સંતાનને હોંશિયાર બનાવવું હોય તો બે ભાષા શીખવો
ન્યૂ યોર્કઃ એક સંશોધનના આધારે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો તમારાં સંતાનને તમે એક કરતાં વધુ ભાષા શીખવશો તો તેનાથી તમારાં બાળકને ઘણો ફાયદો થઇ શકે છે. એક કરતાં વધુ ભાષા જાણતાં બાળકનો આઇક્યુ પણ ઊંચો હોય છે, ખાસ કરીને જ્યારે બાળકનો વિકાસ થાય છે ત્યારે તેનામાં અનેક પ્રકારની ખાસિયતો સાથે જ વિકસતી જાય છે.
બાળકોને બે ભાષા શીખવવા માટે માતા-પિતાએ પણ બે ભાષા શીખવી જરૂરી છે, કેમ કે બાળક તેનાં માતા-પિતા પાસેથી જ ભાષા શીખતાં હોય છે. આ બે ભાષા કોઇ પણ હોય શકે છે, પણ જે ભાષા સૌથી વધુ ચલણમાં હોય તે ઉપરાંત જે ભાષા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ચલણમાં હોય તેના પર વધુ ધ્યાન આપવું જોઇએ.
આ સંશોધન સિંગાપોરમાં હાથ ધરાયું હતું, જેમાં વધુમાં દાવો કરાયો છે કે પ્રિ-સ્કૂલ ડેવલપમેન્ટમાં દ્વિભાષા બહુ જ મહત્ત્વની છે, જોકે આ સંશોધનમાં એ નથી જણાવાયું ક્યા પ્રકારની ભાષાથી વધુ ફાયદો થાય છે.
આ સંશોધનમાં દરેક બાળકને એક ઇમેજ દેખાડાઇ હતી, જેમાં બિયર અને વુલ્ફનો સમાવેશ થતો હતો. બન્ને ગ્રૂપમાં આ ઇમેજ દેખાડાઇ હતી, જે ગ્રૂપમાં બે ભાષાના જાણકાર બાળકો હતાં તેમનામાં ઇમેજને ઓળખવાની ક્ષમતા વધુ જણાઇ હતી. મતલબ કે દ્વિ-ભાષી બાળકોનો આઇક્યુ ઊંચો હોય છે અને તેઓ ઝડપથી બધી વસ્તુઓને શીખવા કે સમજવા લાગે છે. આ સંશોધનને ચાઇલ્ડ ડેવલપમેન્ટ જર્નલમાં પ્રકાશિત કરાયું હતું. દ્વિભાષી બાળકો કોઇ વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.
