અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ માટે કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરિન પાઠક નાગરિક ઊડ્ડયન પ્રધાનને પત્ર લખશે

અમદાવાદઃ કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહરાજ્ય પ્રધાન હરિન પાઠકે હાલના કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુને અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે પત્ર લખવા જણાવ્યું હતું.

લંડનમાં ગુજરાત સમાચાર દ્વારા તથા શ્રી સી.બી. પટેલ દ્વારા ચાલી રહેલી ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશની માહિતી વિશે ઓલ પાર્ટી કમિટીના ભારતના કો-ઓર્ડિનેટર શ્રી ભુપતભાઈ પારેખ સાથે શ્રી હરિનભાઈ પાઠકે વિસ્તૃત વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન શ્રી પાઠકને યુ.કે.ના કો-ઓર્ડિનેટર શ્રી સી.બી. પટેલ દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી.
આ વાતચીત દરમિયાન શ્રી પાઠકને જણાવવામાં આવ્યું હતું કે, અગાઉ શ્રી પાઠકે તેઓ અમદાવાદના સંસદસભ્ય હતા ત્યારે આવી ડાયરેક્ટ ફ્લાઈટ માટે જે ઝુંબેશ ચલાવી હતી તેની શ્રી સી.બી. પટેલે જણાવેલી વાતચીતો તેમને જણાવવામાં આવી હતી. શ્રી સી.બી. પટેલે ખાસ આગ્રહ રાખ્યો હતો કે, અગાઉ શ્રી હરિન પાઠકે આવી ડાયરેક્ટ ફ્લાઈટ માટે ખૂબ જ મહેનત કરી હતી. રજૂઆતો પણ કરી હતી. એટલું જ નહીં, પરંતુ ૪ જુલાઈ, ૨૦૧૦ના રોજ અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ-૨ના ઉદઘાટન માટે તે વખતના નાગરિક ઊડ્ડયન મંત્રી શ્રી પ્રફુલ્લ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌ પ્રથમ પ્રવચન કરવાનો પ્રસંગ શ્રી પાઠકને મળ્યો હતો ત્યારે તેમણે તેમના પ્રવચનમાં ખાસ આગ્રહપૂર્વક શ્રી પ્રફુલ્લ પટેલને અનુરોધ કર્યો હતો કે, બંધ થઈ ગયેલી અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટને તાત્કાલિક ચાલુ કરવી જોઈએ.
તેમના સૌ પ્રથમના આ પ્રવચન બાદ તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રના બે મંત્રીઓ દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી તથા વિધાનસભાના કોંગ્રેસપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ વગેરેએ શ્રી પાઠકે કરેલી રજૂઆતને સમર્થન આપતાં આવી ફ્લાઈટ તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત કરી હતી.
આ બધી રજૂઆતોને પરિણામે શ્રી પ્રફુલ્લ પટેલે તે વખતે એવી જાહેરાત કરી હતી કે ઓક્ટોબર મહિનાના કેલેન્ડરમાં આવી અમદાવાદ-લંડન-અમદાવાદની ફ્લાઈટ ચાલુ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી આવી ફ્લાઈટ ચાલુ થઈ નથી.
શ્રી પાઠકે ભુપતભાઈ પારેખ સાથેની વાતચીતમાં આ બધી વાતનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આવી ફ્લાઈટ ચાલુ કરવા માટે મેં પોતે ઘણા પ્રયત્નો કર્યા હતા. હવે શ્રી સી.બી. પટેલ અને લંડનમાં ગુજરાત સમાચાર દ્વારા જો આવી કેમ્પેઈન ચાલતી હોય તો હું મારું પૂરેપૂરું સમર્થન આપું છું. એટલું જ નહીં, પરંતુ હું વર્તમાન કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને પત્ર લખીને મેં ભૂતકાળમાં આવી ફ્લાઈટ ચાલુ કરવા માટે જે પ્રયત્નો કર્યા હતા તે પ્રયત્નનો પણ ઉલ્લેખ કરીને આવી ફ્લાઈટ તાત્કાલિક ચાલુ કરવા રજૂઆત કરીશ. એટલું જ નહીં, પરંતુ હું દિલ્હી જઈને પણ કેન્દ્રના મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરીશ કે, હાલના વડા પ્રધાન આ બાબતમાં ખૂબ જ માહિતગાર છે. અને તેમણે પણ અમદાવાદમાં રજૂઆત કરી હતી. આ બધી વિગતો કેન્દ્રના મંત્રીને જણાવીને આવી ફ્લાઈટ તાત્કાલિક ચાલુ થાય તો મને આનંદ થશે કે, મેં ભૂતકાળમાં કરેલી રજૂઆતનું સારું પરિણામ આવ્યું છે અને માત્ર ગુજરાતભરના જ નહીં, પરંતુ પશ્ચિમ ભારતના ગુજરાત-રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને આવી ફ્લાઈટથી ઘણી રાહત મળશે.
આ વાતચીત બાદ શ્રી પાઠકે કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને પત્ર લખવાનું જણાવ્યું હતું. અને આ માહિતી શ્રી સી.બી. પટેલને આપવા ખાસ જણાવ્યું હતું. તેમણે સી.બી. પટેલ દ્વારા કરવામાં આવેલી ઝુંબેશની પ્રશંસા કરી હતી.

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ માટે કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરિન પાઠક નાગરિક ઊડ્ડયન પ્રધાનને પત્ર લખશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.