શિયાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં પાણીની મોકાણઃ
સૌરાષ્ટ્રમાં શિયાળાનો નહીંવત્ પ્રારંભ થઇ રહ્યો છે સૌરાષ્ટ્રમાં ગત ચોમાસામાં અંદાજે ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં અત્યારથી જ અનેક જિલ્લામાં પાણીની તંગી ઊભી થઇ રહી છે. મોટાભાગના શહેરોમાં પાણી વિતરણમાં ધાંધિયા થવા માંડ્યા છે. પાણીના ફિલ્ટ્રેશનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ પણ વધતી વસતિ પ્રમાણે વ્યવસ્થા ગોઠવી ન શકતા સૌરાષ્ટ્રમાં ભર ચોમાસે જળાશયો છલકતા હોય તો પણ એકાંતરા પાણી મળે છે. અત્યારની સ્થિતિ જોતાં શિયાળામાં જ પાણી કાપ શરૂ થઈ જશે અને ઉનાળામાં લોકોને પાણીની તંગી માટે તૈયાર રહેવું પડશે.
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખનું આકસ્મિક મોતઃ તામિલનાડુમાં ટેક્ષી સ્લિપ થતાં અને પલટી મારી જતાં તેમાં મુસાફરી કરી રહેલા જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ દિવીબેન બારૈયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. ગત સપ્તાહે હૈદરાબાદમાં પંચાયતીરાજના રાષ્ટ્રીય તાલિમ કાર્યક્રમમાં ભાગ લઈને તેઓ પરિવારે સાથે તિરૂપતિ, કન્યાકુમારી અને રામેશ્વર ફરવા ગયા હતાં ત્યારે આ ઘટના બની હતી. તેમની સાથે કારમાં મુસાફરી કરી રહેલા સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ હેમલતાબેન પટેલને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દિવીબહેનનો મૃતદેહ બાદમાં તેમના વતન ઉના ખાતે લાવવામાં આવ્યો હતો.
