ઈયુમાં હેરફેરના અંકુશોથી બ્રિટનને જ જોખમની ચેતવણીઃ
યુરોપીય યુનિયન (ઇયુ)માં આંતરિક હેરફેરની આઝાદીને અંકુશિત કરવાના પ્રયાસો બ્રિટનની સમૃદ્ધિ પર જોખમ લાવશે તેવી આશંકા બિઝનેસ જૂથોએ વ્યક્ત કરી છે. બ્રસેલ્સ ખાતે બ્રિટનના સંબંધોની પુનઃ વાટાઘાટના ભાગ સ્વરૂપે ઈયુની સરહદોમાં ઈમિગ્રેશનને નિયંત્રિત કરવાની ઈચ્છા વડા પ્રધાન ડેવિડ કેમરને પ્રદર્શિત કરી છે તે સંદર્ભે તેમણે આમ કહ્યું હતું. બ્રિટિશ બિઝનેસ સંગઠનોએ બેનિફિટ્સમાં કાપ સાથે અંગત અને કોર્પોરેટ ટેક્સમાં કાપની કેમરનની ખાતરીને સમર્થન આપ્યું હતું. જોકે, ઘણાં જૂથોએ ચેતવણી આપી છે કે યુરોપમાં કામદારોની હેરફેર પર કડક નિયમો બિઝનેસને અવરોધશે.
• વોન્ગા ૨૨૦ મિલિયન પાઉન્ડની લોન માંડવાળ કરશેઃ યુકેના સૌથી મોટા પે-ડે લેન્ડર વોન્ગાને બીજો આઘાત પહોંચ્યો છે. વોન્ગાએ સંઘર્ષરત ૩૩૦,૦૦૦ ગ્રાહકોનું ૨૨૦ મિલિયન પાઉન્ડનું દેવું માંડવાળ કરવા યુકેના રેગ્યુલેટર સાથે સંમતિ દર્શાવી છે. અગાઉ, ૨૦૧૩માં ટેક્સ અગાઉનો નફો અડધો દર્શાવ્યાનું જાહેર થતાં પેડે ધિરાણકારે પ્રતિષ્ઠા બચાવવા વોન્ગા નામ પડતું મૂકવા સહિતના વિશેષ પગલાં વિચારવાની ફરજ પડી છે.
