સંક્ષિપ્ત સમાચાર
સુરત એરપોર્ટ પાસેના તબેલા-તળાવો દુર કરાશેઃ સુરત એરપોર્ટના રનવે પર સ્પાઈસ જેટના વિમાન સાથે ભેંસ અથડાવાની દુર્ઘટના બાદ જાગેલા તંત્રે હવે સઘન કામગીરી શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફરતે કમ્પાઉન્ડ વોલ તેમ જ ફેન્સીંગની કામગીરી શરૂ કરાયા પછી હવે સુરત મહા નગરપાલિકા દ્વારા પણ એરપોર્ટની આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં જેટલા પણ તબેલા, ઝીંગા તળાવો તેમ જ પશુ-પક્ષીઓ આકર્ષાય તેવા તમામ સ્થળોને દુર કરવા માટે કવાયત શરૂ થઇ છે. મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ તોરવણેએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર ‘બફેલો હીટ’ની ઘટના બાદ એરક્રાફટ એકટ એન્ડ રુલ્સનો સઘન અમલ કરવામાં આવી રહ્યો છે.
વેરા ઓછા હશે તો કરચોરી ઘટશેઃ આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ મેનેજમેન્ટ (ઇરમા) દ્વારા ડો. વર્ગીસ કુરિયનની સ્મૃતિમાં ગત સપ્તાહે ત્રીજું વાર્ષિક મેમોરિયલ લેકચર યોજાયું હતું. જેમાં ઉપસ્થિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પ્રો. રઘુરામ રાજને કહ્યું હતું કે, જો વેરાના દર હશે તો આપોઆપ કરચોરી ઘટશે અને જેથી આ નાણું (વિદેશમાં જવાના બદલે) દેશમાં જ રહેશે.
પાકિસ્તાની પ્રવાસીની સંખ્યા બમણી થઈઃ ગોધરા આવનારા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા આ વર્ષે બમણી થઇને ૧૮૦૦ પર પહોંચી છે. બીજી તરફ, પાકિસ્તાનથી આવતા નાગરિકોના વિઝા સંબંધિત દસ્તાવેજી પુરાવાની ચકાસણી દરમિયાન કેટલાક દસ્તાવેજ નકલી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઊઠી છે.
