરજી ફગાવાઇઃ વર્ષ ૨૦૦૨ના કોમી રમખાણોના ચકચારભર્યા ગુલબર્ગ હત્યાકાંડના અસરગ્રસ્તો માટે વિદેશથી આવેલા ભંડોળમાંથી મોટી ઉચાપતના કેસમાં ક્રાઇમબ્રાંચ દ્વારા તિસ્તા શેતલવાડના ટ્રસ્ટોના સીઝ કરાયેલા બેંક એકાઉન્ટ ખોલાવવા માટે તિસ્તા સેતલવાડ દ્વારા થયેલી અરજી એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એમ. એચ. પટેલે આકરા વલણ સાથે ફગાવી હતી. તિસ્તાની અરજી ફગાવતાં કોર્ટે નોંધ્યું હતું કે, જો તિસ્તાની સંસ્થાના સીઝ કરાયેલા બેંક એકાઉન્ટ ખોલવામાં આવે તો કેસની તપાસને ગંભીર અસર થાય તેમ છે. વળી, તિસ્તાએ આ કેસની તપાસમાં પૂરતો સાથ-સહકાર પણ આપ્યો નથી.
