શ્રીયેન દેવાણી ટ્રાયલઃ વિરોધાભાસી પુરાવાઓ

કેપ ટાઉન, લંડનઃ સાઉથ આફ્રિકાની વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટના જજ જેનેટ ટ્રાવર્સો સમક્ષ અની દેવાણી હત્યાકેસમાં શ્રીયેન દેવાણી સામે નક્કર પુરાવાઓ ન હોવાથી આરોપ ફગાવી દેવા જોઇએ તેવી અરજી સંદર્ભે સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં શ્રીયેનની તરફેણમાં અને વિરુદ્ધમાં રજૂ થયેલા કેટલાક પુરાવાઓની યાદી અહીં રજૂ કરી છે.

શ્રીયેનની તરફેણમાં પુરાવાઃ

(૧) કેપ ટાઉન હાઈ કોર્ટમાં દેવાણીની ટ્રાયલ ચલાવતા જજ જેનેટ ટ્રાવર્સોએ આરોપી હોમોસેક્સ્યુઅલ હતો અને પોતાના લગ્નજીવનમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધતો હોવાની પ્રોસિક્યુશનની મુખ્ય દલીલ ફગાવતા કહ્યું છે કે દેવાણીની જાતીય પ્રવૃત્તિ આ કેસ સાથે અપ્રસ્તુત છે.

(૨) શ્રીયેને તેના અને અની દેવાણી વચ્ચેના સંબંધો તંગ હોવાનું સ્વીકાર્યું છે. જોકે, ટ્રાયલમાં અપાયેલી જુબાનીઓ અને પુરાવા દર્શાવે છે કે બાળક માટે પ્રયાસ કરવા તેમણે મેડિકલ ચેક-અપ્સ કરાવ્યા હતા અને તેમના સંબંધો ગાઢ હોવાનું દર્શાવતા ટેક્સ્ટ મેસેજીસ પણ કોર્ટમાં વાંચી સંભળાવાયા હતાં. અનીની હત્યા થઈ તે રાત્રિ અને તેની આગળની રાત્રિના સીસીટીવી ફૂટેજમાં ખુશ જણાતાં દંપતી એકબીજાને ચુંબન, આલિંગન કરતાં અને હસતાં દેખાય છે.

(૩) કારજેકિંગ માટે બે હત્યારા શોધવામાં મદદ માટે જે ટેક્સી ડ્રાઈવરને શ્રીયેન દેવાણીએ રોક્યો હતો તે આશરે માસિક ૩૦,૦૦૦ રેન્ડ કમાતો હતો. આમ છતાં, તે કહે છે કે માત્ર ૫,૦૦૦ રેન્ડ માટે તેણે હત્યામાં ભૂમિકા ભજવી હતી. ટેક્સી ડ્રાઈવર કે બે હત્યારા સાથે સંપર્ક કરાવનારા મિડલમેન મ્બોલોમ્બોએ કારના અપહરણ પહેલા તેમને નાણા કેવી રીતે ચૂકવાશે તેની વ્યવસ્થા વિચારી ન હતી. આમ છતાં, આ કામ માત્ર નાણા ખાતર કર્યાનું બન્નેએ જણાવ્યું હતું. દેવાણીના હાથમાં અંકુશ હતો અને તે ઝીણી બાબતો માટે પણ ચોક્કસ હોવાની જુબાની કોર્ટમાં અપાઈ છે. જોકે, ટેક્સી ડ્રાઈવરની કબૂલાત મુજબ અનીની હત્યા કેવી રીતે કરવી તે અંગે તેમણે કોઈ ચર્ચા કરી ન હતી.

(૪) શ્રીયેન દેવાણીએ કોર્ટને જણાવ્યું છે કે કેપ ટાઉન પર નવી પત્ની સાથે હેલિકોપ્ટર ઉડ્ડયનની આશ્ચર્યકારી યોજના અંગે તેણે ડ્રાઈવર સાથે વાતચીત કરી હતી. હોટેલના સીસીટીવી ફૂટેજમાં હોટેલમાં કામ કરતા મિડલમેન મોન્ડે મ્બોલોમ્બો પણ ધનવાન ક્લાયન્ટ સાથીઓ સાથે હેલિકોપ્ટર ઉડ્ડયન કરવાના હોવાની વાત કરતો દેખાય છે. અનીની હત્યા થયાની આગલી રાત્રે શ્રીયેન દેવાણી પત્ની અની સાથે પણ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે.

(૫) જુબાનીના આરંભે જ હત્યારા ઝોલિલે મન્જેનીની ટ્રાયલમાં પોતાની ભૂમિકા બાબતે ખોટું બોલ્યાની મોન્ડે મ્બોલોમ્બોએ કબૂલ્યું હતું. જુબાનીના બદલામાં તેને કાનૂની કાર્યવાહીમાંથી માફી અપાઈ હતી. ગોળીબારના અવશેષો અને ફિંગરપ્રિન્ટના પુરાવા દર્શાવે છે કે અન્ય હત્યારા ઝોલિલે મન્જેનીના બદલે અપહરણ થયેલી કાર ચલાવનારા મ્ઝિવામાડોડાએ અની પર ગોળીબાર કર્યો હોઈ શકે.

(૬) શ્રીયેન દેવાણીના વકીલોએ કહ્યું હતું કે ટોન્ગોના સહકેદીએ તેમનો સંપર્ક સાધ્યો હતો. અની દેવાણીનું અપહરણ કરી તેના ધનવાન પતિ પાસેથી મોટી રકમ મેળવવાની યોજના નિષ્ફળ જતાં તેણે દેવાણીને જ ફસાવી દીધો હોવાની કબૂલાત ટોન્ગોએ પોતાની પાસે કરી હોવાનું આ કેદીએ જણાવ્યું હતું.

