૨૫૦ લોકોએ વિદેશોમાં ખાતાં હોવાનું કબૂલ્યુંઃ જેટલી
નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં ખાતાં હોવાની કબૂલાત કરી લીધી છે.
નાણાં પ્રધાને આરોપ મૂક્યો હતો કે યુપીએ સરકારે જ કાળા નાણાં મામલે સુપ્રીમ કોર્ટને આદેશો આપવા દીધા નહોતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સરકાર ૧૦૦ દિવસમાં કાળું નાણું પાછું લાવવાના વાયદાને ભૂલી ગઈ છે. ભાજપ ખોટાં વચનો આપવા માટે માફી માગે. સરકારે દેશનાં ૧૨૦ કરોડ નાગરિકોને ગેરમાર્ગે દોર્યાં છે.