શ્રીયેનની વિરુદ્ધમાં પુરાવાઃ

(૧) અની દેવાણીએ તેની પિતરાઈ બહેન સ્નેહા મશરુને નિયમિત મોકલેલા ટેક્સ્ટ મેસેજીસમાં શ્રીયેન સાથે તે ખુશ નહિ હોવાનું અને ઓક્ટોબર ૨૦૧૦માં લગ્નના થોડાં જ દિવસોમાં ડાઈવોર્સ માગવા વિચારતી હોવાનું જણાવ્યું હતું. સ્નેહા મશરુ-હિન્ડોચાએ કોર્ટ સમક્ષ કહ્યું છે કે શ્રીયેને અનીની જાતીય માગણીઓ નકારી કાઢી હતી અને બન્ને વચ્ચે નિકટતા નહોતી. સ્નેહાએ જુબાનીમાં જણાવ્યું હતું કે પત્નીના મૃત્યુ પછી શ્રીયેનનું વર્તન વિચિત્ર હતું. તેણે ફ્યુનરલ પાર્લરમાં મૃતદેહને ધક્કે ચડાવ્યો હતો અને શોકમાં હોવાં છતાં પોતાના દેખાવ વિશે ચિડાયેલો રહેતો હતો.

(૨) કારનું અપહરણ કરવા માટે બે હત્યારાની ભરતી કરવા શ્રીયેને જેને કામ કામ સોંપ્યું હતું તે ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોએ કોર્ટમાં જણાવ્યું છે કે શ્રીયેન કોઈને દૂર કરવા માગતો હતો. તેની જુબાનીને મિડલમેન અને એક અપહરણકાર મોન્ડે મ્બોલોમ્બોએ પણ સમર્થન આપ્યું હતું.

(૩) સીસીટીવીના ફૂટેજમાં શૂટિંગ પછી અને અનીનાં મૃત્યુના સમાચાર મળ્યા તે અગાઉ હોટેલની લોબીમાં દેવાણી અને ડ્રાઈવર વાત કરતા જોવા મળે છે. નક્કી કર્યા મુજબ અનીની હત્યા થઈ હતી કે કેમ તેવા સવાલો દેવાણીએ પૂછ્યા હોવાનું ટોન્ગોએ જણાવ્યું છે. સીસીટીવીના ફૂટેજમાં અનીનાં મૃત્યુ પછી હોટલની કોરિડોરમાં ગુપ્ત મુલાકાતમાં દેવાણી પ્લાસ્ટિક બેગમાં મૂકેલા નાણા ટોન્ગોને આપતો દેખાય છે. આ પછી તે તપાસનીશ પોલીસ અધિકારી અને અનીના પિતાને મળે છે, પરંતુ ચૂકવેલાં નાણાનો ઉલ્લેખ કરતો નથી.

(૪) દેવાણીએ કોર્ટને તે બાયસેક્સ્યુઅલ હોવા ઉપરાંત પત્નીને ચાહતો હોવાનું જણાવ્યું છે, પરંતુ બે હોમોસેક્સ્યુઅલ વેબસાઈટ પર મૂકેલા પ્રોફાઈલમાં તેણે એવું જણાવ્યું છે કે તે સજાતીય છે અને માત્ર પુરુષ સાથે શારીરિક સંબંધ ગમે છે. બર્મિંગહામમાં જર્મન માસ્ટરના નામે કાર્યરત પુરુષ વેશ્યાએ કોર્ટને જણાવ્યું છે કે દેવાણીએ સગાઈ સુધીના ગાળામાં તેની ત્રણ મુલાકાત લીધી હતી અને પત્નીના મૃત્યુ પછી પણ તેનો સંપર્ક કરશે તેવો સંદેશો મોકલ્યો હતો.

(૫) દેવાણીએ ડ્રાઈવર સાથે થયેલી ગુપ્ત વાતચીત પત્ની સાથે હેલિકોપ્ટર ઉડ્ડયનની આશ્ચર્યકારી યોજના અંગે હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે, દેવાણીએ પોલીસ ડિટેક્ટિવ કેપ્ટન પોલ હેન્ડ્રિક્સ સાથેના ઈન્ટરવ્યુમાં અથવા તો પત્રકારો અને અનીના પરિવારજનો સાથેની વાતચીતોમાં હેલિકોપ્ટર ઉડ્ડયનનો ઉલ્લેખ કર્યો ન હતો.

(૬) દેવાણીએ પત્નીની પર્સમાં મૂકેલાં અને કાર અપહરણ દરમિયાન ચોરાયેલાં ૧૦,૦૦૦ રેન્ડ વિશે પોલીસ સમક્ષ કદી ઉલ્લેખ કર્યો નહિ હોવાનું કેપ્ટન હેન્ડ્રિક્સે જણાવ્યું છે. ટોન્ગોને આ વાતની જાણ હતી કારણ કે તે દેવાણીને નાણા એક્સચેન્જ કરાવવા લઈ ગયો હતો. હેન્ડ્રિક્સે કહ્યું હતું કે આ જાણકારી હોત તો તપાસની શરૂઆતમાં જ ટોન્ગો તરફ ધ્યાન કેન્દ્રિત થયું હોત.

શ્રીયેન દેવાણી ટ્રાયલઃ વિરોધાભાસી પુરાવાઓ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.